Gujarat Tourism : ગાંધીનગર જી.. હાં... ગાંધીનગર....  મહાત્મા ગાંધીના નામ પર આવેલો આ જિલ્લો હાલ સરકારના એક નિર્ણયથી ગુજરાતમાં ખબરોની યાદીમાં ટોપ પર છે. મહાત્મા ગાંધી જે દારૂનો વિરોધ કરતા હતા તે દારૂ મહાત્મા ગાંધીના નામથી પ્રખ્યાત ગાંધીનગર જિલ્લામાં આવેલા ગિફ્ટ સિટીમાં મળશે. સરકારે ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ આપતા ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે. વિપક્ષ દારૂની છૂટ મામલે સરકાર પર સતત પ્રહાર કરી રહ્યું છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ સરકરના નિર્ણયની ટીકા તકી છે વિપક્ષનું કહેવું છે સરકાર રાજ્યમાંથી પાછલા બારણેથી દારૂબંધી હટાવવા માટે કાવતરુ કરી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગિફ્ટ સિટીમાં 'વાઈન એન્ડ ડાઇન' ફેસિલિટી મળશે 
આપને જણાવી દઈએ કે મહાત્મા ગાંધીના નામ પરથી જાણીતા અને ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં હવે જો કોઈને દારૂ પીવો હોય તો પી શકાશે. જી હા, રાજ્ય સરકારે ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારીઓ અને અધિકારીઓ તેમજ ગિફ્ટ સિટીની અધિકૃત રીતે મુલાકાતે આવતા મુલાકાતીઓને દારૂ પીવાની પરમિટ આપી દીધી છે. રાજ્ય સરકારના નશાબંધી અને આબકારી વિભાગે પરિપત્ર જાહેર કરીને ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટ આપી છે. 


અહી તમે ગમે તેટલો દારૂ ઢીંચી શકો છો 
સમગ્ર ગિફ્ટ સિટી વિસ્તારમાં 'વાઈન એન્ડ ડાઇન' ફેસિલિટી ઉપલબ્ધ કરાવવા માટે પ્રોહિબિશનના નિયમોમાં ફેરફાર કરવા ઉચ્ચ કક્ષાએ મહત્ત્વનો નિર્ણય કર્યો છે. એટલે કે, ગિફ્ટ સિટીમાં હોટલ્સ, રેસ્ટોરાં, ક્લબ પોતાને ત્યાં વાઈન એન્ડ ડાઇન ફેસિલિટી પૂરી પાડી શકશે.
જો તમે ગિફ્ટ સિટીમાં કામ કરો છો તમને દારૂ પીવાની છૂટ છે. જો તમે ગિફ્ટ સિટીની અધિકૃત મુલાકાતે જવાના છો તો તમે ગિફ્ટમાં દારૂ પી શકો છો. એટલું જ નહીં, ગિફ્ટમાં ચાલતી હોટલ અને રેસ્ટોરેન્ટમાં પણ તમે દારૂ પી શકો છો. તો મહત્વની વાત એ છે કે દારૂબંધી વાળું રાજ્ય ગણાતા ગુજરાતના પાટનગરમાં જ આવેલા ગિફ્ટ સિટીમાં હવે દારૂ પીવાની છૂટ આપવામાં આવી છે. આ ખૂબ જ મોટો નિર્ણય છે.


 



 


સરકાર નિર્ણય પર અડગ 
ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ મામલે સરકાર પોતાના નિર્ણય પર અડગ છે. રાજ્ય સરકારના મંત્રીઓ અને ધારાસભ્યોએ ગિફ્ટ સિટીમાં દારૂની છૂટને રાજ્યની પ્રગતિ માટે સારી ગણાવી. રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું ગુજરાતની આર્થિક પ્રગતિ માટે આ નિર્ણય લેવાયો છે. રાજ્ય સરકાર હંમેશા રાજ્યની પ્રગતિ માટે કામ કરે છે. રાજ્યના કૃષિમંત્રી રાઘજી પટેલે કહ્યું કે ગિફ્ટ સિટીમાં આંતરરાષ્ટ્રીય વેપારીઓ, તજજ્ઞો આવશે એટલે નિર્ણય લીધો છે. ગિફ્ટ સિટીની જરૂરિયાતોને લઈને નિર્ણય લેવાયો છે. બીજી તરફ ગાંધીનગર દક્ષિણના ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે સરકારના નિર્ણયને આવકાર્યો છે. અલ્પેશ ઠાકોરે કહ્યું છે દારૂબંધીની છૂટ ગિફ્ટ સિટીમાં હોટલ અને રેસ્ટોરન્ટમાં આપવામાં આવી છે. ગાધીજીના ગુજરાતમાં દારૂબંધી છે અને દારૂબંધી રહેશે.


ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂને અપાવેલી છૂટને સુરતના ડાયમંડ બુર્સના ઉદ્યોગકારોએ આવકાર્યો છે. ગિફટ સિટી બાદ હવે ડાયમંડ બુર્સમાં દારૂની છૂટ આપવા માંગ કરાઈ છે. પરંતું આ સાથે જ ગુજરાતભરમાંથી દારૂબંધી હટાવવાની માંગ કરાઈ છે. હાલ પાનનો ગલ્લો હોય, ચાની રેંકડી હોય કે પછી સોશિયલ મીડિયા પર એક જ ચર્ચા થઈ રહી છે કે, ગુજરાતમાંથી દારૂબંધી હટાવી લેવામાં આવે. 


 



 


આ નિવેદનો વિશે તમારું શુ માનવું 
દારૂબંધી હટાવવા અંગે લોકો સતત ખૂલીને બોલી રહ્યાં છે. દમણ, દીવ, ગોવા, મુંબઈ, આબુ કે ઉદયપુર જવા કરતા તો ગુજરાતમાં જ દારૂ પીવા મળે તેવું લોકો કહી રહ્યાં છે. જ્યાં લોકો જ છુપાઈ છુપાઈને દારૂ પીવે છે, ત્યાં ટુરિસ્ટ કેવી રીતે આવશે તેવો સવાલ પણ લોકોના મનમાં થઈ રહ્યો છે. આવામાં એક ગુજરાતી તરીકે તમે શું માનો છો. તમારા અભિપ્રાય અમને જણાવો. ગાંધીના ગુજરાતમાં એક તરફ લોકો દારૂબંધી હોવી જોઈએ તેવું કહે છે, તો બીજી તરફ નવી જનરેશન આ કાયદાને હટાવવાની વાત કરી રહી છે. આવામાં તમારો અભિપ્રાય ZEE 24 કલાકને જણાવો.


તો બીજી તરફ, ગુજરાત ટુરિઝમનું જોરદાર બ્રાન્ડિગ કરાય છે. ગુજરાત સરકાર જે લક્ઝુરીયસ ટુરિસ્ટની વાત કરે છે, તે લક્ઝુરીયસ ટુરિસ્ટની દારૂની ડિમાન્ડ પર લોકો હવે ખૂલીને બોલવા લાગ્યા છે. થોડા સમય પહેલા ટુરિઝમ પોલિસી ડિકલેર થયા બાદ પણ લોકો ડિમાન્ડ કરી રહ્યા છે કે, ગુજરાતમાં દારૂબંધી હોવાથી સારા ટુરિસ્ટ આકર્ષી શકાતા નથી. ત્યારે હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકો ખૂલીને આ મુદ્દે વાત કરી રહ્યાં છે. એક સમયે વડોદરાના મહારાણી અને દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલા (shankarsinh waghela) પણ આ નિવેદન આપ્યા હતા. 


