હિમાશું ભટ્ટ/મોરબી: ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં પ્રમુખ આજે મોરબી આવ્યા હતા ત્યારે જગદીશ ઠાકોરે કહ્યું હતું કે ગુજરાતમાં સરકાર સામે વિરોધ નથી અને બીજી બાજુ ભરતી કૌભાંડથી લઇને ખેડૂતો સુધી જે કોઈને સરકારની નીતિ સામે વિરોધ હોય તેને યેનકેન પ્રકારે દબાવી દેવામાં આવે છે અને વધતી મોંઘવારીને ધ્યાનમાં રાખીને રઘુ શર્માએ કહ્યું હતું કે આ ગુજરાતની અંદર પાકનો ભાવ શું છે?, તેલનો ભાવ શું છે?,પેટ્રોલનો ભાવ શું છે?, ડીઝલ નો ભાવ શું છે ? તેની ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને પદાધિકારીઓને ખબર હોય કે ન હોય પરંતુ ધારાસભ્યનો ભાવ શું છે?, ચૂંટાયેલા સભ્યનો ભાવ શું છે? અને કોઈપણ તાકતવાર વ્યક્તિનો ભાવ શું છે તેની તે લોકોને ખબર હોય છે તેવો કટાક્ષ પણ કર્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર આવેલ ઉમા રિસોર્ટ ખાતે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં પ્રભારી રઘુ શર્માની હાજરીમાં મોરબી જિલ્લા કોંગ્રેસની કારોબારી સમિતિની બેઠક રાખવામાં આવી હતી. ત્યારે જિલ્લાના કોંગ્રેસના આગેવાનો હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખનું સ્વાગત સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે ભાજપ અને ભાજપ સરકારને આડે હાથે લેતા જણાવ્યું હતું કે એક બાજુ સરકારે એવું કહે છે કે, કોઈને ગુજરાતમાં સરકાર સામે વિરોધ નથી અને બીજી બાજુ ભરતી કૌભાંડથી લઇને ખેડૂતો સુધી જે કોઈને આ સરકારની નીતિ સામે વિરોધ હોય તે લોકો વિરોધ પ્રદર્શન કરી ન શકે એવી વ્યવસ્થાઓ તેમના દ્વારા ઉભી કરવામાં આવી રહી છે. જેથી કરીને હાલમાં વિરોધ કરનારા લોકોને ભાજપ અને ભાજપની સરકાર દબાવતી હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે.



જો ખરેખર ગુજરાતમાં કોઈને સરકારની સામે વિરોધ ન હોય તો માત્ર એક દિવસ ગુજરાતની અંદર જે કોઈને કોઈપણ પ્રકારનો વિરોધ હોય તે વિરોધ વ્યક્ત કરવા માટેની છૂટ આપવામાં આવે તો ખબર પડે કે ખરેખર ભાજપ સરકારથી ગુજરાતની પ્રજા સુખી છે કે નહીં? વધુમાં તેઓ ભાજપના પ્રદેશ પ્રમુખ ઉપર કટાક્ષ કરતાં કહ્યું હતુ કે, કોંગ્રેસ પક્ષની અંદર ગુનેગારોને હોદ્દેદાર બનાવવામાં આવતા નથી અને આગામી વર્ષ 2022 ની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જગદીશ ઠાકોરે ટૂંકમાં એટલું જ કહ્યું હતું કે કોંગ્રેસના કાર્યકરો 27 વર્ષથી ભાજપની સામે લડી રહ્યા છે અને ભાજપ ગેમ તેમ યેનકેન પ્રકારે સત્તાના સ્થાન સુધી પહોંચી જાય છે, પરંતુ જો કોંગ્રેસ પોતાના કમિટી વોટને મતદાન બુથ સુધી પહોંચાડીને મતપેટી સુધી પહોંચાડશે તો સો ટકા આગામી ચૂંટણીની અંદર ગુજરાતમાં 125 બેઠક સાથે કોંગ્રેસ સત્તા ઉપર આવશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.


ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરોને સંબોધન કરતા જણાવ્યું હતું કે ગુજરાતની અંદર પાકનો ભાવ શું છે?, તેલનો ભાવ શું છે ?, પેટ્રોલનો ભાવ શું છે ?, ડીઝલ નો ભાવ શું છે ? તેની ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને પદાધિકારીઓને ખબર હોય કે ન હોય પરંતુ ધારાસભ્યનો ભાવ શું છે ?, ચૂંટાયેલા સભ્યનો ભાવ શું છે? અને કોઈપણ તાકતવાર વ્યક્તિનો ભાવ શું છે તેની તે લોકોને ખબર હોય છે અને ગુજરાતમાં ભાજપ વહેલા ચૂંટણી લાવશે તેવી વાતો થઈ રહી છે, ત્યારે આવતીકાલે ચૂંટણી જાહેર કરવામાં આવે તો પણ કોંગ્રેસ 125 બેઠકો ઉપર જીતશે તેવો વિશ્વાસ તેઓએ વ્યકત કર્યો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube