• તમને ખબર છે તમારી સાત પેઢીનું નામ?

  • તમને તમારા પૂર્વજો વિશે છે જાણકારી? 

  • તમારા મૂળ ગોત્રની તમારી પાસે છે માહિતી?

  • તમારા પરિવારની સંપૂર્ણ વંશાવલી તમે જાણો છો?

  • જો તમે કંઈ ન જાણતા હોવ તો પહોંચી જાઓ સિદ્ધપુર 


પ્રેમલ ત્રિવેદી, પાટણ : પાટણ જિલ્લામાં આવેલું સિદ્ધપુર શહેર સમગ્ર દેશમાં માતૃગયા તીર્થ તરીકે પ્રસિદ્ધ છે. માતૃ તર્પણની વિધિ એક માત્ર સિદ્ધપુરમાં થાય છે. અનેક ઈતિહાસ અને ધાર્મિક રીતે મહત્વપૂર્ણ આ શહેરમાં એવા અનેક પંડિતો છે જે તમારી સાત પેઢીની આખી વંશાવલી અને ગોત્ર ગણતરીના સેકન્ડમાં જણાવી દે છે. પંડિતો પાસે હજારો વર્ષ જૂના ચોપડા છે જેમાં તમામ જ્ઞાતિનો ઈતિહાસ તથા તેમની તમામ માહિતીઓ સાચવીને રખાઈ છે. માતૃ તર્પણ માટે જાણિતા આ પવિત્ર શહેરમાં કેવું છે તીર્થ ગોર મંડળનું કામ? જાણો આ અહેવાલમાં...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉત્તર ગુજરાતનું એક પવિત્ર શહેર એટલે સિદ્ધપુર...એ સિદ્ધપુર જે પોતાની અંદર અનેક ઈતિહાસ અને પવિત્રતા દબાવીને બેઠું છે. એવું શહેર જેનો ઉલ્લેખ ધાર્મિક ગ્રંથોથી લઈ અનેક પૌરાણિક પુસ્તકમાં જોવા મળે છે. માતૃતર્પણ માટે દેશ જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જાણિતા આ શહેરમાં એવા અનેક પંડિતો કે જેને આપણે ગૌર મહારાજ કહીએ તેઓ છે. આ પંડિતો તમારી આખી વંશાવલી અને ગોત્ર તથા તમારા પૂર્વજોની સંપૂર્ણ વિગતો સેકન્ડોમાં કહી દે છે. 


સિદ્ધપુરમાં સમગ્ર વિશ્વમાંથી હિન્દુ ધર્મને માનનારા લોકો માતૃ તર્પણ વિધિ માટે આવતા હોય છે. અહીં આવતા એવા ઘણા લોકો હોય છે જેમને પોતાના વંશ કે કુળના ગોર વિશે માહિતી હોતી નથી. જેથી કયા ગોર પાસે વિધિ કરાવી તેની મૂંજવણ હોય છે. પરંતુ સિદ્ધપુરના બિન્દુ સરોવર ખાતે 40થી વધુ બ્રાહ્મણ પરિવારનું તીર્થ ગોર મંડળ છે. જે ગાયકવાડ સ્ટેટ સમયનું છે. આ ગોર મંડળ પોતાના ચોપડામાંથી સેકન્ડમાં અહીં આવતા શ્રદ્ધાળુની મૂંજવણ દૂર કરી દે છે. આ બ્રાહ્મણો પાસે હસ્ત લેખિત હજારો વર્ષના ચોપડા છે. 


ગોર મંડળ પાસે જે ચોપડા છે તેમાં ભારત જ નહીં પરંતુ ભારતના પાડોશી દેશના પણ મોટા નેતા અને રાજા રજવાડાઓની વંશાવલી છે...નેપાળ, ભૂટાન, પાકિસ્તાન સહિતના દેશોના અસંખ્ય રાજવીઓના નામ અને તેમના ગોત્રની વિગતો છે. એટલું જ નહીં સમગ્ર ભારતના વિવિધ રાજ્યોની અટકો, ગોત્ર, અનેક ધર્માચાર્યો, પીઠાધિશ્વર, શંકરાચાર્યો, વલ્લભાચાર્યો, ગાંધીજી, સરદાર પટેલ, જલારામ બાપા, નરસિંહ મહેતા જેવા મહાપુરૂષોની પણ સંપૂર્ણ વિગતો આ ચોપડામાં જોવા મળે છે. આ મહાપુરૂષોના વડવાઓએ સિદ્ધપુરમાં કરેલી માતૃ શ્રાદ્ધની વિધિનો ઉલ્લેખ ગોર મંડળના ચોપડાઓમાં જોવા મળે છે. 


ગોર મંડળના ચોપડામાં શું છે? 
નેપાળ, ભૂટાન, પાકિસ્તાનના રાજવીઓના નામ અને ગોત્રની વિગતો
ભારતના વિવિધ રાજ્યોની અટકો, ગોત્ર
ધર્માચાર્યો, પીઠાધિશ્વર, શંકરાચાર્યો, વલ્લભાચાર્યો, ગાંધીજી, સરદાર પટેલ
જલારામ બાપા, નરસિંહ મહેતા જેવા મહાપુરૂષોની સંપૂર્ણ વિગતો 
મહાપુરૂષોના વડવાઓએ કરેલા માતૃ શ્રાદ્ધની વિધિનો ઉલ્લેખ


હસ્તલેખિત ગોર મંડળના ચોપડાઓ આજે ખુબ જ જૂના નાજુક થઈ ગયા છે. ચોપડામાં લખેલી વિગતો ખુબ જ મહત્વની અને મહામુલી છે. તો તેને કોમ્પ્યુટર રાઈઝ કરવા માટે કામ ચાલી રહ્યું છે. પરંતુ બ્રાહ્મણોને ડર છે કે વાઈરસ આવવાથી ક્યાંક વિગતો ઉડી જાય તો?...


આજની યુવા પેઢીને ચોપડા વિશે બહુ ખ્યાલ નહીં હોય, પરંતુ પહેલાના જમાનામાં આ રીતે જ નોંધ રાખવામાં આવતી હતી. આ ચોપડાથી જ આપણી સંસ્કૃતિ અને પરંપરા જળવાયેલી છે. જો કે સમયની સાથે તેમાં થોડા પરિવર્તનની પણ જરૂર છે.