અમદાવાદ : લોકરક્ષક દળ ભરતીના પેપર લીક મામલે વધુ એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. આ સમગ્ર કૌભાંડમાં વાયરલેસ પીએસઆઇ પી વી પટેલને લઇને મોટો ખુલાસો થયો છે. પીએસઆઇએ પોતાના બે ભાણિયા માટે આ જવાબ ખરીદ્યા હતા અને બાદમાં આ સમગ્ર મામલો સામે આવ્યો હતો. આ ઉપરાંત આ સમગ્ર કૌભાંડમાં ભાજપના બે કાર્યકરોના નામ ખુલ્યા છે. પોલીસે પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધી છે અને ત્રણની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતની ભાજપ સરકાર અને પોલીસ ખાતાની બદનામી કરાવનાર પેપર લીક મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં પોલીસ ખાતાના એક અધિકારીની સંડોવણી સામે આવી છે. વાયરલેસ પીએસઆઇ તરીકે ફરજ બજાવતા પી વી પટેલની પોલીસે ધરપકડ કરી છે. પીએસઆઇ પી વી પટેલે પોતાના બે ભાણિયા માટે આ જવાબ મેળવ્યા હતા. જોકે આ સમગ્ર મામલે આઇપીએસ અધિકારી વિરેન્દ્ર યાદવે ગાંધીનગરમાં પાંચ શખ્સો પી વી પટેલ, મનહર પટેલ, મુકેશ ચૌધરી, રૂપલ શર્મા અને યશપાલ શર્મા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં પોલીસે પી વી પટેલ, મનહર પટેલ અને મુકેશ ચૌધરીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. 


કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાનો ગંભીર આરોપ, CM રાજીનામું આપે


રાજ્યમાં વિવિધ સેન્ટરોમાં રવિવારે યોજાનાર લોકરક્ષક દળની ભરતીનું પેપર લીક થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. પોલીસ ખાતા દ્વારા સમગ્ર મામલાની ગંભીરતા લેતાં સત્વરે પરીક્ષા રદ કરવામાં આવી હતી અને આ કૃત્ય કરનારાઓ સામે ભીંસ વધારી હતી. આ મામલે છેવટે પોલીસે મોડી સાંજે ગુનો નોંધ્યો હતો અને કથિત જવાબદાર ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી. જોકે આ મામલે ચોંકાવનારી વિગત એ સામે આવી છે કે આ સમગ્ર કેસમાં ભાજપના બે કાર્યકરોના નામ ખુલ્યા છે. આ કેસમાં સંડોવાયેલ મુકેશ ચૌધરી, વડગામ અને મનહર પટેલ અરવલ્લીના અરજણ વાવ ગામનો હોવાનું સામે આવ્યું છે. જોકે બીજી એ માહિતી સામે આવી રહી છે કે આ કેસમાં સંડોવણી સામે આવતાં પાર્ટી દ્વારા આ બંનેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.