નિલેશ જોશી/નવસારી :એક જ રાતમાં નવસારીના વાંસદામાં આભ ફાટ્યું છે. વાંસદા તાલુકામાં આજે સવારે 6 વાગ્યે પુરા થતા 24 કલાકમાં 394 મિમી વરસાદ આકાશમાંથી ઝીંકાયો છે. વાંસદામાં 24 કલાકમાં 15.76 ઇંચ વરસાદ નોંધાતા ચોમેર પાણી પાણી થઈ ગયુ છે. તો જિલ્લાના ખેરગામ તાલુકામાં પણ 229 મિમી એટલે 9.16 ઇંચ વરસાદ પડ્યો છે. નવસારી સહિત ઉપરવાસમાં ભારે વરસાદને કારણે જિલ્લાની નદીઓમાં ઘોડાપૂર આવી ગયા છે. આ કારણે નવસારીમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં જળબંબાકારની સ્થિતિ બની છે. નવસારીની નદી કિનારાના ગામડાઓ અને નવસારી તથા બીલીમોરા શહેરના નીચાણવાળા વિસ્તારો જળમગ્ન બન્યા છે. જિલ્લાની સ્થિતિને જોતા વહીવટી તંત્ર હાઈ એલર્ટ પર મૂકી દેવાયા છે. જિલ્લામાં પૂરની સ્થિતિને જોતા બે NDRF ની ટીમ કાર્યરત કરાઈ છે. 



વાંસદાના પૌરાણિક ઉનાઈ માતાજી મંદિર આસપાસ પાણી જ પાણી દેખાયા છે. વાંસદા સહિત ઉપરવામાં પડેલા સાંબેલાધાર વરસાદને કારણે ઉનાઈ યાત્રાધામમાં પાણી ભરાયા છે. ઉનાઈ ગામના મુખ્ય માર્ગો પર ત્રણ ફૂટ જેટલા પાણી ભરાતા માઇભક્તોને હાલાકી પડી રહી છે.