`22 વર્ષની યુવતીઓથી લઈને વૃદ્ધાઓ સાથે મારા પતિને અનૈતિક સંબંધ...`, ભરતસિંહ ફરી વિવાદમાં ફસાયા
રેશ્મા સોલંકીએ ભરતસિંહ સોલંકી વિશે કોંગ્રેસના હાઈકમાન્ડને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, ભરતસિંહ સોલંકી ગુજરાતના લોકોને ખોટા સંદેશ આપી કોંગ્રસને સત્તામાં આવતી અટકાવી રહ્યા છે. તેઓ મુખ્યમંત્રીના દાવેદાર તરીકે જાહેર થવા માંગે છે, જો એવું નહી થાય તો બીજા કોઇને CM નહી બનવા દે. તેઓ પીએમ મોદી સાથે મળેલા છે.
ગૌરવ પટેલ/અમદાવાદ: ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીયમંત્રી ભરતસિંહ સોલંકી ફરી એકવખત વિવાદમાં સપડાયા છે. ભરતસિંહના અમેરિકા સ્થિત તેમના ધર્મપત્ની રેશ્મા સોલંકીએ એક પત્ર લખીને ખળભળાટ મચાવ્યો છ. અમેરિકામાં રહેતા પત્ની રેશ્મા સોલંકીએ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને રઘુ શર્માને પત્ર લખ્યો છે. જેમાં તેમને જણાવ્યું છે કે ભરતસિંહ સોલંકી પોલિટીકલ સ્ટેટસનો ઉપયોગ કરી કાંગ્રેસને ખતમ કરવા માંગતા હોવાનો આરોપ લગાવતા રાજનીતિમાં ખળભળાટ મચ્યો છે.
રેશ્મા સોલંકીએ ભરતસિંહ સોલંકી વિશે કોંગ્રેસના હાઈકમાન્ડને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, ભરતસિંહ સોલંકી ગુજરાતના લોકોને ખોટા સંદેશ આપી કોંગ્રસને સત્તામાં આવતી અટકાવી રહ્યા છે. તેઓ મુખ્યમંત્રીના દાવેદાર તરીકે જાહેર થવા માંગે છે, જો એવું નહી થાય તો બીજા કોઇને CM નહી બનવા દે. તેઓ પીએમ મોદી સાથે મળેલા છે.
રેશ્મા સોલંકીએ પત્રમાં દાવો કર્યો છે કે ભરતસિંહના કેટલીક મહિલાઓ સાથે અનૈતિક સંબંધ છે. આ મહિલાઓને ચૂંટણીમાં ટિકીટ અપાવી સારી મહિલાઓને રાજકારણમાં આગળ આવતી અટકાવી છે. આ મહિલાઓ સાથે મારા પતિ સતત ચેટિંગ કરતા રહે છે. તેઓ વારંવાર કહે છે કે, ઉંમર વધુ છે તો શુ થયું. 22 વર્ષની યુવતીઓથી લઈને તેમની ઉંમરની મહિલાઓ સાથે તેમના સંબંધ છે. મારા પતિની મોટાભાગની એનર્જિ આ મહિલાઓ સાથે કામ કરવામાં જ ખર્ચાઈ જાય છે. મે તેમને અનેક વાર સમજાવ્યા હોવા છતાં તેઓ સમજતા નથી. 24 વર્ષ પહેલાં પરિવારની મરજી વિરૂધ્ધ મારા તેમની સાથે લગ્ન થયા હતા. પરંતુ મને પત્ની તરીકેનો કોઇ અધિકાર ન આપ્યો અને ઘરમાંથી કાઢી મુકવામાં આવી હતી.
રેશ્મા સોલંકીએ ઉમેર્યું હતું કે, મારા દિયર અમિત ચાવડા બધુ જાણતા હોવા છતાં રાજકીય કારકિર્દી બનાવવા મુક સંમતિ આપે છે. જે ઘરની મહિલાઓને ન્યાય ન અપાવી શકતા હોય એ રાજ્યની મહિલાઓને શું ન્યાય અપાવશે? મારા સસરા માધવસિંહ સોલંકી પણ ભરતસિંહ સોલંકીથી નારાજ હતા. રાજકારણમાં ભરતસિંહનુ સ્થાન માત્ર માધવસિંહના કારણે છે, તેઓ તેનો ઉપયોગ કરે છે. ભરતસિંહ માટે કોંગ્રેસ માત્ર વ્યવસાય અને ગુનાઓ ઢાંકવાનું માધ્યમ છે.
આમ, રાજકીય નેતા પર તેમની પત્નીને ગંભીરમાં ગંભીર આક્ષેપો કર્યા છે. જોકે આ વાયરલ પત્ર છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ નથી કરતું, તેથી જ આ પત્રમાં લખેલ નામ બ્લર કરવામા આવ્યા છે. આ ઉપરાંત પર મહિલાએ દિગ્ગજ નેતા અને તેના પરિવાર પર આક્ષેપો લગાવ્યા છે. મહિલા કેવી પીડામાંથી તેમના પરિવારમાંથી નીકળી તેનું કથિત વર્ણન કર્યુ છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ આ નેતાનો પત્ની સાથેનો ખટગાર મીડિયા સામે આવ્યો હતો. તેમની પત્નીએ તેમની સામે અનેક પ્રકારના આક્ષેપો કર્યા હતા. આ દિગ્ગજ નેતા પારિવારિક ડખા હંમેશા ચર્ચામાં આવ્યા છે. અગાઉ પણ દિગ્ગજ નેતાએ તેમની પત્નીને લિગલ નોટીસ પાઠવીને કહ્યુ હતું કે, તેમના પત્ની તેમના કહ્યામાં ન હોવાથી આ નોટિસ પાઠવી છે.