3D-4D નહીં ભારતમાં પહેલીવાર સુરતીલાલાઓ 11D સાથે ઉજવશે ગણેશોત્સવ, સ્થપાશે 80 હજારથી વધુ પ્રતિમા
Ganesh Chaturthi 2022: ડાયમંડનગરીમાં બાપ્પા મોરિયાની ધૂમ, 10 દિવસમાં સુરતીલાલાઓ બાપ્પાના નામે 500 કરોડથી વધુ રૂપિયા ખર્ચી નાંખશે.
ઝી બ્યૂરો, સુરતઃ છેલ્લાં બે વર્ષથી કોરોનાના કહેરને કારણે તમામ તહેવારોની મજા નિરસ થઈ ગઈ હતી. જોકે, આ વર્ષે કોરોનાનું સંકટ હવે મહદશઅંશે ટળી ગયું છે ત્યારે ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં ગણેશ મહોત્સવની ધૂમ જોવા મળી રહી છે. આજે ગણેશ ચતુર્થીના પવિત્ર પર્વ પર ચોમેર જ્યાં બાપ્પા મોરિયાનો નાદ ગૂંજી રહ્યો છે ત્યાં સુરતીલાલાઓએ પણ દાદાના આગમનની ખાસ તૈયારીઓ કરી છે. આ વર્ષે વિધ્નહર્તાના સ્વાગતમાં સુરતના માર્ગો પર ઉમંગ અને ઉત્સાહનો પ્રવાહ જોવા મળી રહ્યો છે.
સુરતીલાલાઓ પહેલાંથી જ કંઈક અલગ કંઈક નવું કંઈક હટકે કરવામાં માને છે. તેથી આ વખતે અત્યાર સુધી ક્યારેય ન ઉપયોગમાં લેવાઈ હોય તેવી ટેકનોલોજીનો ગણેશ મહોત્સવમાં ઉપયોગ કરશે. 3D-4D નહીં ભારતમાં પહેલીવાર સુરતીલાલાઓ 11D સાથે ઉજવશે ગણેશોત્સવ. સમગ્ર સુરતમાં અત્યાર સુધીની સૌથી વધારે કહી શકાય તેટલી અંદાજે 80 હજારથી વધુ ગણેશ પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવશે. તેના માટે અલગ અલગ ગણેશ પંડાલના બાપ્પાના ભક્તોએ સુંદર આયોજન કરીને રાખ્યું છે. સાથો-સાથ સુરત મહાનગર પાલિકા દ્વારા પણ ગણેશોત્સવને લઈને ખાસ તૈયારીઓ કરવામાં આવી છે.
ભારતમાં પહેલીવાર 11D સાથે ગણેશ દર્શનનું આયોજન-
સુરતના ભટાર ઠાકુરજી સેવા સમિતિ દ્વારા ભારતમાં પહેલીવાર ગણેશ ઉત્સવમાં 11-D ઇફેક્ટનો પ્રયોગ કરાયો છે. જ્યાં દર્શનાર્થિઓ ચાર-ધામ યાત્રાના દર્શન કરી શકશે, જેમાં અમરનાથ, કેદારનાથ, સોમનાથ, ગોલ્ડન ટેમ્પલ, માનસરોવર, દ્વારકા, રામેશ્વરમ્, જગન્નાથપુરીના દર્શન કરી શકાશે. સુરત શહેરમાં 80 હજારથી વધુ મૂર્તિ સ્થપાશે, બાપ્પાએ સુરતની ઇકોનોમિક સાઇકલનું પૈંડું ફૂલ સ્પીડમાં ફેરવ્યું. એક અંદાજ મુજબ ‘આ વખતે 80 હજારથી વધુ પ્રતિમા સ્થાપિત થશે, જે પહેલાં 70 હજાર હતી. પાલિકાએ વિસર્જન માટે કૃત્રિમ તળાવોની સંખ્યા અને કદ વધાર્યા છે. બાપ્પા છે ત્યાં લક્ષ્મીજીની કૃપા હંમેશા વરસતી રહે છે. જેમાં ફુગાવા-મંદીગ્રસ્ત ફૂલવાળા, ઢોલ, ડીજે, ટેન્ટ-લાઇટિંગ, કેટરર, મીઠાઈ જેવા તમામ ક્ષેત્રોને 500 કરોડ રૂપિયા જેટલો બૂસ્ટર ડોઝ મળશે. તેમજ 60X125 ફૂટના મંડપમાં રામ મંદિર બનાવાયું છે, જેમાં રામાયણના વિવિધ પાત્રોની કહાનીઓને ચિત્રો દ્વારા દર્શાવાઈ છે.
સુરતના અલગ અલગ પંડાલમાં વિવિધ પ્રકારની થીમ-
ભાગળ મોટા મંદિર દ્વારા મંડપની થીમ સાઉથના મંદિર પ્રમાણે વિષ્ણુના 9 અવતારની ઝાંખી રાખવામાં આવી છે. જ્યારે અડાજણના શક્તિ ફાઈટર ગ્રુપ દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ થીમ પર મંડપ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં દેશના સ્વતંત્ર સેનાનીઓ અને ચળવળોની ઝાંખી તૈયાર કરવામાં આવી છે. મંડપ, મૂર્તિ, ડીજે, ડેકોરેશન, કેટરર્સ પાછળ સુરતીઓએ મનમૂકીને ખર્ચ કરાશે.