મહારાણી રાધિકારાજે એ શું કહ્યું હતું.... 
વડોદરાના મહારાણી રાધિકારાજે ગાયકવાડે (radhikaraje gaekwad) ગુજરાતમાં દારૂબંધીને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેઓએ ગુજરાતમાં દારૂબંધી (liquor ban) ની ટુરિઝમ પોલિસી સામે મોટું નડતર હોવાનું બતાવ્યું છે. તેઓએ સરકાર સાથેના વેબિનારમાં કહ્યું કે, ટુરિઝમ પોઈન્ટથી જોઈએ તો રાજસ્થાન વધુ પોપ્યુલર છે. રાજસ્થાનમાં સૌથી વધુ ટુરિસ્ટ આવે છે. ગુજરાતમાં પણ સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને આર્કિટેક્ચર છે. ડ્રાય સ્ટેટ હોવાથી ગુજરાતમાં લક્ઝરી ટુરિસ્ટ ક્યાંથી આવશે. ગુજરાત પાસે મહેલો-કિલ્લાઓનો ભવ્ય વારસો છે. આ મહેલો ભવ્ય હોટલોમાં બદલી શકે છે, પરંતુ તેમાં દારૂબંધી મોટું નડતર છે. રાજસ્થાનમાં ટુરિઝમની સફળતાનું કારણ દારૂબંધીની છૂટછાટ છે. રાજસ્થાન આવતાં પ્રવાસી વાઇનનો ગ્લાસ લઇને બેસી શકે છે. પરંતુ દારૂબંધી હોવાને કારણે કોઈ ટુરિસ્ટ લક્ઝુરિયસ ટ્રાવેલ નહિ અનુભવી શકે. અહીં રાજસ્થાનની જેમ ડેસ્ટિનેશન વેડિંગ કરવા પણ અશક્ય છે. દારૂબંધીને કારણે ગુજરાતમાં ટુરિઝમ યોગ્ય રીતે વિકસી નહિ શકે. 


 



 


શંકરસિંહ વાઘેલા દારૂબંધી હટાવવાની તરફેણમાં...
આ અંગે શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે, ગુજરાતમાં એક કિલોમીટર વિસ્તાર પણ એવો નથી જ્યા દારૂનો વેપાર થતો ન હોય અને ખુલ્લેઆમ દારૂ ન પીવાતો હોય. હું ગુજરાતીઓને કહેવા માગુ છું કે, ગાંધી સરદારના નામે બહુ થયું હવે. હવે તેનો પુનવિચાર કરો કે, દારૂબંધી હટાવે. કૃત્રિમ દારૂબંધી ભ્રષ્ટાચાર અને ગુંડાઓનો અડિંગો બની ગયો છે. રોજ કરોડો રૂપિયાનો દારૂ પીવાતો હોય અને પકડાતો હોય છે. આ ખોટી નીતિ છે. દારૂબંધીની વૈજ્ઞાનિક પદ્ધતિનો અમલ કરવો જોઈએ. દિલ્હી, બેંગલોર ક્યાંય દારૂબંધી નથી. તો ગુજરાતમાં એવી નીતિ રાખો જેથી ગુજરાતમાં જે કેમિકલ પીને મરી જાય છે, અને લાખો બહેનો વિધવા બને છે. આવી નીતિ બદલી દો. એવી નીતિ કરો કે સેલવાસ, દમણ, આબુ, ઉદયપુર કે મુંબઈ ન જવો પડે. 


ગુજરાતમાં દારૂબંધી ક્યારથી લાગુ થઈ
દરેકને માથુ ખંજવાળે એવો પ્રશ્ન એ છે કે ગુજરાતમાં દારૂબંધી કેવી રીતે લાગુ બંધી. ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ પડ્યા ત્યારે 1960 થી ગુજરાતમા સંપૂર્ણ દારૂબંધી છે. જોકે, દારૂ પર કન્ટ્રોલ અંગ્રેજો પર મૂક્યો હતો. ગુજરાતમાં દારૂ પર પ્રતંબિધ પહેલીવાર અંગ્રેજોએ દાખલ કરી. એ પહેલા દક્ષિણ ગુજરાતના લોકો તાડી અને ચોખામાંથી દારૂ બનાવતા હતા. આદિવાસીઓ પણ પોતાનો અલગ દારૂ બનાવતા હતા. અંગ્રેજોએ રેવન્યુ માટે સિસ્ટમ દાખલ કરવાનો પ્રયાસ કર્યો. સરકાર જાતે દારૂ બનાવશે અને લોકો ખરીદશે તેવી સિસ્ટમ તેઓ દાખલ કરવા માંગતા હતા. કાયદા પ્રમાણે ગુજરાતમાં કોઈ દારૂ પી શકે નહિ, પણ ડોક્ટરની મંજરી સાથે જ દારૂ પી શકાય. જોકે, ગાંધીજીનું નિધન 1948માં થયું, અને ગુજરાતમાં દારૂબંધી 1960માં આવી. ગુજરાત ઉપરાંત મિઝોરમ, નાગાલેન્ડ અને બિહાર જેવા રાજ્યોમાં દારૂ પર પ્રતિબંધ છે.