રજની કોટેચા/જુનાગઢ :ગુજરાતની ગ્રામ પંચાયતની ચૂંટણી (Gujarat Panchayat Polls) માટે તમામ બેઠકો પર શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યું છે. કેટલાય એવા મતદાન મથક છે જેમાં એક જ પરિવારના સદસ્યો ઉમેદવાર તરીકે મેદાને છે. કેટલીય બેઠકોમાં આ પારિવારિક સભ્યો સામસામે જંગમાં છે. જોકે, ચૂંટણી જંગ (gram panchayat election) માં પરિવારનો ગમે તે સભ્ય જીતે ઘી તો ખીચડીમાં જ ઢોળાશે. ગ્રામ પંચાયતની અનેક બેઠકો મહિલા માટે અનામત છે, ત્યારે ગીર સોમનાથમાં સાસુ-વહુ વચ્ચેનો ચૂંટણી જંગ રસપ્રદ બન્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગ્રામપંચાયતનું સમગ્ર તાલુકામાં શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યું છે. પરંતુ ઉનાના દેલવાડા ગ્રામપંચાયત પર સમગ્ર તાલુકાની નજર છે. કારણ કે, અહી સરપંચ (sarpanch) માટે સીધી જંગ વહુ સામે સાસુની છે. દેલવાડા બેઠક પર ભાજપના જ એકબીજા જૂથ સામસામે છે. વિધવા સાસુ સામે સરપંચ પદ માટે પુત્રવધૂએ ઉમેદવારી નોંધાવી છે. 15 હજારથી વધુ વસ્તી ધરાવતી દેલવાડા ગ્રામ પંચાયત, ગીર-સોમનાથ જિલ્લાની સૌથી મોટી પંચાયતોમાંની એક છે.


આ પણ વાંચો : ગ્લેમરસ ચૂંટણી : સરપંચની ચૂંટણી લડનાર એશ્રા પટેલે કર્યુ મતદાન, કહ્યું-મારે અહીંના લોકો માટે જીતવુ છે


આગામી ચૂંટણી માટે ગ્રામ પંચાયતમાં મહિલા અનામત છે. એટલા માટે માજી સરપંચ જીવીબેન બાંભણીયાએ સરપંચ પદ માટે ઉમેદવારી નોંધાવી છે. જ્યારે તેમના પુત્ર વિજય બાંભણિયાએ તેમના પત્ની પૂજાબેનને ઉમેદવાર બનાવ્યા છે. વિધવા માતાની પેનલ સામે પુત્રએ સરપંચ પદ માટે પત્નીને મેદાનમાં ઉતાર્યા બાદ દેલવાડા વિસ્તારમાં આ ચૂંટણી ખૂબ જ રસપ્રદ ગણાય છે. ત્યારે વર્ચસ્વની આ લડાઈમાં કોણ જીતશે તેના પર લોકોની નજર ટકેલી છે. 



 
મોરબીમાં દેરાણી-જેઠાણી અને ભત્રીજા વહુ સામ સામે
મોરબી જિલ્લામાં 197 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઇ છે ત્યારે જો વાત કરીએ મોરબી તાલુકાનાં નાના એવા નારણકા ગામની તો આ ગામમાં સરપંચ માટે અનુસૂચિત જાતિ સ્ત્રી અનામત બેઠક છે અને સરપંચ બનવા માટે હાલમાં નારણકા ગામે રહેતા એક જ પરિવારમાંથી જેઠાણી, દેરાણી અને ભત્રીજા વહુ ચૂંટણીના જંગમાં આમને સામને છે. ત્યારે ગામના લોકો શાંતિપુર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યુ છે. મોરબી જિલ્લામાં 303 ગામની સામાન્ય ચૂંટણી જાહેર કરવામાં આવી હતી. જો કે તેમાંથી 71 ગ્રામ પંચાયત સમરસ બની ગઈ છે અને 35 માં ફોર્મ ભરાયેલ નથી. માટે હાલમાં 197 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઇ છે. ગામમાં દેરાણી, જેઠાણી અને ભત્રીજા વહુ વચ્ચે સરપંચ બનવા માટે ચૂંટણીનો જંગ જામ્યો છે. જેઓએ સરપંચ પદ માટે ઉમેદવારી નોંધાવી છે તેમાં ચંપાબેન કાનજીભાઈ બોખાણી, અમરતબેન ધનજીભાઈ બોખાણી, ભાણીબેન ગોવિંદભાઈ બોખાણીનો સમાવેશ થાય છે અને તેઓના સબંધની જો વાત કરીએ તો ચંપાબેન કાનજીભાઈ બોખાણી અને અમરતબેન ધનજીભાઈ બોખાણી જેઠાણી અને દેરાણી છે અને ભાણીબેન ગોવિંદભાઈ બોખાણી તેઓના ભત્રીજા વહુ છે. નારણકા ગામે અનુસૂચિત જાતિ સમાજમાં બોખાણી પરિવારના 10 ઘર આવેલા છે. આ ગામમાં સૌથી વધુ વસ્તી પાટીદાર સમાજની છે.