વિકસતા ગુજરાતમાં સતત વધી રહ્યો છે પાણીનો ભાવ, છેલ્લાં 16 વર્ષમાં 400 ટકા મોંઘું થયું પાણી
વિશ્વ જળ દિવસ વિેશેષ: પીવાના પાણી માટે, ઉધોગો માટે, ખેતી માટે અલગ-અલગ દર જાહેર કરાયા હતા. 2007માં ઠરાવનો અમલ કરાયો ત્યારે પીવાના પાણી માટે દર હજાર લિટરનો દર એક રૂપિયો હતો જે આજે 5.05 રૂપિયા છે.
ઝી બ્યૂરો, અમદાવાદઃ જળ એજ જીવન. પાણી બચાવો, પર્યાવરણ બચાવો. આ સૂત્રો કહેવા માટે સારા લાગે છે પણ એનું અનુસરણ થતું નથી. એક તરફ પાણીનો વેડફાટ થાય છે તો બીજી તરફ લોકો પાણીના ટીપે ટીપાં માટે વલખાં મારે છે. ઝડપથી વિકાસની હરણફાળ ભરી રહેલાં ગુજરાતની આ સ્થિતિ છે. વિકસતા ગુજરાતમાં સમયની સાથે પાણી પણ મોંઘું બન્યું છે. આજે વિશ્વ જળ દિવસ પણ જાણીએ ગુજરાતમાં બદલાતા સમયની સાથે કેવી રીતે બદલાયો પાણીનો ભાવ...
ગુજરાતના અનેક એવા વિસ્તારો એવા છે જ્યાં પીવાના પાણીની આજે પણ ખાસી તકલીફો છે. લોકોને પુરતા પ્રમાણમાં પીવાનું શુદ્ધ પાણી નથી મળતું. આ સ્થિતિ પ્રજાની સાથો-સાથ સરકાર માટે પણ ચિંતા જગાવે તેવી છે. દર વર્ષે 22મી માર્ચે વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવે છે. રાજ્યના તમામ ગામોને ઘરઆંગણે નળ દ્વારા પીવાના પાણીની સુવિધાનો દાવો કરવામાં આવી રહ્યો છે. છેલ્લા 16 વર્ષમાં પીવાના પાણીના દરમાં 400 ટકાથી પણ વધુ વધારો થયો છે. સરકાર દ્વારા 2007ના ઠરાવથી પાણીના દરો નક્કી કરવામાં આવ્યા હતા.
પાણી એક એવો મુદ્દો છે જે પ્રજા સાથે સીધી રીતે જોડાયેલો છે. પાણી માટે વર્ષોથી લોકો હેરાન થતાં આવ્યાં છે. પીવાના પાણીની વાત હોય કે પછી ખેડૂતોએ ખેતીકામ માટે પીયત માટે માંગેલાં પાણીની વાત હોય પાણીનો મુદ્દો હંમેશા ચર્ચામાં રહ્યો છે. બદલાતા સરકારો માટે પણ પાણીનો મુદ્દો મહત્ત્વનો રહ્યો છે.
પીવાના પાણી માટે, ઉધોગો માટે, ખેતી માટે અલગ-અલગ દર જાહેર કરાયા હતા. 2007માં ઠરાવનો અમલ કરાયો ત્યારે પીવાના પાણી માટે દર હજાર લિટરનો દર એક રૂપિયો હતો જે આજે 5.05 રૂપિયા છે. ઉદ્યોગો માટે ત્યારે દર પ્રતિ હજાર લિટરે દર રૂ. 8 હતો જે આજે દર રૂ. 41.77 છે. પીવાના પાણીના દરોમાં 16 વર્ષમાં 400 ટકાનો જ્યારે ઉદ્યોગોને અપાતા પાણીના દરોમાં 422 ટકા વધારો થયો છે. એક અંદાજ મુજબ દર વર્ષે પાણીના ભાવમાં 10 ટકાનો વધારો થયો. ઉદ્યોગોને અપાતા પાણીમાં 422 ટકા અને ખેતીમાં અપાતા પાણીમાં 106 ટકાનો ભાવ વધારો થયો છે. ઓવર ઓલ છેલ્લાં 16 વર્ષમાં ગુજરાતમાં પાણી 400 ટકા મોઘું થયું.