ઝી બ્યૂરો, અમદાવાદઃ કહેવાય છેકે, શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની શી જરૂર હોય છે...આર્થાત, આસ્થાએ એવો વિષય છે જે લોકોની ધાર્મિક ભાવનાઓ, શ્રદ્ધા અને લાગણીઓના સમન્વય સાથે જોડાયેલો છે. લોકોને જે બાબતમાં આસ્થા હોય છે લોકો તે પ્રકારે પોતાની ભક્તિ કરતા હોય છે. ત્યારે આ આર્ટિકલમાં વાત કરીશું એવી જ આસ્થાની અનોખી કહાનીની. મંદિરમાં ભગવાન કે માતાજીને ભાવતા ભોજનિયા પ્રસાદી તરીકે ભોગ લગાવવામાં આવતા હોય છે. પણ શું તમને એમ કહેવામાં આવે તે એવું પણ એક મંદિર છે જ્યાં માતાજીને ગાઠિયાની પ્રસાદી ધરાવાય છે તો શું કહેશો? આવું જ એક મંદિર ગુજરાતમાં આવેલું છે. જાણીએ અનોખા મંદિરની અનોખી પ્રસાદીની કહાની વિશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતએ હજારો વર્ષો પુરાણો દેશ છે. અહીં લોકોને ઈશ્વરીય આરાધના અને દૈવિય શક્તિમાં ખુબ મોટી આસ્થા છે. પુરાણો અને ધાર્મિક ગ્રંથોમાં પણ એ વાત કહેવામાં આવી છેકે, ભગવાનના વિવિધ અવતારો પણ ભારતની ધન્યધરા પર અવતર્યા હોવાનો ઉલ્લેખ છે. ત્યારે હજારો વર્ષોથી આ દેશ અને અહીંની ધરતી આસ્થાનું કેન્દ્રબિંદુ રહી છે. 


ભાવિક ભક્તો માતાજી અને ભગવાનના નામે પોતાના દુ:ખ દૂર કરવા માટે બાધા અને માનતા રાખતા હોય છે. જ્યારે તેમની ઈચ્છાપુરી થઈ જાય અથવા તેમની તકલીફો દૂર થઈ જાય ત્યારે તેઓ ભગવાનને પ્રસાદી ચઢાવવા જેતે મંદિરોમાં જતા હોય છે. અને બાધા કે માનતા આ રીતે પુરી કરતા હોય છે. આજે આપણે વાત કરવાની છે આવા જ એક મંદિરની જે ગુજરાતની ડાયમંડનગરી તરીકે ઓળખાતા સુરત શહેરમાં આવેલું છે. આ મંદિરમાં માતાજીને ગાંઠિયાની પ્રસાદી ચઢાવવાની અનોખી પ્રથા છે. જે લાંબા સમયથી ચાલી આવે છે.


સુરતમાં આવેલાં આ મંદિરમાં લોકો અલગ અલગ માનતાઓ રાખે છે. ખાસ કરીને નાના બાળકોને ખાંસી થઈ હોય ત્યારે લોકો આ મંદિરની માનતા રાખતા હોય છે. અને બાળકને સારું થઈ જાય ત્યારે મંદિરે આવીને ગાંઠિયાની પ્રસાદી અર્પણ કરતા હોય છે. લોકો બાધા પુરી થયા બાદ માતાજીને ગાંઠિયા ચઢાવે છે. સુરતમાં અંબિકાનિકેતન પાસે એક એવું મંદિર આવ્યું છે, જ્યાં લોકો ખાંસીની બાધા રાખે છે અને આ મંદિર ખોખલી માતાના મંદિર તરીકે ઓળખાય છે. માત્ર પાર્લે પોઇન્ટ જ નહીં પરંતુ કાપોદ્રા વિસ્તારમાં પણ ખોખરી માતાનું મંદિર છે અને તેની ખાસિયત છે કે બાધા પૂર્ણ થયા બાદ ભક્તો માતાજીને ગાંઠીયા અર્પણ કરે છે.


ગાંઠિયા ગુજરાતીઓનો ફેવરિટ નાસ્તો છે. એમાંય સૌરાષ્ટ્રના લોકો માટે તો ગાંઠિયા જ સર્વસ્વ છે. ત્યારે સુરતમાં પણ સૌરાષ્ટ્રના લોકો મોટી સંખ્યામાં વસે છે. એ પણ એક કારણ હોઈ શકે કે આ મંદિરે ગાંઠિયાની પ્રસાદીની પ્રથા કંઈક આવા કનેક્શનને કારણે શરૂ થઈ હોય એવી પણ સંભાવના છે. વર્ષો જુના આ મંદિરમાં માન્યતા છે કે જે લોકોને ઉધરસની તકલીફ હોય અને અહીં મંદિરમાં આવીને માનતા માને તો તેમની આ તકલીફ દૂર થઈ જાય છે અને લોકો અહીં માનતા પૂર્ણ થયા બાદ માતાજીને પ્રસાદ રૂપે ગાંઠિયા અર્પણ કરે છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, કોરોના કાળમાં પણ લોકો મોટી સંખ્યામાં અહીં બાધા રાખવા આવતા હતા. અને લોકોની માન્યતા છે કે આવા કપરા સમયમાં પણ માતાજી આશીર્વાદ આપી તેમની ઉધરસની સમસ્યા દૂર કરી હતી. ત્યાર બાદ તેઓ અહીં ગાંઠિયાની પ્રસાદી ચઢાવા આવતા હતાં.