ઝી બ્યુરો/અમરેલી: અમરેલી લેટર કાંડ મામલામાં પાટીદાર સમાજની દીકરીનું સરઘસ કાઢવા મામલે કોંગ્રેસના નેતાએ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. જી હા...અમરેલીમાં લેટર ટાઈપ કરનારી દીકરીનું સરઘસ કાઢવાનો મામલો તૂણ પકડતો જઈ રહ્યો છે. કોંગ્રેસના નેતા લલીતભાઈ કગથરાએ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વનું છે કે નકલી લેટરપેડ પર ગુજરાત વિધાનસભાના મુખ્ય નાયબ દંડક અને અમરેલીના ધારાસભ્યને બદનામ કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. અમરેલીના કિશોર કાનપરિયાના નામે કેટલાક ઈસમો દ્વારા નકલી લેટરપેડ બનાવી અને નકલી સહી-સિક્કો કરી, લેટર પેડ પર ધારાસભ્ય કૌશિક વેકરિયા સામે ભ્રષ્ટાચારના ગંભીર આરોપો મૂકવામાં આવ્યા હતા. ત્યારબાદ પોલીસ ફરિયાદ આપી હતી. જે ગણતરીના કલાકોમાં પોલીસે મામલાનો પર્દાફાશ કર્યો હતો. આ કેસમાં એક યુવતી સહિત ચાર લોકોને ઝડપી પાડવામાં આવ્યા. આ મામલામાં પાટીદાર સમાજની કુંવારી દીકરીનું આરોપીઓની જેમ સરઘસ કાઢવામાં આવ્યું હતું. આ અંગે કોંગ્રેસના નેતા પ્રકાશ દૂધાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે.



ભુપેન્દ્ર ઝાલાનું સરઘસ કાઢો તો ખબર પડે: લલીત કગથરા
કોંગ્રેસના નેતા લલીતભાઈ કગથરાએ જણાવ્યું છે કે આ રીતે કુંવારી દીકરીનું સરઘસ કઈ રીતે કાઢી શકાય. ચમરબંધીઓના સરઘસ નીકળતા નથી અને કુંવારી દીકરીઓના સરઘસ કાઢવામાં આવે છે. ભુપેન્દ્ર ઝાલાનું સરઘસ કાઢો તો ખબર પડે. 


પ્રતાપ દુધાતાના પત્રને પણ લલીતભાઈ કગથરાએ સમર્થન આપ્યું!
કોંગ્રેસના નેતા લલીતભાઈ કગથરાએ કહ્યું સમાજના કહેવાતા આગેવાનો ક્યાં છે. અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દુધાતાના પત્રને પણ લલીતભાઈ કગથરાએ સમર્થન આપ્યું હતું. પ્રતાપભાઈ દુઘાતે ખોડલધામના પ્રમુખ નરેશભાઈ પટેલને પણ પત્ર લખ્યો છે. અમરેલી લેટર કાંડ મામલામાં પાટીદાર સમાજની દીકરીનું સરઘસ કાઢવા મામલે અમરેલી પોલીસના અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ ઉઠી છે. 


પ્રતાપ દુધાતે  ભુપેન્દ્ર પટેલને શું લખ્યો પત્ર?
કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે આ અંગે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. લેટરમાં પ્રતાપ દુધાત જણાવી રહ્યા છે કે ભાજપના અંદરો અંદર લેટર કાંડ થયો છે. જેમાં પટેલ સમાજની દીકરી એક ઓપરેટર તરીકે કામ કરતી હતી. દીકરીએ માલિકના કહેવા પર લેટર ટાઈપ કર્યો છે. દીકરીનો ઇરાદો કોઈને બદનામ કરવાનો નહોતો. દીકરીની રાત્રે બાર વાગ્યે ધરપકડ કરવામાં આવી છે. બંધારણ મુજબ રાત્રે મહિલાની ધરપકડ ન કરી શકાય. રિ-કન્સ્ટ્રકશનના નામે દીકરીનું જાહેરમાં પોલીસે સરઘસ કાઢ્યું છે. અમરેલી પોલીસે દીકરી જોડે અન્યાય થયો છે. અમરેલીમાં બેફામ દારૂ, ખનીજ ચોરીના આરોપીઓનું ક્યારેય સરઘસ કાઢ્યું નથી. અમરેલીમાં ઘણા ફરાર આરોપીઓ ખુલ્લેઆમ ફરે છે જે આરોપીઓને પકડવામાં આવતા નથી.


પાટીદાર નેતા દિનેશ બાંભણિયાનું નિવેદન 
અમરેલીમાં વિવાદ પર પાટીદાર નેતા દિનેશ બાંભણિયાનું નિવેદન પણ સામે આવ્યું છે. સરઘસ આરોપીઓ, બુટલેગરોના કાઢવા જોઈએ દીકરીઓના નહીં. દીકરી માત્ર ત્યાં નોકરી કરતી હતી અને એને સાક્ષી બનાવવાના બદલે આરોપી બનાવી સરઘસ કઢાયું છે. અમે બધી જ પાટીદાર સંસ્થાઓ સાથે સંકલન કરી અમરેલી જવાના છીએ. ખોટી રીતે રાજકીય કારણોમાં દીકરીને હેરાન કરાય છે. 


શું છે સમગ્ર મામલો?
ગુજરાત વિધાનસભાના મુખ્ય નાયબ દંડક અને અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા વિરુદ્ધ ગંભીર આરોપનો પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ સમગ્ર મામલે કિશોર કાનપરિયા દ્વારા પોલીસને રજૂઆત બાદ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલને પણ પત્ર લખી આ અંગે જણાવ્યું હતું. કાર્યકર્તાઓનું મોરલ તોડવા અને પક્ષ ઉપર દબાણ ઉભું કરવા કોઈ હિતશત્રુ દ્વારા ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.