સુરતમાં સ્પોર્ટ્સ કાર્નિવલમાં બાળકો કોથળા દોડ, લંગડી, રસ્સા ખેંચ અને સાત ઠીકરી રમ્યાં!
સુરતીઓ ગામઠી રમતોત્સવ, ફૂડ ફેસ્ટિવલ અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ઉમટ્યાં. ફૂડ કાર્નિવલમાં મોડી રાત સુધી ભારે ભીડ જામી.
ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાત સરકાર દિનપ્રતિદિન રમતગમતને સતત પ્રોત્સાહન આપતી રહી છે. એ જ પ્રોત્સાહનને કારણે વિદ્યાર્થીઓ પણ ઉત્સાહભેર સ્પોટ્ર્સમાં ભાગ લઈને ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી રહ્યાં છે. બાળકોમાં રહેલી પ્રતિભાઓ બહાર આવે તે આશયથી સરકાર સતત આવા કાર્યક્રમો કરતી રહે છે. ખુદ પ્રધાનમંત્રી મોદી પણ સ્પોટ્ર્ર્સ ખુબ મહત્ત્વ આપતા આવ્યાં છે. ઉલ્લેખનીય છેકે, 36મી નેશનલ ગેમ્સ-2022’ અંતર્ગત વેસુ કેનાલ પાથ વે પર ત્રિદિવસીય સ્પોર્ટસ કાર્નિવલનો રવિવારે શુભારંભ થયો હતો. પ્રથમ દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમો અને પરંપરાગત ગામઠી રમતોત્સવમાં હજારો સુરતીઓ ઉત્સાહભેર જોડાયા હતા. પોલીસનું ‘હથિયાર પ્રદર્શન’ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
પ્રથમ દિવસે બાળકો સાત ઠીકરી, દોરડા ખેંચ, રંગોળી, લંગડી, કોથળા કૂદ, દોરડા કૂદ, એરોબિક્સ, ઝુમ્બા,સ્કેટિંગ, બેઝિક લાઈફ સપોર્ટ વર્કશોપ, સ્ટ્રીટ આર્ટ્સ, લાઈવ સ્કેચિંગ, નેશનલ ગેમ્સની વિવિધ રમતોની લાઈવ મ્યુઝિક બેન્ડ, ડાર્ટ ગેમ્સ, પાસિંગ ધ બોલ, ટીમ વર્કની રમત ‘સાથી હાથ બઢાના’, હુલા હુપ, જેવી વિવિધ રમતો રમ્યા હતા. રવિવાર હોવાથી મોડી રાત સુધી ભારે ભીડ જામી હતી.
શહેરનું ઇન્ડોર સ્ટેડિયમ રમતગમતના મોટા કાર્યક્રમોનું આયોજન માટે નવું નથી. પરંતુ 6,800 દર્શકોની ક્ષમતા ધરાવતા આ સ્ટેડિયમનું વાતાવરણ ચોક્કસપણે સંપૂર્ણપણે અલગ, રોમાંચક પણ હશે. મંગળવારે અહીંથી 36મી નેશનલ ગેમ્સમાં ભારતના ટોચના પેડલર્સ ગૌરવ અને ગોલ્ડ બંને માટે લડશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, 90 દિવસમાં તૈયારી પૂર્ણ કરવી ઐતિહાસિક ઘટના છે. લોકજાગૃત્તિ, નિરોગી શરીરનું મહત્વ તેમજ યુવાનોમાં છુપાયેલા કળા-કૌશલ્યને ઉજાગર કરવા આ ત્રિદિવસીય ‘સ્પોર્ટસ કાર્નિવલ’ યોજાઈ રહ્યો છે.
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના અધિકારીઓએ રવિવારે સવારે ઈન્ડોર સ્ટેડિયમમાં તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. અધિકારીઓએ સંકળાયેલા લોકો સાથે વાર્તાલાપ કર્યો અને શક્ય તેટલો શ્રેષ્ઠ શો મૂકવાનું મહત્વ પણ સમજાવ્યું. બેડમિન્ટન, બીચ વોલીબોલ અને બીચ હેન્ડબોલની સાથે શહેરમાં મંગળવારે ટેબલ ટેનિસની ગેમ શરૂ થશે. વર્ષ 2005માં ગુજરાતના માનવ ઠક્કરે પ્રથમ વખત ટેબલ ટેનિસનું રેકેટ પકડ્યું ત્યારે તે માંડ 6 વર્ષનો અને ટેબલ જેટલો ઊંચો પણ નહોતો. છતાં તે સુરતની 15x૩0ની એકેડેમીમાં જોડાયો. માનવને નેશનલ ગેમ્સની તૈયારી વખતે નાનકડા રૂમથી શરૂ કરેલી સફર યાદ આવી ગઇ હતી.