ઉત્તર ગુજરાતમાં મેઘાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં મેઘતાંડવ! જાણો ક્યા કેવો પડ્યો? કેવી તબાહી મચાવી
ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં આજે સવારથી જ વરસાદ પડી રહ્યો છે. સાબરકાંઠામાં મેઘાએ તોફાની બેટિંગ કરી હતી. અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે.
Gujarat Rain Update: દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધબધબાટી બોલાવ્યા બાદ હવે મેઘાની સવારી ઉત્તર ગુજરાત તરફ વળી છે. ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં આજે સવારથી જ વરસાદ પડી રહ્યો છે. સાબરકાંઠામાં મેઘાએ તોફાની બેટિંગ કરી હતી. અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
રાજ્યના 193 તાલુકાઓમાં વરસાદ
આજે સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા દરમિયાન બે ઈંચથી વધુ વરસાદ નોંધાયેલા તાલુકાઓમાં પ્રાંતિજ, વિસનગર, મહેસાણા, વિજાપુર, લુણાવાડા, વડગામ, હિંમતનગર, તલોદ, મોડાસા, જોટાણા, માણસા, મેહરાજ, વડનગર, ઊંઝા, સાંતલપુર, બેચરાજી કપરાડા, પાલનપુર, ખાનપુર, બાયડ, ભિલોડા, સંતરામપુર, વડોદરાનો સમાવેશ થાય છે. બપોરના 2 વાગ્યા સુધીમાં સમગ્ર રાજ્યના 193 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં 23 તાલુકાઓમાં બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
સૌથી વધુ વરસાદ પ્રાંતિજમાં નોંધાયો!
સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકામાં આજે સવારે 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીના 8 કલાકના સમયગાળા દરમિયાન 6.5 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો, ત્યારબાદ મહેસાણા જિલ્લાના વિસનગરમાં 6 ઈંચ અને મહેસાણા તાલુકામાં 5.4 ઈંચ વરસાદ નોંધાયો હતો. તાજેતરના અપડેટમાં, બનાસકાંઠાના વડગામ તાલુકામાં બપોરે 12 વાગ્યાથી 2 વાગ્યા સુધીમાં માત્ર 2 કલાકમાં 4.5 ઈંચ વરસાદ નોંધાયો હતો.
પ્રાંતિજમાં બે કલાકમાં 5 ઇંચ
પ્રાંતિજમાં બે કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં છે. પ્રાંતિજ એપ્રોચ રોડ, ભાખરીયા, રેલવે સ્ટેશન રોડ વિસ્તારમાં પાણી ભરાયા છે. ધોધમાર વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે.
5 ઇંચ વરસાદમાં વિસનગર ડૂબ્યું
છેલ્લા 10થી 12 કલાક દરમિયાન વિસનગરમાં પડેલા 5 ઇંચ વરસાદને પગલે ઘરોમાં પાણી ઘૂસ્યા છે. ઘરોમાં પાણી, ભરાઈ જતા અંદર રહેલ ઘર વખરીને પણ નુકશાન થયું છે અને અનાજ સહિતની વસ્તુઓ પાણીમાં પલળી ગઈ છે. વિસનગર APMC પાણીમાં ગરકાવ થઈ છે. વિસનગર એપીએમસીમાં પણ નદીની જેમ પાણી વહેવા લાગ્યા છે. ગેટથી અંદર સુધી આવવા માટે રસ્તો પાણીમાં ડૂબી ગયો છે. ખેડૂતોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને વેપારીઓમાં પણ માલ બગડવાની ભીતિ સેવાઈ રહી છે.
હિંમતનગરમાં બસ અને કાર પાણીમાં ગરકાવ
સાબરકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા હિંમતનગરમાં રેલવે અંડરબ્રિજમાં બસ અને કાર પાણીમાં ગરકાવ થઈ છે. હમીરગઢ ગામમાં રેલવે અંડરપાસ પરથી પસાર થતી વખતે સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસ પાણીમાં ફસાઈ ગઈ હતી. સદનસીબે, બસમાં કોઈ મુસાફરો ન હતા, અને ડ્રાઈવર અને કંડક્ટર બસની ઉપર ચઢી ગયા હતા, ત્યારબાદ સ્થાનિક લોકોએ દોરડાની મદદથી તેમને બચાવી લીધા હતા. પાણીનું સ્તર એટલું હતું કે બસની માત્ર છત જ દેખાતી હતી.
મહેસાણામાં ગોપીનાળામાં ટ્રેક્ટર ફસાયું!
મહેસાણાનું ગોપી નાળુ અને ભમરીયું નાળામાં પાણી ભરાયા છે. ગોપી નાળામાં એક ટ્રેક્ટર પાણીમાં ગરકાવ થયું હતું. જેથી ટ્રેક્ટરમાં સવાર લોકો ફસાઈ ગયા હતા. સમગ્ર ઘટના અંગે મહેસાણા ફાયર વિભાગે ટ્રેક્ટરમાં સવાર 7 યુવતી અને વૃદ્ધ ડ્રાઈવર સહિત 13 લોકોનું રેસ્ક્યૂ કર્યું હતું.
વિસનગરમાં મહેસાણા ચોકડી પાસે ટ્રાફિક જામ સર્જાયો છે, જેના કારણે વિદ્યાર્થીઓ ટ્રાફિકમાં અટવાયા છે. મહેસાણામાં ગોપીનાળા અંડરપાસમાં ફસાયેલા 13 લોકોને બચાવી લેવાયા છે. આ લોકો ટ્રેક્ટરમાં અંડરપાસ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે પાણી ભરાયેલા વિસ્તારમાં વાહન ભરાઈ જતાં તેઓ ફસાઈ ગયા હતા. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી અને તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. મહેસાણા ચોકડી પાસેનો રસ્તો પાણીથી ભરાઈ ગયો છે, જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે.
હિંમતનગરના શોપીંગ સેન્ટરમાં પાણી ભરાયું
હિંમતનગર નગરપાલીકાના શોપીંગ સેન્ટરના ભોંયરામાં વરસાદી પાણી ભરાઈ ગયું હતું. જેને લઈ ભોંયરમાં આવેલી દુકાનોમાં પાણી ભરાઈ ગયા હતા. દુકાનોમાં પાણી ભરાઈ જવાના કારણે માલિકોને આર્થિક નુકશાની વેઠવાનો વારો આવ્યો છે.