Loksabha Election 2024: કુલ સાત તબક્કામાં યોજાનાર લોકસભાની ચૂંટણીમાં હાલ સૌ કોઈની નજર ગુજરાત પર છે. કારણકે, ગુજરાત પ્રધાનમંત્રી મોદીનું હોમ સ્ટેટ છે. ગુજરાતમાં અગાઉના ટ્રેક રેકોર્ડ જોઈએ તો અહીં પીએમ મોદીનું નામ ચાલે છે. અહીં મતદારો ખોબલે ખોબલા ભરીને મોદીના નામે ભાજપને વોટ આપતા આવ્યાં છે. ગત ટર્મમાં એટલેકે, વર્ષ 2014 અને વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં એમ છેલ્લી બે ટર્મમાં પણ એજ કારણે ગુજરાતમાં કુલ 26માંથી 26 બેઠકો ભાજપના ફાળે રહી હતી. આ વખતે તો પીએમ મોદીના અબકી બાર 400 પારના નારાને પાર કરવા માટે ભાજપ એડીચોંટીનું જોર લગાવી રહ્યું છે. એમાંય ગુજરાતમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે દરેક સીટને ઓછામાં ઓછા 5 લાખની લીડથી જીતવા કાર્યકરો અને નેતાઓને હાકલ કરી છે. જોકે, આ બધી સ્થિતિની વચ્ચે ગુજરાતમાં આ વખતે ભાજપ માટે પાંચ સીટો પર સૌથી વધારે 'પંગો' થાય એવી સ્થિતિ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વખતે 26 માંથી 26 જીતવી નહીં હોય આસાનઃ
જીહાં, આ વખતે ગુજરાતની તમામ 26 બેઠકો જીતી લેવી એ ભાજપ માટે સહેલું નહીં હોય. તેની પાછળનું કારણ છે હાલ ગુજરાતમાં ઉભી થયેલી વર્તમાન પરિસ્થિતિ. કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલી વિવાદિત ટિપ્પણી બાદ ગુજરાતમાં માહોલ ગરમાયો છે. વિપક્ષ પણ તેનો લાભ લેવા શક્ય હોય તેટલાં તમામ પ્રયાસો કરી રહ્યું છે. રૂપાલા આ મુદ્દે ત્રણથી ચાર વાર ક્ષત્રિય સમાજની માફી માંગી ચુક્યા છે. પણ વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો. આ સ્થિતિમાં 26 માંથી 26 બેઠકો અને એ પણ 5 લાખથી વધારે મતોની લીડથી જીતવાનું ભાજપનું સપનું કઈ રીતે પુરુ થશે એ એક મોટો સવાલ છે.


હિન્દુત્વ અને રામમંદિરનો મુદ્દો કેટલો લાગશે કામ?
બીજી બાજુ ગુજરાતમાં ભાજપ માટે હિન્દુત્વની સૌથી મોટી પ્રયોગશાળા છે. અહીંની 88 ટકા વસ્તી હિન્દુ છે. ભાજપને હિન્દુત્વને લગતા દરેક મુદ્દાનો મહત્તમ ચૂંટણી લાભ મળ્યો છે. આ જ કારણ છે કે, પાર્ટીને માત્ર ગુજરાતાં જ નહીં યુપીમાં જે ફાયદો મળી શકે છે તેના કરતા અહીં રામમંદિરથી વધુ ફાયદો મળવાની આશા છે. બીજી તરફ રૂપાલાના મુદ્દાની વચ્ચે રાહુલ ગાંધીનું રાજા-મહારાજાઓ અંગેનું વિવાદિત નિવેદન પણ સામે આવ્યું છે. જેને કારણે ક્ષત્રિયો કોંગ્રેસને પણ નુકસાન પહોંચાડી શકે છે. આ વખતે ક્ષત્રિય સમાજે ભાજપ અને કોંગ્રેસ બન્ને સામે તલવારો તાણી છે. જેવાનું એ રહેશે કે એનો લાભ કોને મળે છે.


ગુજરાતમાં મોદી હૈ તો મુમકીન હૈ....
આ ઉપરાંત ગુજરાતના રાજકારણમાં જ્ઞાતિવાદ, સ્થાનિક મુદ્દા અને વાયદા વચનો મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આ બધા પર જો કંઈ ભારે પડી શકે એમ હોય તો એ છે પીએમ મોદી. કારણકે, અહીં મોદીનું નામ ચાલે છે. નરેન્દ્ર મોદી પર લોકોનો ભરોસો ભાજપના કોઈ પણ ઉમેદવારની નૈયા પાર લગાવી શકે છે. જે અત્યાર સુધી આપણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ, વિધાનસભાની ચૂંટણીઓમાં પણ જોતા આવ્યાં છીએ. અહીં મહંદ અંશે એક બહુ મોટો વર્ગ એવો છે, જે પક્ષ કે ઉમેદવારને નહીં પણ નરેન્દ્ર મોદીના નામને મત આપે છે. એ જ કારણ છેકે, મોદી મેજિકમાં ભાજપ માટે સબ ચંગા હૈ...ની સ્થિતિ બની રહે છે. એ જ કારણ છેકે, છેલ્લાં કેટલાંક વર્ષોથી ગુજરાતમાં ચૂંટણીનું ગણિત પણ મોદી પર નિર્ભર હોય છે. અને આવખતે મોદીની ગેરંટી પર લોકો કેટલો ભરોસો મુકે છે એ પણ જોવાનું રહેશે.


