વડોદરા નજીક કન્ટેનરે છકડાને કચડતા 10ના મોત, પતરાં કાપીને બહાર કાઢવા પડ્યા મૃતદેહ
Vadodara Road Accident: વડોદરાના દરજીપુરા એરફોર્સ પાસે કન્ટેનરે છકડના અડફેટે લીધો હતો. કન્ટેનર અને છકડા વચ્ચે અકસ્માત થતાં નેશનલ હાઇવે નં-48 પર ટ્રાફિકજામ સર્જાયો હતો.
રવિ અગ્રવાલ, વડોદરાઃ વડોદરામાં છકડા અને કન્ટેનર વચ્ચે ભયાનક અકસ્માત થતાં 10 લોકોના મોત નિપજ્યાં છે. વડોદરા શહેરના દરજીપુરા એરફોર્સ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં છકડા અને કન્ટેનર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતાં 10 લોકોનાં દબાઈ જવાથી મૃત્યુ નીપજ્યાં છે, જ્યારે અન્ય 4 લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ફાયરબ્રિગેડ અને એરફોર્સની ટીમે છકડાનાં પતરાં કાપીને મૃતદેહો બહાર કાઢ્યા હતા.
સુરતથી અમદાવાદ જતા કન્ટેનરના ચાલકે કારચાલકને બચાવવા જતાં સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. ગોલ્ડન ચોકડી પાસેથી મુસાફરો છકડામાં બેઠા હતા અને કપૂરાઈ તરફ જતા હતા ત્યારે દરજીપુરા પાસે કન્ટેનર ચાલક કાર ચાલકને બચાવવા જતા રોંગ સાઈડ ઉપર ઘસી જતા સામેથી આવી રહેલા છકડાને અડફેટમાં લીધો હતો અને કન્ટેનર એરપોર્ટની દિવાલમાં ઘૂસી ગયું હતું.છકડો રિક્ષામાં સવાર મુસાફરો અલગ અલગ બેઠા હતા. કન્ટેનર અને છકડા વચ્ચે અકસ્માત થતાં નેશનલ હાઇવે નં-48 પર ટ્રાફિકજામ સર્જાયો હતો, જેને પગલે વાહનચાલકો અટવાઇ ગયા હતા. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે ટ્રાફિકને પૂર્વવત્ કર્યો હતો.
વડોદરા જિલ્લા કલેક્ટર અતુલ ગોર, નાયબ પોલીસ કમિશનર ઝોન-4 પન્નાબેન મોમાયા, અધિક પોલીસ કમિશનર ચિરાગ કોરડિયા સહિતના ઉચ્ચ અધિકારીઓ સયાજી હોસ્પિટલ દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી. તમામ ઇજાગ્રસ્તોને સારવાર મળી રહે તે માટે જરૂરી સૂચનો કર્યાં હતા. આ ઉપરાંત શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ પણ દોડી આવ્યા હતા. અકસ્માત બાદ લોકો તરફડતા જોવા મળ્યા હતા. ગમખ્વાર અકસ્માતને પગલે નેશનલ હાઇવે પર ટ્રાફિકજામ થઈ ગયો હતો.