ગુજરાત પોલીસમાં ભરતી કરાવવાનું કૌભાંડ પકડાયું, 48 યુવકોને કોલ લેટર આપી ટોળકીએ કરોડો ખંખેર્યાં
- ફરિયાદ કરનાર યુવકે આ જ પ્રકારે 40 લોકો સાથે છેતરપિંડી થઈ હોવાનો દાવો કર્યો છે, જેમાં સુરત, વડોદરાના યુવકો વધુ છે
- 48 જેટલા યુવાનોને કોઈપણ જાતની પ્રેક્ટીકલ કે અન્ય પરીક્ષા વગર પોલીસમાં સીધી ભરતી થઈ હોવાના લેટર ઇસ્યુ કરીને કરોડો રૂપિયા ખંખેરી લેવાયા
હિતલ પારેખ/ગાંધીનગર :પોલીસમાં ભરતીના બહાને 48 યુવાનો પાસે થી 1.44 કરોડ ખંખેરી લેવાનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. ગાંધીનગરના સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં પાંચ વ્યક્તિઓ સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાઈ છે. સુરતના યુવાનની ફરિયાદને આધારે પોલીસે ગુનો નોંધ્યો છે. 48 જેટલા યુવાનોને કોઈપણ જાતની પ્રેક્ટીકલ કે અન્ય પરીક્ષા વગર પોલીસમાં સીધી ભરતી થઈ હોવાના લેટર ઇસ્યુ કરીને કરોડો રૂપિયા ખંખેરી લેવામાં આવ્યા છે.
ફરિયાદ કરનાર યુવકે આ જ પ્રકારે 40 લોકો સાથે છેતરપિંડી થઈ હોવાનો દાવો કર્યો છે, જેમાં સુરત, વડોદરાના યુવકો વધુ છે. 2019 ના સમયગાળામાં બોગસ લેટરને આધારે રૂપિયા પાડવામાં આવ્યા છે. આઇપીએસ અધિકારીની સહી સાથે બોગસ નિમણૂંક પત્રો પણ આપવામાં આવ્યા છે. જોકે જુનાગઢ તાલીમ શાળામાં તાલીમ લઇને પોલીસમાં હાજર થવા માટે ગલ્લાતલ્લા કરતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં કલ્પેશ પટેલ, રાજકોટના સિદ્ધાર્થ પાઠક સહિત પાંચ વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.
આ પણ વાંચો : આ દિવસે ચંદ્ર બતાવશે પોતાનો ખૂની લાલ ચહેરો, દેખાશે વર્ષનુ પહેલુ ચંદ્રગ્રહણ
ફરિયાદી સુરતના કામરેજ વિસ્તારના સુરભી રેસીડેન્સીમાં રહેતા પ્રતાપ કૈલાશભાઈ જાટે આ ફરિયાદ નોંધાવી છે. સમગ્ર કૌભાંડમાં અન્ય વિસ્તારમાંથી લોકો બહાર આવે તેવી શક્યતા છે. હાજર થવા માટે કોઈ તારીખ મળતી ન હોવાથી કંટાળેલા યુવકે ફરી પૂછપરછ શરૂ કરી હતી, જેને પગલે યુવકને એલઆરડી રેન્કનું આઈકાર્ડ મોકલી આપ્યું હતું. તેમાં રવિ તેજા ડેપ્યુટી કમિશનર ઓફ ઝોન-5 અમદાવાદ સિટીની સહી હતી.
પાંચ આરોપીઓમાંથી એક આરોપી પોલીસ ભવનમાં નોકરી કરતો હોવાની શંકા છે. ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા આ સમગ્ર કેસની તપાસ એસ.ઓ.જીને સોંપાઈ છે.