ઝી મીડિયા/બ્યૂરો :સુરત (Surat) મહાનગરપાલિકાના વિપક્ષ એવા આમ આદમી પાર્ટી (AAP) માં ભંગાણ પડી શકે છે. કેટલાક નેતાઓએ આમ આદમી પાર્ટીનો સાથ છોડ્યા બાદ હવે કોર્પોરેટર પણ પાર્ટી છોડી શકે છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસર, છેલ્લા બે દિવસથી આમ આદમી પાર્ટીના સુરતના પાંચ કોર્પોરેટર ગાયબ છે. અને આ તમામ કોર્પોરેટર પાર્ટી છોડી શકે તેવા અહેવાલો છે. પાટીદાર યુવા નેતાના સંપર્કમાં આ તમામ કોર્પોરેટર હોવાની પણ માહિતી મળી રહી છે. આ વચ્ચે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરને શો-કોઝ નોટિસ આપવામાં આવી છે. વિપુલ મોવિયાને તેની શંકાસ્પદ કામગીરીના કારણે નોટિસ છે. મળતી માહિતી પ્રમાણે, વિપુલના પાર્ટી છોડવાના અહેવાલના કારણે તેને નોટિસ આપવામાં આવી છે. બીજી તરફ, આ કોર્પોરેટરને ભાજપ પોતાના તરફ ખેંચવાના પ્રયાસો કરી રહ્યુ છે તેવુ પણ ચર્ચાઈ રહ્યુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ કોર્પોરેટરના રાજીનામા ચર્ચામાં
સુરત આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ પડે તેવી શક્યતા દેખાઈ રહી છે. આપના 5 કોર્પોરેટર પાર્ટી સાથે છેડો ફાડી શકે છે. આપ સુરતના કેટલાક કોર્પોરેટરના રાજીનામા પડે તેવી ચર્ચા થઈ રહી છે. વોર્ડ 3નાં રૂતા કેયુર કાકડિયા રાજીનામુ આપી શકે. તો રાજીનામામાં વોર્ડ 2નાં ભાવના ચીમનભાઈ સોલંકી, વોર્ડ 16નાં વિપુલ ધીરુભાઈ મોવલિયા, વોર્ડ 8નાં જ્યોતિકા વિનોદભાઈ લાઠીયા અને વોર્ડ 5નાં મનિષા જગદીશભાઈ કુકડીયાનું નામ પણ ચર્ચાઈ રહ્યુ છે. 


આજે આપના કોર્પોરેટર ભાજપમાં જોડાય તેવી શક્યતા
સુરતમાં આમ આદમી પાર્ટીથી છેડો ફાડનાર આપના 5 નારાજ કોર્પોરેટર આજે ભાજપના જોડાઇ શકે છે. ભાજપના કાર્યાલય કમલમમાં તમામ પક્ષમાં જોડાય તેવી શક્યતા છે. પક્ષમાંતી લીલીઝંડી મળ્યા બાદ જાહેરાત થશે. 


આપનો ખેલ પાડનાર 2 પાટીદાર કોણ
બીજી તરફ, આપના પાંચ કોર્પોરેટરોનું ઓપરેશન સુરતમાં પાર પડાયું હોવાનુ ચર્ચાય છે. સુરતના વેસુની એક ઓફિસમાં રણનીતિ તૈયાર થઈ હતી. બે પાટીદાર અગ્રણીઓએ મળીને સમગ્ર મિશન પાર પાડ્યું હતું. પાટીદાર આંદોલન સમયે આ અગ્રણીઓની મહત્વની ભૂમિકા હતી. આપના અન્ય નારાજ કોર્પોરેટર પણ પાર્ટી છોડશે તેવુ ચર્ચાઈ રહ્યુ છે. આમ, છેલ્લા 15 દિવસથી આપને પાડી દેવાના ખેલ ચાલી રહ્યાં છે. 



વિપુલ માલવીયા ભાજપ તરફી હોવાની ચર્ચા 
ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 6ના કોર્પોરેટર વિપુલ માલવીયા લાંબા સમયથી નિષ્ક્રીય જણાયા છે. જેથી પાર્ટી દ્વારા તેમને નોટિસ મોકલીને તેમની પાસેથી ખુલાસો માંગવામા આવ્યો છે. પાર્ટી દ્વારા પૂછવામાં આવ્યુ કે, છેલ્લા કેટલાક સમયથી તમારી કામગીરી અને પ્રવૃત્તિ બિલકુલ શંકાસ્પદ, અસંતોષકારક અને પાર્ટી વિરોધી રહી હોવાનું સામે આવ્યું છે. આ સાથે જ તેઓ પાર્ટી વિરોધી પ્રવૃત્તિ કરતા હોવાનુ પણ પાર્ટીએ નોંધ્યુ છે.  માલવીયા વિરોધ પક્ષના નેતા સાથે પણ સંપર્કમાં રહેતા નથી તેવુ કહેવાય છે. સાથે જ તેઓને હાલ ભાજપના સમર્થક માનવામાં આવે છે અને તેમના દ્વારા અન્ય કોર્પોરેટરને ભાજપમાં લઈ જવાનો આખો ખેલ ખેલાતો હોવાનું જાણવા મળી રહ્યું છે. માલવીયાના ઈશારે કોર્પોરેશનમાંથી આમ આદમી પાર્ટીનો વિરોધ પક્ષ છીનવાઈ જાય તેના માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. 


સુરતમા આપને વિપક્ષમાંખી ખસેડવાનો પ્રયાસ
સુરતના રાજકારણમાં મોટી ઊથલપાથલ થવાનાં એંધાણ છે. કોર્પોરેશનમાં વિરોધ પક્ષ માટે ઓછામાં ઓછા 24 સભ્યોની જરૂર હોય છે. આમ આદમી પાર્ટી પાસે હાલ 27 જેટલા કોર્પોરેટરો છે. જો તેમાંથી ચારથી પાંચ કોર્પોરેટર જો ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં જતા રહે તો વિરોધ પક્ષનું પદ આપ પાર્ટી ખોઈ બેસે તેવી સ્થિતિ ઊભી કરવા શરૂ કર્યા છે.