ઝી બ્યૂરો, અમદાવાદઃ શિયાળો શરૂ થઈ ગયો છે, ધીરે ધીરે ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. એવામાં બીજી તરફ હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી પણ કરવામાં આવી રહી છે. શિયાળામાં માવઠું થાય એટલે તાપમાન કેટલું નીચું જાય એ સમજી શકાય છે. ત્યારે આગામી દિવસોમાં માવઠાની આગાહીને પગલે ઠંડીનો ચમકારો વધે તેની ચોક્કસ સંભાવના છે. ગત રાત્રિએ ગુજરાતના 7 શહેરમાં સરેરાશ લઘુતમ તાપમાન ૨૦ ડિગ્રીથી નીચે નોંધાયું હતું. આગામી ૨૬-૨૭ નવેમ્બરના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગરમાં માવઠાની આગાહી કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગત રાત્રિએ નલિયામાં ૧૬.૨ ડિગ્રી સાથે નલિયાના સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં બે ડિગ્રીનો વધારો થયો હતો. આગામી ૩ દિવસ નલિયામાં ૧૫ ડિગ્રીની આસપાસ સરેરાશ લઘુતમ તાપમાન રહેવાની આગાહી છે. અમદાવાદમાં ૧૮.૩ ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન હતું. આગામી ૩ દિવસ સરેરાશ લઘુતમ તાપમાન ૧૬થી ૧૮ ડિગ્રી વચ્ચે રહેવાની સંભાવના છે.


ગુજરાતમાં ક્યાં ક્યાં છે ઓછું તાપમાન?
શહેર                  ઠંડી
નલિયા              16.2 ડિગ્રી
ગાંધીનગર         16.4 ડિગ્રી
ડીસા                17.0 ડિગ્રી
અમરેલી            17.8 ડિગ્રી
અમદાવાદ        18.3 ડિગ્રી
વડોદરા            19.2 ડિગ્રી
ભુજ                 19.2 ડિગ્રી
ભાવનગર          20.8 ડિગ્રી
રાજકોટ            21.4 ડિગ્રી
સુરત                22.0 ડિગ્રી


ગત રાત્રિએ ગાંધીનગર, ડીસા, અમરેલી, વડોદરા, ભુજમાં પણ તાપમાન નીચું રહ્યું હતું. ૨૬મીએ વડોદરા-સુરત-ડાંગ-નવસારી- વલસાડ-અમરેલી-ભાવનગર-ગીર સોમનાથમાં જ્યારે ૨૭મીએ અમદાવાદ- આણંદ-દાહોદ-ખેડા-પંચમહાલ- અમરેલી-ભાવનગર-બોટાદ-ગીર સોમનાથ-જુનાગઢ-રાજકોટ-સુરેન્દ્રનગર- દીવમાં ૩૦થી ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવવા ઉપરાંત હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. ૨૦ ડિગ્રીથી નીચું તાપમાન હતું. હવામાન વિભાગની આગાહી અનુસાર ૨૬-૨૭ નવેમ્બરના રાજ્યના વાતાવરણમાં પલટો આવી શકે છે.