ક્લોઝર રિપોર્ટનો ખેલ! ભંડારીને બચાવવામાં ભરાઈ પોલીસ, જી હજૂરી કરતા 6 અધિકારી થશે જેલભેગા
આ કેસમાં ખંડણી, અપહરણ કોરા કાગળમાં સહીઓ કરાવી બળજબરી મિલકત લખાવી લઈ બળજબરીથી રોકડ પડાવી લેવાની પણ વિગતો છે. આ સિવાય સોનાના દાગીના 3 ડમ્પરો, 45 લાખ બેન્કમાંથી અને 10 લાખ રોકડા પડાવી લીધા હતા. આ કેસમાં પોલીસ અધિકારીઓ સામે આક્ષેપ એ છે કે હાઈકોર્ટનો આદેશ છતાં ન તકી કાર્યવાહી.
ઝી બ્યૂરો, અમદાવાદઃ 9-9 વર્ષ સુધી પોલીસના અન્યાય અને ઈલેક્ટ્રોથર્મના માલિકો સહિતના 19 વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવવા કરેલી મહેનતનું પરમાનંદ ઉર્ફે પ્રેમ લીલારામ શીરવાણીને ફળ મળ્યું છે. પોલીસ ધારે તો તમને કેવી રીતે નડે છે અને કાયદાનો કેવી રીતે દુરોપયોગ કરે છે આ કેસ તેનું સચોટ ઉદાહરણ છે. પ્રેમ શીરવાણી જે એક સમયે ઇલેક્ટ્રોથર્મમાં સિનિયર લોજીસ્ટીકની પોસ્ટ પર નોકરી કરતો હતો. તેને કેવી રીતે અન્યાય થયો અને પોલીસે ઈલેક્ટ્રોથર્મના સંચાલકોને બચાવવા કેવા કાંડ કર્યા એની વિગતો જાણીને તમે પણ ચોંકી જશો.
કોર્ટના આદેશની ઐસી તૈસી કરતી રહી પોલીસ!
ગુજરાત હાઈકોર્ટના આદેશ છતાં ગુજરાતના પોલીસ અધિકારીઓ ક્લોઝર રિપોર્ટ પર ક્લોઝર રિપોર્ટ ભરતા રહ્યાં. ડીજીપી સુધીની રજૂઆતોનો પણ નિવેડો ન આવ્યો આખરે સુપ્રીમના આદેશ બાદ ફરિયાદ થઈ છે. હવે ફરિયાદીને ન્યાય મળશે કે નહીં એ તો સમય જ બતાવશે પણ પોલીસતંત્ર બિઝનેસમેનોની જી હજૂરીમાં કેવા કાંડ કરે છે એનું આ કેસ ઉદાહરણ છે. ઈલેક્ટ્રોથર્મના માલિકોને બચાવવા માટે આ કેસમાં કંઈ ન હોવાનું જણાવી પોલીસ તંત્રએ 9 વર્ષ સુધી બચાવ્યો પણ હવે પોલીસ તંત્રના અધિકારીઓ જ બિઝનેસમેન સાથે ભરાયા છે. એક બિઝનેસમેનને બચાવવા કરેલા ખેલ ઉંઘા પડ્યા છે અને ક્લોઝર રિપોર્ટના વિગતોની હવે તપાસ શરૂ થશે.
અપહરણ, બળજબરી, મારામારી, ખંડણીના આરોપ છતાં ફરિયાદ નહોંતી લેતી પોલીસ!