આ વખતે ગુજરાતમાં પરિસ્થિતિ બદલાઈઃ
કારણકે, ગુજરાતના મોદી કેન્દ્રીત રાજકારણમાં આ વખતે પરિસ્થિતિ થોડી બદલાઈ છે. આ વખતે ગુજરાતમાં જે વર્તમાન પરિસ્થિતિ ઉભી થઈ છે તે ઉકળતા ચરુ જેવી છે, તેને કારણકે, સબ ચંગા નહીં...પણ પંગા હીં પંગા હૈ...એવી સ્થિતિ સર્જાઈ છે. એક તરફ ભાજપમાં જ ટિકિટોની વહેચણીને લઈને આંતરિક રોષ ઉકળી રહ્યો છે. જે સાયલન્ટ કિલર જેવું કામ કરી શકે છે. બીજી તરફ ભાજપના સ્થાનિક નેતાઓએ જે ભગા વાળ્યા છે તેને કવરઅપ કરવા દિલ્લીના દરબારમાંથી દિગ્ગજોએ હવે મેદાનમાં ઉતરવું પડશે. આવી સ્થિતિની વચ્ચે ગુજરાતની પાંચ લોકસભા બેઠકો એવી છે જ્યાં જીત હાંસલ કરવી આ વખતે ભાજપ માટે આસાન નહીં હોય.


ચૂંટણીમાં ભાજપને નડી શકે છે સૂર્યનો તાપઃ
એટલું જ નહીં ગુજરાતની તમામ 26 બેઠકો પર 7 મેના રોજ થનારા મતદાનમાં ઉમેદવારોનું ભાવિ EVM મશીનમાં કેદ થશે. ત્યારે આ વખતની લોકસભા ચૂંટણીમાં 400 સીટોને પાર કરવાનું બ્યૂગલ ફૂંકનાર ભાજપ માટે ગુજરાતના 40 ડિગ્રી તાપમાનમાં 26 બેઠકો પર લોકોને બૂથ પર લાવવાનો સૌથી મોટો પડકાર હશે. વધુ મતદાન એટલે મોટી જીત. ગુજરાતમાં 2019ની લોકસભા ચૂંટણીમાં 64.5 ટકા, 2014માં 63.6 ટકા, 2009માં 47.9 ટકા મતદાન થયું હતું. જ્યારે વધુ મતદાન થતાં પરિણામ ભાજપની તરફેણમાં આવ્યું હતું.


આ વખતે જીતનું માર્જિન વધારવા ભાજપની મથામણઃ
છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં ભાજપે ગુજરાતમાં તમામ 26 બેઠકો જીતીને ક્લીન સ્વીપ કર્યું છે. ભાજપના નેતાઓની માનીએ તો આ વખતે પણ તેઓ તમામ બેઠકો સરળતાથી જીતશે એવો દાવો કરી રહ્યાં છે. તમામ બેઠકો 5 લાખની લીડથી જીતવાનું આહવાન પણ પ્રદેશ પ્રમુખે કર્યું છે. આ વખતે નવસારીમાં સીઆર પાટીલનો 8 લાખના માર્જિનથી અને અમિત શાહની ગાંધીનગર બેઠક પર 10 લાખના માર્જિનથી જીતનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છેકે, ગઈ વખતે સીઆર પાટીલ 6.89 લાખ મતોથી જીત્યા હતા, જે દેશનો સૌથી મોટો વિજય માર્જિન હતો.


પહેલીવાર એવું બન્યુ કે ભાજપે બદલા પડ્યાં ઉમેદવારઃ
ભાજપ વિશે એવું કહેવાય છેકે, તેમાં હાઈકમાન્ડે એકવાર જે ધારી લીધું એજ કરવામાં આવતું હોય છે. જોકે, આ વખતે પહેલીવાર એવું બન્યુ કે ભાજપે ગુજરાત પ્રદેશમાં બે ઉમેદવારોના નામની જાહેરાત બાદ થયેલાં વિરોધને લીધે ઉમેદવાર બદલવાની ફરજ પડી. વડોદરામાં બે ટર્મથી સાંસદ રહેલાં રંજનબેન ભટ્ટના ભારે વિરોધને કારણે તેમની ટિકિટ ભાજપે કેન્સલ કરવી પડી. બીજી તરફ સાબરકાંઠામાં પણ કંઈક આવો જ ઘાટ ઘડાયો હતો જેના પગલે ભીખાજી ઠાકોરની ટિકિટ કેન્સલ કરવી પડી. આયાતી ઉમેદવારો, ખાસ કરીને કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલાંને આગળ કરવાનું પણ ભાજપને નડી શકે છે. સાથે જ મોટા નેતાઓની બાદ બાકી કરીને આ વખતે ભાજપે સૌરાષ્ટ્રમાં નાના નેતાઓને ટિકિટ આપી છે એ મુદ્દો પણ પડકાર બની શકે છે.


