રામાયણના `સીતાજી` ફરી રાજનીતિમાં જમાવશે રંગ! શું ભાજપ લડાવશે લોકસભા?
Loksabha Election 2024: રામમંદિરને કારણે હાલ રામમય વાતાવરણ ઉભું થયું છે. રાજકીય પક્ષોને પણ ચૂંટણીમાં તેની સીધી અસર પડી શકે છે. હિન્દુ ધર્મના સૌથી પૌરાણિક ગ્રંથ ‘રામાયણ’ પર આધારિત ટીવી સીરિયલ ‘રામાયણ’ માં સીતાની ભૂમિકા ભજવનારી દીપિકા ચીખલીયા ફરી એક વાર રાજકારણમાં એન્ટ્રી કરે તેવા સમાચાર સામે આવી રહ્યા છે.
Loksabha Election 2024: એક તરફ અયોધ્યામાં રામજન્મ ભૂમિ પર ભવ્ય રામ મંદિરનું નિર્માણ અને પ્રાણ પ્રતિષ્ઠા સાથે મંદિરમાં રામલલ્લા થયા બિરાજમાન. આ પ્રસંગ આ અવસરની સદીઓથી રાહ જોવાઈ રહી હતી. પ્રધાનમંત્રી મોદીના હસ્તે 24 જાન્યુઆરીએ અયોધ્યા નવનિર્મિત રામમંદિર ખાતે મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી. ત્યારથી સમગ્ર દેશમાં હાલ રામમય વાતાવરણ બની ગયું છે. ભાજપ સરકાર દ્વારા કાર સેવકો અને સિનિયર સીટીજનને રામ મંદિર લઈ જવા માટે પણ વિશેષ વ્યવસ્થા કરાઈ રહી છે. બીજી તરફ લોકસભાની ચૂંટણી પહેલાં રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને કારણે રાજનીતિમાં ધર્મનો રંગ પણ ઉમેરાયો છે. વિપક્ષને આ વાતાવરણથી હારનો ડર સતાવી રહ્યો છે. જ્યારે સત્તા પક્ષ એટલેકે, ભાજપ માટે ઉભું થયેલું ભગવામય વાતાવરણ લોકસભામાં મોટો લાભ કરાવી શકે છે. આવી સ્થિતિની વચ્ચે રામાયણ સીરિયલમાં સીતા મૈયાનું પાત્ર નિભાવનાર ગુજરાતી કલાકાર દિપીકા ચિખલિયાનું નામ પણ અચાનક ચર્ચામાં આવ્યું છે.
લોકસભાની ચૂંટણી પહેલાં રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા વહેતી થઈ છેકે, રામાયણ સીરિયલમાં સીતા માતાનું પાત્ર ભજવનાર દિપીકા ચિખલીયા ફરી એકવાર રાજકારણમાં એન્ટ્રી કરી શકે છે. સૂત્રોની માનીએ તો દિપીકા ચિખલીયા આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપ માટે ઉમેદવારી કરી શકે છે. એટલું જ નહીં રામમંદિરના નિર્માણ બાદ ચારેય બાજુ રામમય વાતાવરણ છે ત્યારે દિપીકા ચિખલીયા આગામી દિવસોમાં ભાજપના સ્ટાર પ્રચારક તરીકે પણ મેદાનમાં ઉતરી શકે છે. હજુ ગઈકાલથી ટીવી પર ફરી એકવાર રામાયણ સીરિયલ શરૂ કરવામાં આવી છે. દેશભરમાં રામમય વાતાવરણ બનવું એ એક મોટો ફેરફાર છે. આ સમયે ભાજપ ગુજરાતમાં ફરી દિપીકા ચિખલિયાને લોકસભા લડાવીને હિન્દુત્વ અને રામના નામે વોટબેંક એકઠી કરવાનો પ્રયાસ કરે તો નવાઈ નહીં. ખરેખર ભાજપ દીપિકા ચિખલિયાને ચૂંટણી જંગમાં ઉતારશે કે કેમ? ચૂંટણી લડાવશે કે કેમ? ચૂંટણી લડાવશે તો કઈ બેઠક પરથી લડાવશે? આવા દરેક સવાલો અત્યારે ચર્ચા જગાવી રહ્યાં છે. જો આ અંગેનો આખરી નિર્ણય તો ભાજપ હાઈકમાન્ડ જ કરી શકે. હજુ સુધી આવી કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી.
દિપીકા ચિખલીયા ગુજરાતથી લોકસભા ચૂંટણી લડે તેવા સંકેત!
દેશભરમાં અત્યારે અયોધ્યા અને રામમંદિરનું જ વાતાવરણ છે. રાજકીય પક્ષોને પણ ચૂંટણીમાં તેની સીધી અસર પડી શકે છે. હિન્દુ ધર્મના સૌથી પૌરાણિક ગ્રંથ ‘રામાયણ’ પર આધારિત અને ઐતિહાસિક સફળતા હાંસલ કરનારી ટીવી સીરિયલ ‘રામાયણ’ માં સીતાની ભૂમિકા ભજવનારી દીપિકા ચીખલીયા ફરી એક વાર રાજકારણમાં એન્ટ્રી કરે તેવા સમાચાર સામે આવી રહ્યા છે.
