સોલાર રૂફ ટોપ યોજના `સૂર્ય ગુજરાત` અંતર્ગત વીજ ઉત્પાદનમાં ગુજરાત દેશભરમાં અવ્વલ!
ઉર્જા મંત્રીએ જણાવ્યું કે,સોલાર રૂફ ટોપ `સૂર્ય ગુજરાત` યોજના ઓગસ્ટ 2019 માં શરૂ કરવામાં આવી હતી.રહેણાંક વિસ્તાર માટેની આ યોજનાને વ્યાપક પ્રતિસાદ ગુજરાતમાં મળ્યો છે.
ઝી બ્યૂરો, અમદાવાદઃ ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું છે કે "સોલાર રૂફટોપ યોજના" "સૂર્ય ગુજરાત"યોજના થી સોલાર ઉત્પાદનમાં ગુજરાત દેશભરમાં પ્રથમ ક્રમે છે.સોલાર વીજ ઉત્પાદનમાં દેશભર માં ઉત્પન્ન થતી વીજળીમાં ૮૦ટકા વીજળી ગુજરાત ઉત્પન્ન કરે છે. આણંદ અને ભરૂચ જિલ્લામાં સોલાર રૂફટોપ યોજનામાં ઘર વપરાશના વીજ ગ્રાહકોની નોંધણી અને વીજ ક્ષમતા અંતર્ગત ઉર્જા મંત્રીશ્રીએ જણાવ્યું કે,આણંદ જિલ્લામાં ૧૦૨૮૪ વીજ ગ્રાહકોની નોંધણી થયેલ છે, જેની કુલ વીજ ક્ષમતા ૩૯૯૧૧ કિ.વોટ છે આ વીજ ગ્રાહકોને નોંધણી અંતર્ગત ૮૫૯૫ વીજ ગ્રાહકોએ ૩૫૧૧૪૮ કિ. વોટ વીજળી ૩૧/૧૨/૨૨ ના બે વર્ષની સ્થિતિએ ઉત્પન્ન થઈ છે જેનાથી વીજ ગ્રાહકોને રૂપિયા ૭ કરોડ ૩૭ લાખની બચત થઈ છે. આ જ પ્રમાણે ભરૂચ જિલ્લામાં ૮૭૨૩ વીજ ગ્રાહકો નોંધાયેલ છે, જેની વીજ ક્ષમતા ૩૯૯૪૧ કિ.વોટ છે.ભરૂચ જિલ્લામાં ૭૨૦૦ ગ્રાહકોએ સૂર્ય યોજનાથી ૨૧.૩૫ લાખ યુનિટ વીજ ઉત્પાદન કર્યું છે, જેનાથી વીજ ગ્રાહકોને રૂપિયા ૪ કરોડ ૩૫ લાખની બચત થઈ છે.
ઉર્જા મંત્રીએ જણાવ્યું કે,સોલાર રૂફ ટોપ "સૂર્ય ગુજરાત" યોજના ઓગસ્ટ 2019 માં શરૂ કરવામાં આવી હતી.રહેણાંક વિસ્તાર માટેની આ યોજનાને વ્યાપક પ્રતિસાદ ગુજરાતમાં મળ્યો છે. ઉર્જા મંત્રીએ જણાવ્યું કે,આ યોજના અંતર્ગત વીજ ગ્રાહકના વીજબીલમાં ઘટાડો થયો છે એટલું જ નહીં, તેમના વીજ વપરાશથી વધુ વીજળી ઉત્પન્ન થાય તેને વીજ કંપની દ્વારા રૂપિયા ૨.૨૫ પૈસાના યુનિટથી ખરીદી કરવામાં આવે છે જેનાથી વીજ ગ્રાહકોને ખૂબ જ ફાયદો થયો છે.
સૂર્ય યોજના અંતર્ગત આપવામાં આવતી સબસીડી અંતર્ગત ઉર્જા મંત્રી શ્રી એ માહિતી આપતા જણાવ્યું કે રહેણાંક વિસ્તારમાં વિસ્તાર માટેની આ યોજનામાં ત્રણ કિલો વોટ સુધી ૪૦ ટકા ત્રણ કિલો વોટ થી વધુ અને ૧૦કિલો વોટ સુધી ૨૦ ટકા સબસીડી આપવામાં આવે છે. ૧૦ કિલો વોટ થી વધુ કિલો વોટ પર સબસીડી મળવા પાત્ર નથી.કોમન વપરાશ માટે આ યોજના અંતર્ગત ૧૦ કિ. વોટ થી વધુ વપરાશ માટે ત્રણ કિ. વોટ સુધી ૨૦ ટકા ત્રણ કિ. વોટથી વધુ અને ૪ કિ.વોટ થી ૧૦ કિ. વોટ સુધી ૨૦ ટકા સબસીડી આપવામાં આવે છે.