ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાતી પદ્ય સાહિત્યમાં માનભેર લેવાતું નામ એટલે મરીઝ. થોકબંધ ગઝલો દ્વારા આજે પણ તેઓ લોકહ્રદય સમ્રાટ બનીને બેઠાં છે. અબ્બાસ વાસી તરીકે ઓછું પરંતુ મરીઝના તખલ્લુસથી તેઓ વધારે ઓળખાય છે અને દુનિયાભરમાં પ્રસિદ્ધિ પામ્યાં છે. 22મી  ફેબ્રુઆરી 1917ના રોજ દક્ષિણ ગુજરાતમાં ડાયમંડ નગરી તરીકેની ઓળખ પામેલ સુરત શહેરમાં અબ્દુલ અલી વાસીના ઘરમાં તેમનો જન્મ થયો હતો. પિતા અબ્દુલ અલી વાસી વ્યવસાયે માસ્તર હતા. તેમની માતાની છત્રછાયા ખૂબ નાની ઉંમરમાં જ ગુમાવી હતી. તેમને બાળપણમાં શિક્ષણમાં રસ પડતો નહીં અને શાળાએ જવાને બદલે તેઓ સુરત રેલ્વે સ્ટેશને આવતી-જતી રેલગાડીઓના એન્જીન ટગર-ટગર જોયા કરતા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અબ્બાસ વાસી મોટા થયાં અને પૈસા કમાવા માટે મુંબઇ ગયા. મરીઝે મુંબઈમાં રબર ફેક્ટરીમાં કામ કરવાની શરૂઆત કરી હતી. તેમણે શાયરીની શરૂઆત ૧૪ વર્ષની ઉંમરે પોતાની મોટી બહેનની દીકરીના પ્રથમ જન્મદિન નિમિત્તે ગઝલ લખીને કરી હતી. તેમના મિત્ર અમિન આઝાદને તેઓ પોતાના ઉસ્તાદ (ગુરુ) ગણાવતા હતા. ૧૯૩૬માં આકાશવાણી મુંબઈ પરથી પ્રસારીત મુશાયરામાં ભાગ લીધો હતો. મુંબઇમાં આવક ઓછી થતી હતી તેમ છતાં તેમનો પુસ્તક પ્રેમ ક્યારે ના ઘટ્યો અને તેમણે સમયાંતરે લખવાનું ચાલુ રાખ્યું. આગળ જતા તેમણે 'વતન' અને 'માતૃભૂમિ'માં પત્રકાર તરીકે પણ કામ કર્યું અને આઝાન, ખુશ્બુ અને ઉમીદ જેવા સામયિકોનું પ્રકાશન કરવાનું પણ કામ કર્યું, પરંતુ આર્થિક ભીંસ વચ્ચે મરીઝે ૧૯૬૦ની સાલમાં દાઉદી વોરા કોમના મુખપત્ર 'ઈન્સાફ'નું તંત્રીપદ સ્વીકાર્યું. 


તેમની ગઝલો અને શબ્દોમાં એક દર્દ વહેતું અને ભાર પણ જોવા મળતો. મરીઝને બાળપણ નશો કરવાની આદત લાગી ગઇ હતી જેનું કારણ ખરાબ આર્થિક પરીસ્થિતી હતી. તેમની આ પરિસ્થિતીનો ગેરલાભ લઇને એક ધનવાન વ્યક્તિએ તેમની રચનાઓ ખરીદી લીધી જો કે, આ ઘટના પ્રકાશમાં આવી જતાં તેનો મોટાપાયે વિરોધ થયો અને મરીઝને પોતાનું લખાણ પરત મળ્યું. 'મરીઝ સાહેબ'થી ઓળખ પામેલા સુરતના અબ્બાસ વાસીના શબ્દોમાં ક્યાંક ભાર હતો તો વળી ક્યાંક સંદેશ છૂપાયેલો હતો. ક્યારેક તેમના શબ્દો કોઇને રડાવી પણ દેતા તો કેટલાક શબ્દો કોઇને જીવન જીવવનો માર્ગ પણ ચીંધતા તેઓએ અલ્લાહને સંબોધી ને લખ્યું છે... " દુનિયામાં કંઇકનો હું કરજદાર છું 'મરીઝ', ચૂકવું બધાનું લેણ જો અલ્લાહ ઉધાર દે..


