દેશમાં પ્રદૂષિત નદી ધરાવતા રાજ્યોની યાદીમાં ગુજરાતમાં પાંચમા સ્થાને, સાબરમતીની સ્થિતિ શરમજનક
કેન્દ્ર સરકારના રિપોર્ટમાં સાબરમતી નદી પ્રદુષિત હોવાનો પ્રદુષણ નિયત્રણ બોર્ડ દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે
અમદાવાદ : કેન્દ્ર સરકારના રિપોર્ટમાં સાબરમતી નદી પ્રદુષિત હોવાનો પ્રદુષણ નિયત્રણ બોર્ડ દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે. પ્રદુષણ નિયત્રણ બોર્ડના સભ્ય સચિવ કે.સી.મિસ્ત્રીએ જણાવ્યું છે કે સાબરમતી નદીમાં ઠાલવવામાં આવતા પાણીને કારણે પ્રદુષિત બની છે. આ મામલામાં પ્રદુષણ નિયત્રણ બોર્ડ દ્વારા પણ જરૂરી પગલા ભરવામાં આવી રહ્યા છે.
જો ભારતના સૌથી વધારે પ્રદુષિત નદીઓ ધરાવતા રાજયોની વાત કરવામાં આવે તો ગુજરાતનો તેમાં પાંચમો ક્રમાંક છે. પર્યાવરણ મંત્રાલય તેમજ વન અને આબોહવા પરિવર્તન (MoEF)ના રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં 20 પ્રદુષિત નદીઓ અને ઝરણાઓ છે. તેમાં સાબરમતી, નર્મદા અને મહી જેવી મોટી નદીઓ પણ શામેલ છે.
આ લિસ્ટમાં પહેલા ક્રમાંકે મહારાષ્ટ્રનું નામ આવે છે જયાં 49 નદીઓ પ્રદુષિત છે. બીજા ક્રમાંકે અસમ છે, જયાં ૨૮ નદીઓ પ્રદુષિત છે અને ત્રીજા ક્રમાંકે 21 નદીઓ સાથે મધ્યપ્રદેશ આવે છે. MoEFના ડેટા પ્રમાણે, સાબરમતી અને મિંઢોળા નદીનું પ્રદુષણ દૂર કરવા માટે કેન્દ્ર સરકારે 200 કરોડ રુપિયાની ફાળવણી કરી હતી. મિંઢોળા નદી તાપી જિલ્લાના સોનગઢ તાલુકાથી શરુ થાય છે. ગંગા નદી પછી સૌથી વધારે કોઈ નદી પાછળ બજેટ ફાળવવામાં આવ્યું હોય તો મિંઢોળા નદી છે.