Rajya Sabha Election 2024: દેશના 15 રાજ્યોમાં રાજ્યસભાની 56 બેઠકો માટે 27 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે. ભારતના ચૂંટણી પંચે જાહેરાત કરી છે પરંતુ ભાજપના ઉમેદવાર પર સસ્પેન્સ યથાવત છે. ગુજરાતમાં 4 બેઠકો પર ભાજપ વિજેતા બને તેવા સંજોગો છતાં ભાજપના નેતાઓ મૂંગામંતર છે કારણ કે મંત્રીઓ રીપિટ થશે કે નહીં એના પર પણ સસ્પેન્શ છે. ગુજરાતની 4 બેઠકોમાં માંડવિયા અને રૂપાલા હાલમાં મોદી સરકારમાં મંત્રી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એવી પણ ચર્ચા છે કે ભાજપ આ બંને નેતાઓને લોકસભા લડાવી શકે છે. એટલે પેરાશૂટ ઉમેદવારો ગુજરાતમાંથી રાજ્યસભામાં જશે અને ધારાસભ્યો હા જી હા કરી વિજેતા બનાવશે. હાલમાં રાજ્યસભાના નામો માટે ભાજપમાં જબરદસ્ત સસ્પેન્શ છે. માંડવિયા મોદીની ગુડબુકમાં હોવા છતાં તેમને ટિકિટ મળશે કે નહીં એમ કોઈ છાતી ઠોકીને કહી શકતું નથી. ગુજરાત ભાજપમાં તો તમામે ચૂપકીદી સાધી લીધી છે અને દિલ્હી હાઈકમાન નક્કી કરશે એ નામો જાહેર થશે એમ સૌ કોઈ જણાવી રહ્યાં છે. હાલમાં રાજ્યસભાના ઉમેદવાર માટે તમામની નજર દિલ્હી પર ટકેલી છે કે કોનું નામ જાહેર થાય છે. 


ઉત્તરાખંડ સહિત દેશના 15 રાજ્યોની 56 રાજ્યસભા બેઠકો માટે ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ગઈ છે. આ તમામ બેઠકો પર 27મી ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે. સોમવારે ભારતના ચૂંટણી પંચ દ્વારા આ અંગેની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં પણ 2 મંત્રીઓનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે. હાલમાં કોંગ્રેસ પાસે રાજ્યસભાની 2 સીટો છે પણ કોંગ્રેસ પાસે વોટબેંક ન હોવાથી આ બેઠકો ભાજપમાં જાય તેવી પૂરી સંભાવના છે. ભાજપે આ પહેલાં પણ રાજ્યસભા માટે ચોંકાવનારા નામો જાહેર કર્યા હતા. આ ચૂંટણીમાં 4 બેઠકો ભાજપ જીતે તેમ હોવાથી પેરાશૂટો પણ એડીચૌટીનું જોર લગાવી રહ્યાં છે. 


ગુજરાતમાંથી દેશના આરોગ્યમંત્રી અને ગુજરાતના કદાવર નેતા મનસુખ માંડવિયાનું ભવિષ્ય નક્કી થશે. આગામી એક સપ્તાહમાં જ ખુલાસો થઈ જશે કે માંડવિયા રીપિટ થાય છે કે નહીં? રૂપાલા અને માંડવિયા બંને પાટીદાર નેતા છે. ભાજપ આ બંને નેતાઓને કદ પ્રમાણે કાપી પાટીદારોને સંકેત આપે છે કે બંનેને રિપિટ કરે છે એ તો આગામી સમય જ બતાવશે પણ હાલમાં ભાજપના તમામ નેતાઓએ ચૂપકીદી સાધી લીધી છે. ભાજપ રાજ્યસભામાં રાજ્ય બહારના નેતાઓને પણ મોકલે તેવી સંભાવના છે. હાલમાં કેટલાક નામો ફરી ચર્ચામાં આવી ગયા છે. 


