ગુજરાત રાજ્યસભા પેટાચૂંટણીઃ ભાજપના એસ. જયશંકર અને જુગલજી ઠાકોરનો વિજય
રાજ્યસભામાં ગુજરાતની ખાલી પડેલી બે બેઠકો પર શુક્રવારે પેટાચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપના બંને ઉમેદવારોનો વિજય થયો હતો, જ્યારે કોંગ્રેસના ગૌરવ પંડ્યા અને ચંદ્રિકાબેન ચુડાસમાનો પરાજય થયો હતો.
ગાંધીનગરઃ રાજ્યસભામાં ગુજરાતની ખાલી પડેલી બે બેઠકો પર શુક્રવારે પેટાચૂંટણી યોજાઈ હતી. આ પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અને વર્તમાન વિદેશ મંત્રી એવા એસ. જયશંકર અને બીજા ઉમેદવાર જુગલજી ઠાકોરનો વિજય થયો છે, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ગૌરવ પંડ્યા અને ચંદ્રિકાબેન ચુડાસમાનો પરાજય થયો છે. ભાજપના ઉમેદવાર એસ. જયશંકરને 104 અને જુગલજી ઠાકોરને 105 મત મળ્યા હતા. જેની સામે કોંગ્રેસના બંને ઉમેદવારોને 70-70 મત મળ્યા હતા.
શુક્રવારે યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસના ધારાસભ્ય એવા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ક્રોસ વોટિંગ કર્યું હતું. તેમણે મતદાન કર્યું ત્યારે પોતાનો મત કોંગ્રેસના પોલિંગ એજન્ટને બતાયા વગર મતપેટીમાં નાખી દીધો હતો. કોંગ્રેસે આ બાબતે વાંધો ઉઠાવ્યો હતો અને કેન્દ્રીય ચૂંટણી પંચમાં આ અંગે ફરિયાદ પણ કરી હતી. જેના કારણે મતગણતરીમાં વિલંબ થયો હતો.
ચૂંટણી પંચ દ્વારા બંને સીટ માટે અલગ-અલગ ચૂંટણી યોજવામાં આવી હતી. એટલે કે, ગુજરાતના તમામ ધારાસભ્યો દ્વારા રાજ્યસભાની બે સીટ માટે ઊભા રહેલા બંને પક્ષના ઉમેદવાર માટે અલગ-અલગ મતદાન કરવાનું હતું. જુદું-જુદું મતદાન કરવાનું હોવાના કારણે કોંગ્રેસને નુકસાન થયું હતું અને તેના ઉમેદવારોને વિજય માટે જરૂરી મત મળ્યા ન હતા. શુક્રવારે સવારે 9 કલાકે મતદાન યોજાયું હતું.
રાજ્યસભા ચૂંટણીમાં વિજયી થયા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ બંને વિજેતા ઉમેદવારોને અભિનંદન આપ્યા હતા અને શુભેચ્છાઓ પાઠવી હતી. પત્રકારોને સંબોધતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના બંને ઉમેદવારોનો વિજય દર્શાવે છે કે કોંગ્રેસ નબળી પડી છે. તેના ધારાસભ્યોને પણ હવે તેમની પાર્ટીમાં વિશ્વાસ રહ્યો નથી.