ગુજરાતમાં ભાજપ માટે આ 5 બેઠકો પર પડી શકે છે 'પંગો'


રાજકોટઃ 
કેન્દ્રીય મંત્રી રૂપાલાના ક્ષત્રિયો અંગેના વિવાદિત નિવેદન બાદ ગુજરાતભરમાં ભારે વિરોધનો વંટોળ ઉભો થયો છે. અન્ય રાજ્યોમાં પણ તેની વધતી ઓછી અસર જોવા મળી છે. ભાજપ હાઈકમાન્ડ પણ આ મામલાને લઈને ચિંતિંત છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં અન્ય રાજ્યના અન્ય જિલ્લાઓમાં સંમેલનો કરીને ક્ષત્રિય સમાજે રૂપાલાનો વિરોધ કર્યો છે. જોકે, મતો પર તેની કેટલી અસર પડે છે તે એક મોટો સવાલ છે. રૂપાલા પોતાની ભૂલ સ્વીકારીને કરેલી વિવાદિત નિવેદન બદલ માંફી માંગી ચુક્યા છે. હવે રૂપાલાની સામે કોંગ્રેસના જાયન્ટ કિલર ગણાતા પરેશ ધાનાણી મેદાનમાં છે. જે અગાઉ રૂપાલાને વિધાનસભામાં હરાવી ચુક્યા છે. ત્યારે આ મુકાબલો ખુબ રોચક બની રહેશે. ક્ષત્રિયોનો રોષ અને જાયન્ટ કિલર સામે સ્પર્ધા આ બન્ને પડકારોની વચ્ચે રૂપાલાને જીત હાંસલ કરવા ભારે સંઘર્ષ કરવો પડશે.


ભાવનગર:
સૌરાષ્ટ્ર ભાજપનો ગઢ હોવા છતાં આ બેઠક પર ભાજપની મુશ્કેલીમાં વધારો કરવાના બે મોટા કારણો છે. કોંગ્રેસ સાથે સમજૂતી કરીને આમ આદમી પાર્ટીએ અહીંથી પોતાનો ઉમેદવાર ઉતાર્યો છે. બીજું, રૂપાલા અંગે ક્ષત્રિયો વચ્ચેના વિવાદની સીધી અસર ભાવનગર પર પડી શકે છે.


જૂનાગઢ:
જૂનાગઢને લઈને ઉમેદવારનો વિરોષ જોરદાર છે. અહીંથી ભાજપે રાજેશ ચુડાસમાને ટિકિટ આપી છે. ડૉકટરની હત્યા સાથે જોડાયેલા મામલે તેમના સંબંધમાં ખૂબ ચર્ચામાં છે.


ભરૂચ:
ભરૂચ લોકસભાની બેઠક સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર રહેલા સ્વ. અહેમદ પટેલની પરંપરાગત બેઠક રહી છે. આ વખતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીટની વહેંચણીમાં તે આમ આદમી પાર્ટીના ફાળે ગઈ છે. અહીં કોંગ્રેસીઓ ઇચ્છતા હતા કે, ટિકિટ અહેમદ પટેલના પરિવારમાંથી કોઈને અપાય. જોકે આમ આદમી પાર્ટીએ અહીં આદિવાસી ચહેરા તરીકે ચૈતર વસાવાને મેદાનમાં ઉતાર્યા છે. તેમના હરીફ 6 વખત ભાજપના સાંસદ મનસુખ વસાવા છે. ચેતન વસાવા આદિવાસીઓમાં સારી પકડ ધરાવે છે. કોંગ્રેસ સાથે ગઠબંધન ન હતું, ત્યારે પણ આમ આદમી પાર્ટીએ તેમના નામની જાહેરાત કરી હતી.


બનાસકાંઠા:
બનાસાકાંઠામાં આ વખતે બે મહિલાઓ વચ્ચે ચૂંટણી જંગ જામશે. ખાસ કરીને કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને પ્રદેશ કોંગ્રેસ દ્વારા ગુજરાતના સૌથી સ્ટ્રોંગ લીડર તરીકે ગણીને સૌથી પહેલાં જ તેમના નામની જાહેરાત કરી દીધી હતી. અહીં કોંગ્રેસ પોતાની જીતનો પ્રબળ દાવો કરી રહી છે. કોંગ્રેસના ગેનીબેન ઠાકોરની સામે અહીં ભાજપના ઉમેદવાર રેખા ચૌધરી છે. ગેનીબેન ઠાકોર અહીં ગ્રાઉન્ડ લેવલ પર ભારે દબદબો ધરાવે છે. જ્યારે રેખા ચૌધરી બનાસ ડેરી શરૂ કરનારા પરિવારમાંથી આવે છે. આ ટક્કર જોવા જેવી રહેશે.