Gujarat Rain Updates/ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાતના હવામાનમાં ફરી પલટો આવ્યો છે. બિપોરજોય વાવાઝોડું તો ગયું પણ તેની કેટલીક અસરો હજુ પણ વરસાદી માહોલને ઈફેક્ટ કરી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ બે દિવસના વિરામ બાદ આજે ફરી ગુજરાતને ઘમરોળવાનું શરૂ કર્યું છે વરસાદે. આજે મોડી રાતથી જ અમદાવાદ, ગાંધીનગર સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદ શરૂ થઈ ગયો છે. ફરી એકવાર રાજ્યમાં ચોમાસું જામ્યું છે. ખાસ કરીને આજે રાજ્યના સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રવિવાર સુધીમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્યાં કેટલો વરસાદ?
ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન 173 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ આણંદના ખંભાતમાં પાંચ ઇંચ વરસ્યો છે. અમદાવાદ સિટીમાં પણ પોણા પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ખેડાના નડિયાદમાં સાડા ચાર ઇંચ વરસાદ ખાબકી ગયો છે. નવસારીના જલાલપુરમાં પણ ચાર ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના ચાર તાલુકામાં ચાર ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યના 11 તાલુકામાં ત્રણ ઇંચ કરતાં વધુ વરસાદ થયો છે. આ ઉપરાંત રાજ્યના 25 તાલુકામાં બે ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના 68 તાલુકામાં એક ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે.


ખાસ કરીને અમદાવાદમાં રાત સુધી વરસાદી માહોલ જામેલો રહેશે. ખાસ કરીને આગામી ત્રણ કલાકને લઇ હવામાન વિભાગે અમદાવાદમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. અમદાવાદ સહીત ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓ સહીત 15 જિલ્લાઓમાં ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદી માહોલની આગાહી કરવામાં આવી છે.  જયારે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં આજે સવારે છ વાગ્યાથી આઠ વાગ્યા સુધીમાં 59 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ જૂનાગઢના માણાવદર અને સુરતના ચોર્યાસી તાલુકામાં બે ઇંચ વરસ્યો છે. રાજકોટના ગોંડલ અને જેતપુરમાં પણ દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.