મરીઝના શાનદાર શેર આજે પણ યાદગાર બની રહ્યાં છે. અને વર્ષો વર્ષથી લોકસાહિત્ય અને લોકોના દિલોમાં અંકિત છેઃ


"હું ક્યાં કહું છું આપની 'હા' હોવી જોઇએ ;
પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઇએ.


પૂરતો નથી નસીબનો આનંદ ઓ ખુદા,
મરજી મુજબની થોડી મજા હોવી જોઇએ."
- મરીઝ


"એક પળ જેના વિના ચાલતું નહોંતુ
કોણ જાણે કેમ આખી જિંદગી ચાલી ગઈ."


"બને તો તમે મને જાણો ભૂલી
મને પણ તમારા વિચારો ન આવે"


"રસ્તે પલાંઠી વાળીને બેઠો છું હું 'મરીઝ',
ને આમ જોઈએ તો ન સાધુ ન સંત છું"


હું ક્યાં કહું છું....


હું ક્યાં કહું છું આપની 'હા' હોવી જોઇએ ;
પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઇએ.


પૂરતો નથી નસીબનો આનંદ ઓ ખુદા,
મરજી મુજબની થોડી મજા હોવી જોઇએ.


એવી તો બેદિલીથી મને માફ ના કરો,
હું ખુદ કહી ઊઠું કે સજા હોવી જોઇએ.


આ તારું દર્દ હો જો બીજાને તો ના ગમે,
હમણાં ભલે કહું છું દવા હોવી જોઇએ.


મેં એનો પ્રેમ ચાહ્યો બહુ સાદી રીતથી,
નહોતી ખબર કે એમાં કલા હોવી જોઇએ.


ઝાહેદ આ કેમ જાય છે મસ્જિદમાં રોજ રોજ,
એમાં જરાક જેવી મજા હોવી જોઇએ.


પૃથ્વીની આ વિશાળતા અમથી નથી 'મરીઝ',
એના મિલનની ક્યાંક જગા હોવી જોઇએ.


અનેક રચનાઓ થકી મરીઝે ગુજરાતી સાહિત્ય જગતમાં નામના મેળવી અને આજે પણ લોકોના હૈયે અલગ સ્થાન ધરાવે છે, મરીઝની ગઝલો દિલના મરીઝનો રોગ મટાડે છે. મરીઝના શબ્દો સાંભળનારને અલગ અનુભૂતિનો અહેસાસ કરાવે છે. મરીઝ લખે છે...


લેવા ગયો જો પ્રેમ તો...


લેવા ગયો જો પ્રેમ તો વહેવાર પણ ગયો,
દર્શનની ઝંખના હતી, અણસાર પણ ગયો.


એની બહુ નજીક જવાની સજા છે એ,
મળતો હતો જે દૂરથી સહકાર પણ ગયો.


રહેતો હતો કદી કદી ઝુલ્ફોની છાંયમાં,
મારા નસીબમાંથી એ અંધકાર પણ ગયો.


સંગતમાં જેની સ્વર્ગનો આભાસ હો ખુદા,
દોઝખમાં કોઈ એવો ગુનેગાર પણ ગયો ?


એ ખુશનસીબ પ્રેમીને મારી સલામ હો,
જેનો સમયની સાથે હ્રદયભાર પણ ગયો ?


એ પણ છે સત્ય એની ઉપર હક નથી હવે,
એવુંય કંઈ નથી કે અધિકાર પણ ગયો.


સાકી છે સ્તબ્ધ જોઈ નશાની અગાઢ ઊંઘ,
પીનારા સાથે કામથી પાનાર પણ ગયો.


કેવી મજાની પ્રેમની દીવાનગી હશે !
કે જ્યાં 'મરીઝ' જેવો સમજદાર પણ ગયો


આવી અનેક દમદાર ગઝલોના રચયિતા મરીઝ સાહેબનો પ્રથમ ગઝલસંગ્રહ 'આગમન' (૧૯૭૫) અને બીજો 'નકશા' (મરણોત્તર, ૧૯૮૪) પ્રસિધ્ધ થયો હતો. મરીઝ સાહેબે પ્રેમની વ્યથા વિશે, મિત્રો વિશે અને પરવરદિગાર વિશે કલાત્મક અભિવ્યક્તિવાળા શેર આપ્યા છે. 13 ઓક્ટબરના રોજ પોતાના ઘરની બહાર રસ્તો ઓળંગતા મરીઝને ફ્રેક્ચર થયું અને તેમના પર શસ્ત્રક્રિયા કરવામાં આવી જેમાં સફળતા પ્રાપ્ત ન થઈ અને 19 ઓક્ટોબરના રોજ તેમનું દેહાવસાન થયું. માત્ર 2 ચોપડી ભણેલા અબ્બાસ વાસી આજે સદેહે હાજર નથી આજથી 100 વર્ષ પહેલા તેઓ આ ફાની દુનિયા છોડીને ચાલ્યા ગયા પરંતુ તેમના શબ્દો આજેપણ લોકહ્રદય સમ્રાટ છે. 


