ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાતના ચર્ચિત IPS ઓફિસરમાંથી એક GL સિંઘલ ફરી એકવાર સમાચારોમાં છે. ગુજરાત પોલીસ સેવામાંથી બઢતી મેળવીને આઈપીએસ બનેલા સિંઘલે નિવૃત્તિ લઈ લીધી છે. સિંઘલે ત્રણ મહિના પહેલા સરકારમાં નિવૃત્તિ માટે અરજી કરી હતી. પોલીસ સેવા બાદ તેઓ આગામી દિવસોમાં સમાજ સેવામાં સક્રિય થઈ શકે તેવી ચર્ચા છે. સિંઘલ આત્મહત્યા રોકવા માટે એનજીઓ બનાવીને કામ કરવા માંગે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં IGP તરીકે કમાન્ડોને તાલીમ આપી રહેલા સિનિયર IPS GL સિંઘલે નિવૃત્તિના બે વર્ષ પહેલાં નોકરીને અલવિદા કહી દીધું છે. ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં વરિષ્ઠ આઈપીએસ અધિકારી જીએલ સિંઘલને જ્યારે આરોપી બનાવવામાં આવ્યા ત્યારે તે દેશભરમાં ચર્ચામાં આવ્યા હતા. હવે તેમણે સમય પહેલાં નિવૃત્તિનો વિકલ્પ પસંદ કર્યો છે. સિંઘલ 1996માં ગુજરાત કેડરના અધિકારી તરીકે પોલીસ સેવામાં જોડાયા હતા. તેમને 2001માં ભારતીય પોલીસ સેવા (IPS)માં સામેલ કરવામાં આવ્યા હતા. સરકારે તેમની નિવૃત્તિ માટેની વિનંતી સ્વીકારી લીધા બાદ હવે નિવૃત્તિનો માર્ગ મોકળો થઈ ગયો છે. સંભવતઃ 5 ઓગસ્ટ તેમનો છેલ્લો કાર્યકારી દિવસ હશે.


સેવામાંથી નિવૃત્તિ-
21 એપ્રિલના રોજ, સિંઘલે સ્વૈચ્છિક નિવૃત્તિ માટે પરવાનગી માંગતી પોલીસ મહાનિર્દેશકને નોટિસ મોકલી અને નિયમ FR-56 હેઠળ સ્વૈચ્છિક નિવૃત્તિ માટે રાજ્યપાલને વિનંતી કરી હતી. તેમણે 22 વર્ષથી વધુ સરકારી સેવા પૂર્ણ કરી છે. 11 મેના રોજ, અધિક પોલીસ મહાનિર્દેશક (વહીવટ) એ ગૃહ સચિવને સિંઘલના અકાળે નિવૃત્ત થવાના ઇરાદા વિશે જાણ કરી હતી અને તેમની સામે કોઈ સતર્કતા/ પ્રાથમિક/ વિભાગીય તપાસ કે ફોજદારી કેસ નથી.


ગુજરાતના એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ-
ઈશરત જહાં કેસ પછી IPS જીએલ સિંઘલની ઈમેજ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પોલીસ ઓફિસર તરીકે બની હતી, જોકે, આ કેસમાં ધરપકડનો ભોગ બનનાર પ્રથમ પોલીસ અધિકારી હતા. આ પછી તેમને જેલ જવાની સાથે 14 મહિના સુધી સસ્પેન્ડ પણ રહેવું પડ્યું હતું. 21 ફેબ્રુઆરી 2013ના રોજ ધરપકડ બાદ જાન્યુઆરી 2015માં તેમને ફરી નોકરી જોઈન કરી હતી. 


સિંઘલ વિવાદોમાં ઘેરાયેલા હતા-
ઈશરત જહાંના એન્કાઉન્ટરમાં તેમનું નામ આવ્યા બાદ તેઓ વિવાદોમાં ફસાયા હતા. તેનું નામ અન્ય ઘણા કેસોમાં સામે આવ્યું છે. સીબીઆઈના શકંજામાં ફસાયા બાદ તેમની પોલીસ સેવા અધવચ્ચે જ સ્થગિત કરી દેવામાં આવી હતી.


પહેલાં ધરપકડ પછી નિર્દોષ છૂટ્યા-
ઈશરત જહાં કેસમાં સીબીઆઈએ આઈપીએસ સિંઘલની આરોપી તરીકે ધરપકડ કરી હતી. આ પછી તેમને 2001માં IPS તરીકે બઢતી મળી હતી. આખરે એપ્રિલ 2021માં સીબીઆઈ કોર્ટે તેમને નિર્દોષ જાહેર કર્યા હતા ત્યારે કોર્ટે કહ્યું હતું કે પોલીસની કાર્યવાહી ફરજના ભાગરૂપે હતી.


કોઈ તપાસ બાકી નથી-
સિંઘલે 22 વર્ષથી વધુ સરકારી સેવા પૂર્ણ કરી છે. સરકારી અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે સિંઘલ સામે હાલમાં કોઈ તકેદારી/પ્રાથમિક/વિભાગીય તપાસ કે ફોજદારી કેસ નથી. મૂળ અમદાવાદ, ગુજરાતના વતની, જી.એસ. સિંઘલે B.Com સાથે M.Com નો અભ્યાસ કર્યો છે.


સરકારે નિવૃત્તિને લીલીઝંડી આપી-
21 એપ્રિલે સિંઘલે પોલીસ મહાનિર્દેશકને નોટિસ મોકલી સ્વૈચ્છિક નિવૃત્તિની પરવાનગી માંગી હતી. સરકારે તેનો સ્વીકાર કર્યો છે. આ પહેલાં પણ એકવાર સિંઘલની સેવા છોડવાની ચર્ચા ત્યારે સામે આવી હતી જ્યારે એવું કહેવામાં આવ્યું હતું કે તેઓ આત્મહત્યા રોકવા માટે એનજીઓ ખોલવા માગે છે.