ઈલેક્ટ્રો થર્મના માલિકોના ઈશારે પરમાનંદ ઉર્ફે પ્રેમ લીલારામ શીરવાણીનું અપહરણ, બળજબરી, મારામારી, ખંડણી ઉઘરાવવા જેવા સંગીન આરોપો છતાં આ કેસમાં પોલીસે ફરિયાદ લેવાનું રીતસરનું ટાળ્યું હતું. સીઆઈડી ક્રાઈમમાં નોંધાયેલી એક ફરિયાદે પોલીસ તંત્રમાં ચાલતી લાલિયાવાડીની પોલ ખોલી દીધી છે. પ્રેમ શિરવાણીએ નોંધાવેલી ફરિયાદમાં ઉલ્લેખ છે કે હું ફરિયાદ કરવા માટે હું આદીપુર પોલીસ સ્ટેશને ગયો હતો. જેઓ મારી ફરિયાદ ન લેતાં તત્કાલિન પીએસઆઈ એન કે ચૌહાણને મેં ફોન કર્યો હતો. જેઓએ મને 3 દિવસ બાદ આવવા માટે જણાવ્યું હતું. એ સમયે મને જાણવા મળેલ કે મને અને મારી પત્નીને હેરાન કરવા માટે કંપનીના માણસ હિતેન્દ્ર બિટ્સને ઉભો કરી મેં કંપનીના હિસાબમાં કોઈ ગોટાળો કર્યો છે તેવી મારી પર ખોટી ફરિયાદ કરી હતી. મેં ફરિયાદ કરવાનો પ્રયાસ કર્યો પણ મારી ફરિયાદ ન લેવાતાં મેં નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ફોજદારી પચૂરણ અરજી નંબર 1373/ 2016 વાળી દાખલ કરાવેલ અને જેમાં ગુન્હો બનતો હોઈ મેં નામદાર હાઈકોર્ટે ફરિયાદ દાખલ કરવા આદેશ કર્યો હતો. પરંતુ પોલીસે મારી ફરિયાદ દાખલ ન કરતાં અને આદીપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ એન કે ચૌહાણે 18 માર્ચ 2016ના રોજ મારા ઘરે આવી મારી પત્નીને પિસ્તોલ દેખાડી આ ક્લોઝર રિપોર્ટમાં સહી કરવા ધમકી આપી હતી. જે ક્લોઝર રિપોર્ટમાં મારી પત્નીએ સહી કરી આપી હતી. જે રિપોર્ટ તેઓએ 5 દિવસમાં તૈયાર કરી આપી દીધેલો. તે પછી પણ ખુશીબેનના એમ કેસ નંબર 571/ 2015નો પણ પીએસઆઈ એને ચૌહાણે ક્લોઝર રિપોર્ટ બનાવી દીધો હતો. તેમજ મુકેશ ક્રિપલાણીએ કરેલ એમ કેસ નંબર 01/ 2015નો પણ એન કે ચૌહાણે ક્લોઝર રિપોર્ટ ભરી દીધો હતો. આ સમયે તપાસ કરતાં વિગતો જાણવા મળી હતી કે એન કે ચૌહાણના પુત્રને કંપનીમાં નોકરી રાખી દીધો છે. જેથી મેં અને મારી પત્નીએ 2016માં નોટિસ આપી હતી.
ઉચ્ચ અધિકારીઓની પણ હતી આ કેસમાં સંડોવણીઃ
આ લીગલ નોટિસ બાબતે અલગ અલગ ઉચ્ચ અધિકારીઓને પણ જાણ કરી હતી. આ કેસમાં ડીવાયએમસપી અંજાર વિભાગનાએ ડીએસ વાઘેલાએ પણ ક્લોઝર રિપોર્ટ સબમિટ કર્યો હતો. આ સિવાય એસપી ભાવના પટેલ પૂર્વ કચ્છ ગાંધીધામે પણ ક્લોઝર રિપોર્ટ ભર્યો હતો. જેથી નારાજ થઈને મારી પત્નીએ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. જે કોર્ટના 2017ના રિપોર્ટમાં પણ પોલીસે કંઈ કર્યું ન હતું. ફોજદારી પરચૂરણ અરજી સામે પણ એન કે ચૌહાણે ક્લોઝર રિપોર્ટ આપતાં હું નામદાર હાઈકોર્ટમાં ગયો હતો. 2017માં પણ ગાંધીધામના ડીવાયએસપી વી. જે ગઢવીએ પણ ક્લોઝર રિપોર્ટ આપ્યો હતો. આ ક્લોઝર રિપોર્ટ સામે મેં 1500 પાનાના કાગળો જોડ્યા હતા. જેની અધિકારીને પણ જાણ કરી હતી.
DGP સાહેબને મેં કહેલું કે મને પોલીસ હેરાન કરે છે...
હું અને મારી પત્નીએ પીએસઆઈ આદિપુર પોસ્ટે અને જીવી બારોટ એસપી પૂર્વ કચ્છ ગાંધીધામને સીઆરીસી કલમ 197 મુજબની લિગલ નોટિસ આરપીએડી પોસ્ટ મારફતે ડીજીપી સાહેબ અને હોમ ડિપાર્ટમેન્ટને મોકલી હતી. તેમજ વિષ્ણુદાન ગઢવી પીએસક્યું, ડીવાયએસપી, એસપી ભાવના પટેલ અને ડીવાયએસપી અંજાર ડીએસ વાઘેલાએ હોમ ડિપાર્ટમેન્ટને ક્લોઝર રિપોર્ટ આપેલ હતો. નામદાર હાર્કોર્ટના જજ સોનિયાબેન ગોકાણીની કોર્ટનો ફરિયાદ દાખલ કરવાનો આદેશ હોવા છતાં મેં મોકલેલ રજીર્સટ પોસ્ટ એડી મારફતે ડીજીપી સાહેપ અને હોમ ડિપાર્ટમેન્ટને મોકલેલ લીગલ નોટિસ મુજબની કામગીરી કરવા ઓર્ડરમાં હુમક છતાં પણ છ પોલીસ અધિકારીઓએ મારી ફરિયાદ દાખલ કરી ન હતી અને તમામે ક્લોઝર રિપોર્ટ આપ્યો હતો. 2018માં ડીજીપી સાહેબને મેં કહેલું કે મને પોલીસ હેરાન કરે જેથી એક સીટની રચના કરાઈ હતી.
હાઈકોર્ટ બાદ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો આ કેસઃ
આ કેસમાં ગુજરાત હાઈકોર્ટ બાદ આ કેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં આખરે સુપ્રીમે આદેશ કરતાં 3 ફેબ્રુઆરીના રોજ આ મામલે ફરિયાદ થઈ હતી. આમ 2015થી 2024 સુધી ન્યાય માટે લડતા એક વ્યક્તિને ગુજરાતના એક બિઝનેસ મેન અને પોલીસ કર્મીઓના ષડયંત્રમાં ન્યાય મળ્યો છે. આ કેસમાં સુપ્રીમ સુધી આ વ્યક્તિએ લડાઈ લડી હતી. ગુજરાતમાં પોલીસ પાસે હવે ન્યાયની અપેક્ષા કેવી રીતે રાખવી એ સૌથી મોટો સવાલ છે. આ કેસમાં ખંડણી, અપહરણ કોરા કાગળમાં સહીઓ કરાવી બળજબરી મિલકત લખાવી લઈ બળજબરીથી રોકડ પડાવી લેવાની પણ વિગતો છે. આ સિવાય સોનાના દાગીના 3 ડમ્પરો, 45 લાખ બેન્કમાંથી અને 10 લાખ રોકડા પડાવી લીધા હતા. આ કેસમાં પોલીસ અધિકારીઓ સામે આક્ષેપ એ છે કે નામદાર ગુજરાત હાઈકોર્ટનો આદેશ છતાં યોગ્ય તપાસ ન કરી કાયદાની અવગણના કરી ગુનો કરવા બાબતે ફરિયાદ થઈ છે. આમ ક્લોઝર રિપોર્ટનો પોલીસ અધિકારી કેવી રીતે એક બિઝનેસમેનને બચાવવા માટે ઉપયોગ કરી શકે તે આ ફરિયાદ સાબિત કરે છે. પોલીસ ધારે તો આરોપીને ફરિયાદી અને ફરિયાદીને આરોપી બનાવતાં ન ખચકાય તેનું આ કેસ ઉદાહરણ છે.