"કિસ્મતને હથેળીમાં હંમેશાં રાખો,
ચહેરા પર એની ન રેખા રાખો,
દેવાને દિલાસો કોઈ હિંમત ના કરે,
દુ:ખ-દર્દમાં પણ એવી પ્રતિભા રાખો."


હું કેમ છું, મજામાં છું, આગળ હવે ન પૂછ
કે એની બાદ જે છે બધુંયે અતાગ છે
*
ક્યાં ક્યાં દુઃખી છું, એ તો બધાને ખબર પડી
ક્યાં ક્યાં સુખી થયો છું – કોઈને ખબર નથી
*
જે જે હતા પ્રવાસ, રઝળપાટ થઈ ગયા
રસ્તેથી ઊંચકીને દિશા કોણ લઈ ગયું?
*
કાસિદ! તું જા, મગર બહુ મોડેથી આવજે
કે ઈન્તઝાર સુધી મજા છે જવાબની
*
બહારથી જોતાં આપણું લાગે
એવું એકેય ઘર નથી મળતું
*
પૂરી તું કર નમાઝ અગર હોય ભાનમાં
ઓ શેખ! મસ્ત થઈ ગયો હું તો અઝાનમાં
*
દુઃખના બે જ કારણ છે, વાત અનુભવે માની
આદમીની લાચારી, આદમીની નાદાની
*
એક હું કે કોઈ વાત બરાબર ન કહી શકું
એક તું કે તારી આંખ બધું બોલતી રહી
*
નિષ્ફળ પ્રણયનું કારણ શોધો તો છે ઉભયમાં
એ રહી ગયા શરમમાં, હું રહી ગયો વિનયમાં
*
મને શ્રદ્ધા ભલેને હોય કે ઈશ્વર બધાનો છે
દુઆ એવી કરું છું જાણે મારા એકલાનો છે
*
દમ ક્યાં મળે નિરાંતના, બબ્બે છે જિંદગી
એક તારા ઘરથી દૂર, બીજી તારા ઘર સુધી
*
ઉપરની છે ધમાલ, મહત્તા કશી નથી
જાણે કે બાદશાહની સવારી છે જિંદગી
*
અફસોસ હરીફોની આ નબળાઈ મરીઝ
ચાહે છે કે ગાળોના જવાબો આપું!
*
છતાં પણ ચાલનારાને બહુ તકલીફ લાગે છે
જુઓ તો ખાસ કંઈ ગીરદી નથી ઈશ્વરના રસ્તા પર
*
રસ નથી બાકી કોઈમાં કે હું સંબંધ બાંધું
આ ઉદાસીનતા મારી છે, અહંકાર નથી
*
દુનિયાનું દર્દ, યાદ સનમની, સમયનો ભય
તે બાદ જે બચે તે ખુદાનો ખયાલ છે
*
"ન જીતમાં મજા છે, ન નાનમ છે હારમાં
નવરાશનો સમય હતો, જીવન રમી ગયા"


"દુનિયાના લોકમાં ગજું ના દીઠું મરીઝ,
મેં મારી જાતને સસ્તી બનાવી નાખી છે."


"કહો દુશ્મનને દરિયા જેમ હું પાછો જરૂર આવીશ,
એ મારી ઓટ જોઈ કિનારે ઘર બનાવે છે."


બધો આધાર છે એના જતી વેળાના જોવા પર,
મિલનમાંથી નથી મળતા મહોબતના પુરાવાઓ.


હું ક્યાં કહું છું આપની ‘હા’ હોવી જોઈએ,
પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ.


ગરીબોના જીવનમાં ઝેર એવું રેડજે યા રબ,
મરણનો ઘૂંટ પી લે, એનું લોહી ચૂસનારાઓ.


જિંદગીના રસને પીવામાં જલદી કરો ‘મરીઝ’
એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે.


મહોબતના દુ:ખની આ અંતિમ હદ છે,
મને મારી પ્રેમાળ મા યાદ આવી.