દીપિકા ચિખલિયાનો રાજકીય ટ્રેક રેકોર્ડઃ
દીપિકાએ 1991 માં ભાજપની ટિકિટ પર ગુજરાતની વડોદરા બેઠક પરથી ચૂંટણી લડી હતી અને ભવ્ય જીત મેળવી હતી. ત્યારે ફરી એક વાર ભાજપ શિક્ષિત મહિલા ઉમેદવાર તરીકે દીપિકા ચીખલિયાની પસંદગી કરી શકે છે. તેમજ ઉમેદવારની સાથે દીપિકા ચીખલિયા ભાજપના સ્ટાર પ્રચારક તરીકે વિવિધ સ્થળોએ સભાઓ અને રેલીઓ ગજવતા દેખાય તો પણ નવાઈ નહીં. 1991થી 1996 સુધી વડોદરાના સાંસદ રહી ચૂકેલા દીપિકા ચીખલિયા ચૂંટણી જીત્યા ત્યારે માત્ર 26 વર્ષની હતી. દીપિકા પાંચ વર્ષ સુધી સાંસદ રહ્યા, પરંતુ આ દરમિયાન વડોદરા ભાજપનો ગઢ બની ગયું. દીપિકા ચીખલીયા વડોદરાથી ચૂંટણી લડ્યા તેની અસર એ થઈ કે કોંગ્રેસ વિધાનસભામાં પણ નબળી પડી. દીપિકાની ઉમેદવારીથી ગુજરાતમાં કોંગ્રેસના ગઢ ગણાતા વડોદરામાં પ્રથમ વખત કમળ ખીલ્યું હતું. દીપિકા બે વખતના સાંસદ રણજીત સિંહ ગાયકવાડ સામે ચૂંટણી લડી રહી હતી. કોંગ્રેસના ગઢમાં પ્રથમ વખત કમળ ખીલ્યું હતું. પક્ષના નેતાઓ ઉત્સાહિત હતા. જ્યારે પરિણામો આવ્યા, આગાહીઓ એકદમ સચોટ હોવાનું બહાર આવ્યું. દીપિકા ચીખલિયાને 49.98 ટકા મત મળ્યા છે. તેઓએ કોંગ્રેસનો કિલ્લો તોડી નાખ્યો અને કોંગ્રેસના દિગ્ગજ નેતા રણજીત સિંહને હારનો સામનો કરવો પડ્યો. તેઓ 34 હજારથી વધુ મતોથી હારી ગયા હતા.
કોણ છે દિપીકા ચિખલિયા?
રામાયણ સીરિયલના સીતાજીનું ગુજરાત સાથે ખાસ કનેક્શન છે. રામાયણમાં સીતાજીની ભૂમિકા ભજવનાર દિપીકા ચિખલિયા મૂળ ગુજરાતના છે. મૂળ ગુજરાતી કલાકાર દિપીકા ચિખલિયાનો જન્મ 29 એપ્રિલ 1965ના રોજ ગુજરાતમાં થયો હતો. દીપિકાએ વર્ષ 1983માં ‘સુન મેરી લૈલા’ ફિલ્મથી અભિનય કારકિર્દી શરૂ કરી હતી. ત્યાર બાદ તેમણે ઘણી ફિલ્મોમાં અને સીરિયલ્સમાં નાની મોટી ભૂમિકાઓ ભજવી હતી. જોકે, તેઓ સૌથી ફેમસ થયા રામાનંદ સાગરની રામાયણ સીરિયલમાં તેમના સીતા માતાના રોલથી. ત્યારથી તેઓ ટીવી સીરિયલના માધ્યમ દ્વારા ઘરે ઘરે જાણીતા બની ગયા. દીપિકા ચીખલિયાના પતિ હેમંત ટોપીવાલા બિઝનેસમેન છે. દીપિકા ચિખલિયાને બે દીકરીઓ નિધિ અને જુહી છે.
ટીવી પર ફરી શરૂ કરાઈ રામાયણ સીરિયલઃ
એક સમય હતો જ્યારે દૂરદર્શન પર રામાયણ આવતું હોય ત્યારે સમગ્ર ગુજરાત રોડ રસ્તાઓ સુમસામ થઈ જતા હતા. લોકો પોતપોતાના ઘરોમા બેસીને ટીવી પર આ ધારાવાહિક જોતા હતા. દૂરદર્શનના સુવર્ણકાળમાં કદાચ કોઈક એવો દર્શક હશે જેમણે રામાનંદ સાગર નિર્દેશિત ‘રામાયણ’ના જોઈ હોય. રામાયણ સીરિયલમાં સીતા માતાની ભૂમિકા ભજવનારા દીપિકા ચિખલિયાને લોકો આદરભાવની દ્રષ્ટીથી જોતા અને તેમને પગે લાગીને વંદન પણ કરતાં. દીપીકા ચિખલિયાએ સીતા થી સાંસદ સુધીની સફરમાં હંમેશા પોતાની શાલિનતા જાળવી રાખી. હાલમાં જ અયોધ્યામાં રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમયે પણ તેમના નિવેદનો અને તેમના વીડિયા ચર્ચામાં આવ્યા હતાં.