ડેકોરેશન : 25 હજારથી લઈને 3 લાખ સુધીનું બજેટ ફાળવાયું-
શહેરમાં ભવ્યાતિ ભવ્ય ગણેશ મંડપો સજાવવામાં આવ્યા છે. પહેલા સામાન્ય રીતે શહેરના ગણતરિના આયોજકો દ્વારા જ ભવ્યાતિ ભવ્ય મંડપ સજાવવામાં આવતા હતાં. પરંતુ હવે શહેરના અનેક વિસ્તારોમાં અસંખ્ય આયોજકો દ્વારા મંડપની સાથે લાઈટિંગ અને ડેકોરેશન માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. આ વર્ષે ગણપતિ
મંડપ : દોઢ લાખ રૂપિયા સુધીનો ખર્ચો આયોજકો દ્વારા કરાયો-
મંડપ એસોસિએશનના માજી સેક્રેટરી અશ્વિન અકબરી કહે છે કે, ‘ગણપતિ ઉત્સવમાં આટલો ઉત્સાહ અમે ક્યારેય જોયો નથી. અમુક મંડપ સર્વિસમાં તો મંડપ પણ ખુટી ગયા છે. સુરત શહેરમાં 10 હજાર રૂપિયાથી લઈને દોઢ લાખ રૂપિયા સુધીના મંડપો પણ લોકો ગણપતિ આયોજકો દ્વારા લગાવવામાં આવ્યા છે.
કેટરર્સ : શહેરની 2000થી વધારે સોસાયટીઓમાં ભોજન વ્યવસ્થા-
સોસાયટીના રહેવાશીઓ ગણેશ ઉત્સવને ધામધૂમથી ઉજવી શકે તે માટે શહેરની મોટી સોસાયટીઓ દ્વારા સ્પેશિયલ બજેટ ફાળવવામાં આવે છે. શહેરની 2000થી વધારે સોસાયટીઓ સોસાયટીમાં જ જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સોસાયટીઓ જેના માટે 5 લાખથી માંડીને 25 લાખ રૂપિયા સુધીનું બજેટ ફાળવવામાં આવ્યું છે.
ડીજે, ઢોલ : 20 હજારથી લઈને 2 લાખ સુધીનું ડીજે ઢોલનું બજેટ-
આ વર્ષે સુરતીઓમાં ખુબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મોટા ભાગની આગમના યાત્રામાં ડીજે, નાસિક ઢોલ, અને લાઈવ બેન્ડ સહિતની સિસ્ટમ લઈને આયોજકો દ્વારા ગણપતિ આગમન કાઢવામાં આવે છે. સુરતમાં 20 હજારથી લઈને 2 લાખ રૂપિયા સુધીનું બજેટ ડિ.જે, નાસિક ઢોલ અને લાઈવ બેન્ડમાં રાખવામાં આવે છે.
પ્રસાદને નડી મોંઘવારી-
ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે મોદક અને મોતીચૂરના લાડુના કિલોએ રૂ.40થી 60 સુધીનો વધારો થયો છે. એટલે 10 ટકા જેટલા વધારો થયો છે. હાલ મોદકના ભાવ પ્રતિકિલો રૂ.540થી 640 સુધી પહોંચી ગયા છે. જ્યારે મોતીચૂરના લાડુના ભાવ રૂ.540થી વધુ છે. 24 કેરેટ્સના સંચાલક રોહન મીઠાઇવાલાએ જણાવ્યું કે, દુધના ભાવ વધતા વધારો કરાયો છે. મોતીચૂર, બુંદીના લાડુ અને ડ્રાયફ્રુટના હારની કિંમત રૂ.1800થી રૂ.2500 રાખવામાં આવી છે.
વિસર્જન કરાઈ ખાસ તૈયારીઓ-
પાલિકા ગણેશ વિસર્જન માટે આ વર્ષે પણ 9 ઝોનમાં કુલ 19 કૃત્રિમ તળાવ બનાવી રહી છે. જેમાં 50 હજારથી વધુ મૂર્તિઓનું વિસર્જન થશે. મૂર્તિઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. જેથી આ વર્ષે કૃત્રિમ તળાવમાં ગત વર્ષની સરખામણીએ વધુ મૂર્તિઓ વિસર્જન થવાનો અંદાજ છે. વર્ષ 2021માં 19 કૃત્રિમ તળાવમાં અંદાજે 40 હજાર મૂર્તિઓનું વિસર્જન થયું હતું. જ્યારે ઘર આંગણે 20 હજારથી વધુ મૂર્તિઓનું વિસર્જન થયું હતું. જ્યારે હજીરા જે.ટી ખાતે દરિયામાં વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવે છે.