ઘીના ઠામમાં ઘી ઠર્યું, સરકારી વાટાઘાટો બાદ તબીબોની એક દિવસની હડતાળ મોકૂફ
રાજ્યમાં સરકારી તબીબોની હડતાળ મોકૂફ રાખવાની મોડી રાતે જાહેરાત કરાઈ છે. આરોગ્ય વિભાગ સાથે વાટાઘાટો બાદ આ નિર્ણય લેવાયો છે. આરોગ્ય વિભાગ, અધિક મુખ્ય સચિવ સાથે તબીબોની પડતર માગને લઈને આરોગ્યમંત્રી બેઠક કરશે.
અતુલ તિવારી/અમદાવાદ :રાજ્યમાં સરકારી તબીબોની હડતાળ મોકૂફ રાખવાની મોડી રાતે જાહેરાત કરાઈ છે. આરોગ્ય વિભાગ સાથે વાટાઘાટો બાદ આ નિર્ણય લેવાયો છે. આરોગ્ય વિભાગ, અધિક મુખ્ય સચિવ સાથે તબીબોની પડતર માગને લઈને આરોગ્યમંત્રી બેઠક કરશે.
આજથી ગુજરાતભરના 10 હજાર ડોક્ટરો હડતાળ પર ઉતરવાના હતા. પડતર પ્રશ્નો મામલે નિરાકરણ ના આવતા ડોક્ટરો ત્રીજી લહેરમાં આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા અને હડતાળના માર્ગે જવાના હતા. ગુજરાત ગવર્મેન્ટ ડોક્ટર્સ ફોરમે આરોગ્ય વિભાગને જાણ કરી હતી. 14 જાન્યુઆરીએ ડોકટર્સ ફોરમની ઓનલાઇન બેઠક મળી હતી. જેમાં કોઈ ઉકેલ ના આવે ત્યાં સુધી આંદોલન કરવાનો નિર્ણય લેવાયો હતો. GMTA, GIDA, GMERS, ઈન- સર્વિસ ડોકટર્સ, ESIS જેવા સંગઠનો જોડાવાના હતા. પરંતુ તબીબો હડતાળ પર ઉતરે તે પહેલા જ ઘીના ઠામમાં ઘી ઠર્યુ છે.
રાજ્યના સરકારી તબીબોની હડતાળ ફરી એકવાર મોકૂફ રાખવાની જાહેરાત કરાઈ છે. આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ સાથે વાટાઘાટો બાદ વધુ એકવાર બેઠક કરવાનો નિર્ણય લેવાયો છે. પડતર માગણીઓ અંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ સાથે તબીબોની બેઠક યોજાશે. આ મામલે આજે ગાંધીનગરમાં 11 વાગે બેઠકનું આયોજન કરાયુ છે. બેઠક બાદ જો પડતર માગણીઓ અંગે નિરાકરણ ના આવે તો તબીબો એક દિવસ રોકાયા બાદ ફરી હડતાળનો માર્ગ અપનાવશે.
ડૉક્ટરોની હડતાળ પર પ્રવક્તા મંત્રી જિતુ વાઘાણીએ કહ્યું કે, આરોગ્ય મંત્રીએ ડોક્ટર્સના પ્રશ્નો સાંભળ્યા છે. મુખ્યમંત્રીએ પેટા કમિટી બનાવી છે. પેટા કમિટીએ તમામ રજૂઆતો સાંભળી છે. રાજ્યના ડોકટરોએ કોઈ પણ સ્થિતિમાં લોકોની ચિંતા કરી છે. અગાઉ આરોગ્ય મંત્રીએ ડોક્ટર્સની તમામ માંગ સ્વીકારી છે. પેટા કમિટીનો અહેવાલ પણ મંજૂર કરાયો છે, ડોકટર્સ એસોસિએશન સાથે આરોગ્ય મંત્રી બેઠક કરશે.