રાજ્યસભામાં જીત નક્કી હોવાથી દિલ્હી હાઈકમાન્ડ સમક્ષ લોબીંગ પણ શરૂ થઈ ગયું છે. માંડવિયા માટે પ્લસ પોઈન્ટ એ છે કે તે હાઈકમાનની ગુડબુકમાં હોવાની સાથે છત્તીસગઢમાં પણ તેમની મહેનતને પગલે ભાજપ કમબેક કરી શક્યું છે પણ ભાજપમાં જો અને તોની થિયરી કામ નથી કરતી એ સૌ કોઈ જાણે છે, મોદી પણ ખુલ્લેઆમ કહે છે કે તમારું નામ જાહેર થાય તો પણ 2 વાર ચેક કરજો કારણ કે મીડિયામાં ચાલતા નામ ક્યારેય જાહેર થતા નથી.  આ બંને નેતાઓ રીપિટ ન થયા તો પાટીદારોને મોટો ઝટકો લાગશે એ નક્કી છે...


ઉત્તરાખંડમાં રાજ્યસભા સાંસદ અનિલ બલુનીનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં ભાજપ આ વખતે રાજ્યસભાના ઉમેદવાર કોને બનાવી શકે છે તે અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી. ભારતના ચૂંટણી પંચ દ્વારા સોમવારે દેશભરના 15 રાજ્યોમાંથી રાજ્યસભાની 56 બેઠકો માટેની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. મુખ્ય ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે ચૂંટણીની સૂચના 8 ફેબ્રુઆરીએ બહાર પાડવામાં આવશે. 15મી ફેબ્રુઆરીથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે.


માહિતી અનુસાર, જેમનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે તેમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, અનિલ બલુની સહિત 56 આઉટગોઇંગ સભ્યોનો કાર્યકાળ એપ્રિલમાં સમાપ્ત થઈ રહ્યો છે. જેમાંથી 50 સભ્યો 2 એપ્રિલે નિવૃત્ત થશે જ્યારે છ સભ્યો 3 એપ્રિલે નિવૃત્ત થશે. ચૂંટણી પંચે આ બેઠકો ભરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.


8મી ફેબ્રુઆરીએ જાહેરનામું બહાર પાડવામાં આવશે-
આ માટે ચૂંટણી અધિકારીએ ચૂંટણી કાર્યક્રમ જાહેર કર્યો છે. આ મુજબ 8 ફેબ્રુઆરીએ ચૂંટણીનું જાહેરનામું બહાર પાડવામાં આવશે. 15મી ફેબ્રુઆરી સુધી ઉમેદવારી પત્રો જમા કરાવી શકાશે. 27મી ફેબ્રુઆરીના રોજ મતદાન થશે અને તે જ દિવસે મતગણતરી બાદ પરિણામ પણ જાહેર કરવામાં આવશે. આ અંગે ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે.


2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની પ્રચંડ જીતને કારણે, પાર્ટી ચારેય બેઠકો જીતવાની તૈયારીમાં છે. ગુજરાતના જે સાંસદોનો છ વર્ષનો કાર્યકાળ 2 એપ્રિલે સમાપ્ત થશે તેમાં કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપના નેતાઓ પરષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા અને કોંગ્રેસના નેતાઓ અમી યાજ્ઞિક અને નારણ રાઠવાનો સમાવેશ થાય છે. વિધાનસભામાં ભાજપને પ્રચંડ બહુમતી મળી છે. 182 બેઠકોમાંથી 156 બેઠકો ભાજપ પાસે હોવાથી ભગવા પક્ષ દ્વારા નામાંકિત કરાયેલા ચારેય ઉમેદવારો તેમની સંબંધિત બેઠકો સરળતાથી જીતી જશે. આ વર્ષે 2 એપ્રિલ પછી રાજ્યસભામાં કોંગ્રેસનું પ્રતિનિધિત્વ રાજ્યમાંથી માત્ર એક જ સાંસદ કરશે. GPCC પ્રમુખ શક્તિસિંહ ગોહિલનો રાજ્યસભાનો કાર્યકાળ 2026માં સમાપ્ત થશે. જેઓ પણ રીપિટ થાય તેવી કોઈ સંભાવના નથી આમ શક્તિસિંહ પણ ઘરભેગા થશે કે કોંગ્રેસ બીજા રાજ્યમાંથી રાજ્યસભામાં મોકલે છે એ તો આગામી સમય જ બતાવશે...