આઝાદી બાદ પણ ગુજરાતના આ ગામમાં ભરાય છે રાજાનો દરબાર, શરૂ થઈ તૈયારીઓ
ડાંગના રાજવી પરિવારોને વર્ષો જુની પરંપરા મુજબ વર્ષમા એક્વાર ભવ્ય ડાંગ દરબાર યોજાય છે. જેમાં ભીલ રાજાઓનું બહુમાન કરી તેમને સરકાર દ્વારા પોલિટિકલ પેન્શન એટલે કે રાજકીય સાલીયાણુ આપવામા આવે છે. વર્ષોથી ચાલતી આ પરંપરા માત્ર કોરોના કાળમાં બંધ રહી હતી. જોકે હવે કોવિડની અસર ઓછી થતા ડાંગ વહીવટી તંત્રએ આ વર્ષે ડાંગ દરબારની તૈયારી શરૂ કરી દીધી છે.
હિતાર્થ પટેલ/ડાંગ :ડાંગના રાજવી પરિવારોને વર્ષો જુની પરંપરા મુજબ વર્ષમા એક્વાર ભવ્ય ડાંગ દરબાર યોજાય છે. જેમાં ભીલ રાજાઓનું બહુમાન કરી તેમને સરકાર દ્વારા પોલિટિકલ પેન્શન એટલે કે રાજકીય સાલીયાણુ આપવામા આવે છે. વર્ષોથી ચાલતી આ પરંપરા માત્ર કોરોના કાળમાં બંધ રહી હતી. જોકે હવે કોવિડની અસર ઓછી થતા ડાંગ વહીવટી તંત્રએ આ વર્ષે ડાંગ દરબારની તૈયારી શરૂ કરી દીધી છે.
રાજ્યપાલ કરે છે ભીલ રાજાઓનુ સન્માન
ડાંગ જિલ્લાની ઐતિહાસિક અને ભાતીગળ લોકસંસ્કૃતિને ઉજાગર કરતા ડાંગ દરબારની લોકો આતુરતાથી રાહ જોતા હોય છે. ખાસ કરીને ડાંગના રાજાઓ જેમને વર્ષમાં એકવાર જાહેરમાં મહામહિમ રાજ્યપાલ પોતાના હસ્તે સન્માનિત કરીને મોંઘી ભેટ સોગાદો આપે છે. સાથે જ રાજકીય સાલિયાણું એટલે કે પોલિટીકલ પેન્શન આપવાની પરંપરા જાળવે છે. આ ડાંગ દરબાર મેળામાં દેશના વિવિધ આદિવાસી નૃત્યો અને સંસ્કૃતિની ઝાંખી જોવા મળે છે. ખુદ રાજ્યપાલ ડાંગ આવીને ભીલ રાજાઓનું સન્માન કરે છે અને તેમને પોતાના વરદ હસ્તે ચેક અર્પણ કરે છે.
ગત વર્ષે કોરોના સંક્રમણને લીધે ડાંગ દરબાર મોકૂફ રાખવામાં આવ્યો હતો. જોકે હવે કોરોનાની અસર ઓછી થતા ડાંગ વહીવટી તંત્રએ ડાંગ દરબારની તૈયારી શરૂ કરી દીધી છે. ડાંગ જિલ્લા કલેક્ટરે હોળી પહેલા મહમાહિમ રાજ્યપાલ પાસે સમય લીધા બાદ તારીખ જાહેર કરવા જણાવ્યું છે. જોકે જે રાજાએ સરકારને પોતાના કરોડોની સંપત્તિ એવા અનમોલ જંગલો સરકારને આપી દીધા અને આ જંગલોની રક્ષા પણ કરી એ તમામ રાજાઓની હાલત આજે તેમની ગરીબ પ્રજા કરતા પણ બદતર બની ગઇ છે. એક તરફ રાજાનો ઠાઠ, સાંસ્કૃતિક વારસો છે, જ્યારે બીજી તરફ પારિવારીક જવાબદારી. આ વચ્ચે હવે ડાંગ દરબાર યોજીને પરંપરાનુ પાલન કરાશે. એ માટે રાજાઓ ખુશ છે, પરંતુ વહીવટી તંત્ર દ્વારા હજુ ડાંગ દરબારની તારીખની જાહેરાત નથી કરાઈ. ન તે આ માટે હાલના રાજાોને મીટિંગમાં બોલાવાયા છે, જેથી લઈને તેઓએ નારાજગી બતાવી છે.
ઉલ્લેખનીય છે કે, ડાંગ જેવા અંતરિયાળ અને આદિવાસી વિસ્તારમાં ડાંગ દરબાર એ એકમાત્ર મનોરંજ માટેનો મેળો છે. જેને લઈને સ્થાનિક લોકોમાં જેટલો ઉત્સાહ હોય છે એટલો જ ઉત્સાહ આદિવાસી સંસ્કૃતિને નિહાળવા માટે દેશ અને દુનિયામાંથી આવતા પ્રવાસીઓ માટે પણ રહેતો હોય છે. ત્યારે આ વર્ષે ડાંગ દરબારની રોનક જોવા જેવી રહેશે.