ગુજરાતમાં વિકાસ ખાડે ગયો! રાજ્યમાં ચારેય કોર પ્રજાને ખાડા નડે છે પણ સરકારને નહીં...
જ્યાં હજારો વાહનોની અવરજ્વર થતી હોય એવા મુખ્ય રસ્તા પર વચ્ચોવચ પડેલા મોટા ખાડાઓના પગલે અનેક વખત લોકોના વાહનોમાં નુકસાન થવા અને અકસ્માત થવાની ઘટનાઓ સામે આવી રહી છે. તેમ છતાં ઘોર નિદ્રાંમાં પોઢેલાં તંત્રની આંખ ઉગડતી નથી.
ઝી બ્યૂરો, અમદાવાદઃ વડોદરાથી લઈને વલસાડ સુધી, જામનગરથી લઈને જૂનાગઢ સુધી અને રાજકોટથી લઈને સુરત સુધી ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં ખાડા જ ખાડા....એમાંય કહેવાતું મેગાસિટી અમદાવાદ તો જાણે ખાડાનગરી બની ગયું છે. ઝી24 કલાકે રાજ્યના અલગ અલગ શહેરોમાં કરેલાં રિયાલિટી ચેકમાં સામે આવ્યાં અનેક ચોંકાવનારા તથ્યો....
રાજકોટમાં રોડરસ્તાની હાલત ખસ્તાઃ
સૌરાષ્ટ્રમાં પડેલા વરસાદ બાદ રસ્તાઓની હાલત બિસ્માર
રાજકોટની માધાપર ચોકડી પર મસમોટા ખાડા
રાજકોટથી જામનગર, મોરબીને જોડતો રસ્તો અત્યંત ખરાબ
ખરાબ રસ્તાના કારણે વાહનને નુકસાન થતું હોવાની ફરિયાદ
વાહનચાલકોને અકસ્માત થવાનો રહે છે ભય
વડોદરામાં વરસાદે વિનાશ વેર્યોઃ
વડોદરા શહેરમાં ચોમાસા બાદ પર રોડ પર ઠેર-ઠેર ખાડાઓ પડ્યાં...મારેઠાથી માણેજા તરફ જતો સર્વિસ રોડ પર પડ્યા ખાડા....ખાડાઓના કારણે વાહનચાલકો અને સ્થાનિકો પરેશાન....રોડ પરથી બાળકો, વાહનચાલકોને પસાર થવાનો લાગે છે ડર...કોર્પોરેશનના સ્થાયી સમિતિ ચેરમેન ડો. શીતલ મિસ્ત્રીએ દિવાળી સુધી તમામ રોડ નવા બનાવવાની આપી ખાતરી...કહ્યું કે પહેલા ત્રણ નોરતામાં શહેરમાં પડેલા તમામ ખાડા પુરી દઈશું.
વાત કરીએ રાજ્યના જામનગર શહેર અને ગ્રામ્ય પંથકમાં ચોમાસા બાદ રસ્તાઓ પર રહેલા ખાડાઓ કોઈના જીવ લેશે શું ત્યારે તંત્ર જાગશે...? ઝી 24 કલાક કરે છે સવાલ. ઝી 24 કલાક દ્વારા જામનગરમાં મુખ્ય રસ્તા ઉપર વચ્ચોવચ પડેલા ખાડાઓ અંગે તંત્રને જાગૃત કરવા માટે અને તંત્રને ઢંઢોળવા લોકોની વ્હારે આવ્યું છે. ઝી 24 કલાકના અહેવાલમાં વરસાદ બાદ તંત્ર દ્વારા ખાડાઓ પુરવાની વાતો પોકળ સાબિત જોવા મળી રહી છે.
જામનગર જિલ્લાના ધ્રોલમાં ગઈકાલે એક દંપતી રસ્તા પર જઈ રહ્યું હતું અને એ સમય રસ્તા વચ્ચે ખાડો આવતા ખાડો બચાવવા જતા વાહન ચાલક દંપતિ સ્લીપ થઈ જતા અકસ્માત સજાયો હતો. જોકે પાછળ આવતા વાહનમાં ન ટકરાઈ જઈ સદનશીબે તેમનો જીવ બચી ગયો હતો અને મોટો અકસ્માત થતા સહેજ થી અટક્યો હતો. પરંતુ ધ્રોલ જોડિયા વિસ્તારમાં રસ્તા પર રહેલા ખાડાઓના પગલે હાલ તો વાહન ચાલકો અને સ્થાનિકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. જ્યારે ધ્રોલ નગરપાલિકા વિપક્ષના નેતાએ પણ તંત્ર અને શાસક પક્ષને આ મામલે આડે હાથે લેતા આકરી પ્રતિક્રિયા આપી હતી
જ્યારે જામનગર શહેરમાં પણ મનપા વારંવાર રસ્તાઓના સમારકામ અને નવા બનાવવાની વાતો કરી રહી હોય છે પરંતુ આ દાવાઓ પણ ઝી 24 કલાકમાં અહેવાલમાં પોકળ સાબિત થતા જોવા મળ્યા હતા. જામનગર શહેરના વોર્ડ નંબર 6 માં આવેલા મુખ્ય રસ્તો કે જે સમર્પણ સર્કલ થી બેડી બંદર રીંગ રોડ સુધીનો છે અને જ્યાં હજારો વાહનોની અવરજ્વર થતી હોય એવા મુખ્ય રસ્તા પર વચ્ચોવચ પડેલા મોટા ખાડાઓના પગલે અનેક વખત લોકોના વાહનોમાં નુકસાન થવા અને અકસ્માત થવાની ઘટનાઓ સામે આવી રહી છે. તેમ છતાં આ નિમ્ભર તંત્રની આંખ ન ઉઘડતા સ્થાનિકો અને વાહન ચાલકોએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે.