તેજસ દવે, મહેસાણાઃ મહેસાણાના ધોબીઘાટ વિસ્તારની 50 જેટલી સોસાયટીના રહીશોએ તાત્કાલિક અશાંત ધારો લાગુ કરવાની માગ કરી છે. વારંવાર રજૂઆત કરીને થાકેલા લોકોએ હવે ચૂંટણી બહિષ્કારનું શસ્ત્ર ઉગામ્યું છે. મહેસાણા શહેરમાં અશાંત ધારો લાગુ કરવાની માગ ઉઠી છે. શહેરના ધોબીઘાટ વિસ્તારમાં આવેલી 50થી વધુ સોસાયટીઓમાં અશાંત ધારાનો અમલ કરવાની માગ કરાઈ છે. ધોબીઘાટથી માનવ આશ્રમ વિસ્તાર સુધીની 50થી વધુ સોસાયટીઓમાં ચૂંટણીના બહિષ્કારના પોસ્ટર લાગ્યા છે. સ્થાનિકોનું માનીએ તો લઘુમતી સમુદાયનાં લોકોને એક મકાન વેચાણ આપ્યા બાદ બાકીના મકાનો સસ્તી કિંમતે વેચવા માટે બહુમતી સમુદાયના લોકોને મજબૂર થવું પડે છે...ધોબીઘાટ વિસ્તારમાં આવી ઘટનાઓ વારંવાર બને છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અશાંત ધારો લાગુ કરવાની માગ કેમ?
મહેસાણાના ધોબીઘાટ વિસ્તારની 50 જેટલી સોસાયટીઓના સ્થાનિકોનું માનીએ તો લઘુમતી સમુદાય દ્વારા કોઈ સોસાયટીમાં મકાન ખરીદવા ખાસ વ્યુહરચના અપનાવાય છે. લઘુમતી સમુદાયની વ્યક્તિ કોઈ સોસાયટીમાં પહેલીવાર મકાન ખરીદે ત્યારે તેની ઉંચી કિંમત ચૂકવે છે. જો કે ત્યારબાદ સ્થાનિકોને અન્ય મકાનો વેચવાની ફરજ પડે છે. કેમ તે તેમને અન્ય સમુદાયના લોકો સાથે રહેતાં ફાવતું નથી. સ્થાનિકોને અત્યંત નીચી કિંમતે તેમનાં મકાન વેચવાની ફરજ પડે છે.  


સ્થાનિકોએ કેમ કર્યો ચૂંટણીનો બહિષ્કાર?
અશાંત ધારો લાગુ કરવા ભૂતકાળમાં અનેકવાર સ્થાનિકોએ રેલીઓ કાઢીને કલેકટરને આવેદનપત્રો આપ્યા છે. મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી છે. દેખાવો યોજી અશાંત ધારો લાગુ કરવા માગ પણ કરી છે..તેમ છતાં અશાંત ધારો લાગુ કરવામાં આવતો ના હોવાથી આખરે મહેસાણા ધોબીઘાટ વિસ્તારની 50થી વધુ સોસાયટીના રહીશોએ ચુંટણીના બહિષ્કારનું શસ્ત્ર ઉગામ્યું છે. સ્થાનિકોનું કહેવું છે કે જો તેમની માગ પૂરી નહીં કરાય તો તેઓ ચૂંટણી વખતે કોઈ પણ નેતાઓને પોતાની સોસાયટીમાં પ્રવેશવા નહીં દે.


કઈ સોસાયટીઓનો વિરોધ?
મહેસાણા શહેરના ધોબીઘાટ વિસ્તારમાં આવેલી હરિહર, પંચશીલ, ન્યુ આસોપાલવ, જયવિજય, ચાણક્ય, ધરતી ટાઉનશીપ સહિતની 50થી વધુ સોસાયટીઓના રહીશો આક્રમક બન્યા છે. બહુસંખ્યક લોકોની સોસાયટીઓમાં અશાંત ધારાના અમલ માટે ચૂંટણી બહિષ્કારના પોસ્ટરથી વિધાનસભા ચૂંટણી પહેલા મામલો ગરમાયો છે.


કેમ લાગુ કરાય છે અશાંત ધારો?
બે કોમ વચ્ચે વૈમનસ્ય ના વધે તે માટે અશાંત ધારો લાગુ કરવામાં આવે છે. આ ધારા હેઠળ એક કોમની વ્યક્તિ બીજી કોમની વ્યક્તિને દુકાન કે મકાન ભાડે અથવા વેચાણ આપી શકતી નથી. જે વિસ્તારમાં કોમી તોફાનોના બનાવ બન્યા હોય, ત્યાં શાંતિ જળવાઈ રહે, લોકોને હેરાનગતિ ન થાય, કોઈ ધાકધમકીથી તેમની મિલકતો પચાવી ન પાડે અને નાગરિકોની શાંતિ અને સલામતી જોખમાય નહી તે માટે અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો હતો. કોઈ ચોક્કસ વિસ્તારમાં ચોક્કસ સમુદાયના લોકોની વસ્તી વધી ન જાય અને બે ધાર્મિક સમુદાયના લોકો વચ્ચે મિલકતોના સોદામાં અસંતુલન ન સર્જાય તે માટે અશાંત ધારો લાગુ કરાય છે. જ્યાં અશાંત ધારો લાગુ હોય ત્યાં મિલકતની તબદિલી માટે કલેક્ટરની પૂર્વ મંજૂરી લેવી પડે છે. અશાંત ધારાના ભંગ બદલ 3થી 5 વર્ષની જેલની સજા અને એક લાખ રૂપિયાની દંડની જોગવાઈ છે.