ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાતમાં કડકડતી ઠંડી પડી રહી છે. આ ઠંડીમાં સવારે ભૂલકાંઓ શાળાઓ જાય છે. ત્યારે તેમની સુરક્ષા માટે સરકારે કોઈપણ પ્રકારના ગરમ કપડા પહેરીને શાળાએ જવાની છૂટ આપી છે. ખુદ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રીએ મીડિયાના માધ્યમથી જાહેરાત કરી છે પરંતુ શાળાઓ તો જાણે આપખુદશાહીમાંજ માની રહી છે. કારણ કે અનેક શાળાઓ એવી છે જે સરકારના આદેશને ઘોળીને પી ગઈ છે અને આજે પણ બાળકોને નિયત કરેલું સ્વેટર પહેરવા માટે મજબૂર કરી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સ્કૂલો કરી રહી છે મનમાની-
ભાવનગરની વિદ્યાધીશ હાઈસ્કૂલ, વડોદરાની નવરત્ન સ્કૂલ, સુરતની જ્ઞાન ભારતી સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ, ગોધરાની સંત આર્નોલ્ડ સ્કૂલ,સુરતના ભૂલકા ભવન સ્કૂલ..આ એ ગણતરીની શાળાઓ છે જ્યાં બાળકોને સરકારના આદેશ છતાં બીજું સ્વેટર નથી પહેરવા દેવામાં આવતું. કેટલીક શાળાઓ બ્લેઝર તો પાતળું સ્વેટર પહેરાવવાનો આગ્રહ રાખી રહી છે. તો કેટલાક શાળાઓ ગેઈટ પર જ બાળકોના અન્ય ગરમ કપડાં કઢાવી નાખે છે. અને બાળકોને ઠંડીમાં હેરાન થવા માટે મજબૂર કરી રહ્યા છે.


શિક્ષકો અને આચાર્યને નિયમનો નથી નડતા?
રાજ્યની ઘણી શાળાઓ તો એવી છે જેના શિક્ષકો અને આચાર્યો સ્વેટર પર શાલ ઓઢીને આવે છે અને આખો દિવસ પહેરી જ રાખે છે. પરંતુ બાળકો પાસેથી માત્ર શાળાએ નિયત કરેલું સ્વેટર પહેરવાનો જ આગ્રહ રાખે છે. વાલીઓ જ્યારે શાળાને સરકારની જાહેરાતનો હવાલો આપે છે તો શાળાના સંચાલકો દાદાગીરી કરતા હોવાની ફરિયાદ મળી રહી છે. અને જો મીડિયા શાળાના સંચાલકોને સવાલ કરે તો તેઓ મો છુપાવી દે છે.


શું બીજી રિયાનો લેવાશે ભોગ?
રાજકોટની જસાણી સ્કૂલમાં ભણતી દીકરી રિયાના નિધન બાદ શાળા સંચાલકોનું આ મનમાની પર સવાલો ઉઠ્યા હતા. રિયાનું શાળામાં જ અચાનક મૃત્યુ થઈ ગયું હતું. જે બાદ તેના માતાનો આરોપ હતા કે, તેની દીકરીનું ઠંડીના કારણે લોહી  થીજી જવાથી મૃત્યુ થયું છે. એક દિકરીના મૃત્યુ બાદ પણ નિંભર શાળાના સંચાલકો નથી જાગી રહ્યા અને વિદ્યાર્થીઓ ઠંડીમાં ઠરી રહ્યા છે.