ઝી બ્યૂરો, અમદાવાદઃ ફરી એકવાર રાજ્યસભાની ચૂંટણીઓનું બિગુલ ફૂંકાઈ ચુક્યું છે. ગુજરાતમાંથી રાજ્યસભાની ખાલી પડનારી ત્રણ બેઠકો માટે ઉમેદવારોના નામ ક્યારે ભાજપ ક્યારે નક્કી કરશે તેના પર સૌ કોઈની મીંટ મંડાયેલી છે. સૂત્રોની માનીએ તો ભાજપ આજે રાજ્યસભા માટે ઉમેદવારોના નામ જાહેર કરે તેવી સંભાવના છે. જોકે, ગુજરાત ભાજપે આ આખો મામલો કેન્દ્રીય પાર્લામેન્ટ્રી બોર્ડ પર છોડ્યો છે. શક્યતાઓ એવી પણ જોવામાં આવી રહી છેકે, બે સીટ પર ક્ષત્રિય, ઓબીસી કે દલિત સમાજના ઉમેદવારને તક આપવામાં આવે. ગુરુવારે જ ભાજપનું કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ આ નામ જાહેર કરે તેવી મોટી શક્યતા છે. ત્રણ પૈકી એક બેઠક પર વિદેશમંત્રી એસ. જયશંકરનું નામ નિશ્ચિત મનાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાકીની બે બેઠકો માટે ભાજપ ક્ષત્રિય રાજપૂત, ઓબીસી અથવા દલિત ચહેરાને તક આપી શકે છે. હાલ ભાજપનો એક પણ ક્ષત્રિય રાજપૂત નેતા લોકસભા કે રાજ્યસભામાં સાંસદ પદે નથી. આ તરફ કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અને પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ક્ષત્રિય સમાજના છે. જ્યારે પોતાની ટર્મ પૂરી કરી રહેલા ઓબીસી સાંસદોને બાદ કરીએ તો ભાજપ પાસે રાજ્યસભામાં ચૂંટાઇને ગયેલા ઓબીસી કે દલિત નેતા નથી. આ સંજોગોમાં ત્રીજી બેઠક માટે આ બન્ને જ્ઞાતિમાંથી કોઇ એક સમાજના નેતાને તક મળી શકે તેવી સંભાવના છે.


હાલ ગુજરાત ભાજપની રાજ્યસભામાં શું છે સ્થિતિ?
ખાલી પડનારી ત્રણ બેઠકોને બાદ કરીએ તો હાલ ગુજરાતમાંથી રાજ્યસભામાં ભાજપના 8 સાંસદો પૈકી 3 પાટીદાર, એક આદિવાસી જ્યારે એક બ્રાહ્મણ નેતા છે, આ ઉપરાંત નિશ્ચિત મનાતા જયશંકર પણ દક્ષિણ ભારતીય બ્રાહ્મણ છે. આ તરફ ભાજપના લોકસભા સાંસદોમાં 10 ઓબીસી, 6 પાટીદાર. 5 આદિવાસી, 2 દલિત તથા ૩ અન્ય જ્ઞાતિના છે.


ઉલ્લેખનીય છેકે, શુક્રવારે ભાજપની રાષ્ટ્રીય કક્ષાની ઉત્તર ઝોનના રાજ્યોની બેઠક મળવાની છે તેમાં ભાગ લેવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી આર પાટીલ સાથે જઇ રહ્યા છે. આ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી ના અને સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષ હાજર રહેશે. આ શનિવારે કે રવિવારે કેન્દ્રીય મંત્રીમંડળનું વિસ્તરણ પણ થઇ શકે છે.