ઝી મીડિયા/બ્યૂરો :આજથી 15 માર્ચ સુધી રાજ્યમાં ટ્રાફિક પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ છે, એટલે હેલ્મેટ પહેર્યા વિના કે સીટ બેલ્ટ વિના વાહન ચલાવવું ભારે પડશે. આ સાથે ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ટ્રાફિક બ્રિગેડના IGPએ પોલીસને કડક કાર્યવાહીનો આદેશ આપ્યો છે. તમામ શહેરો અને જિલ્લામાં ટ્રાફિકના નિયમોનું કડકાઈથી પાલન કરવાની અને તમામ જિલ્લાને દંડની વિગત બીજા દિવસે આપવાની સૂચના આપવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત પોલીસને હેલ્મેટ અને સીટ બેલ્ટ ભંગના વધુમાં વધુ કેસ કરવા માટે આદેશ કરાયો છે અને સાથે જ પોલીસને એવો પણ આદેશ કરવામાં આવ્યો છે કે, શહેર અને જિલ્લામાં રોજની કામગીરીની સમીક્ષા કર્યા બાદ તેનો અહેવાલ પણ મોકલવામાં આવે. આ આદેશ બાદ ગુજરાત પોલીસ આજથી 15 માર્ચ સુધી વિવિધ વિસ્તારોમાં આ ખાસ ડ્રાઈવ યોજાશે. જેમાં પોલીસ દ્વારા હેલ્મેટ અને સીટ બેલ્ટ ભંગના વઘુમાં વધુ દંડ કરવામાં આવશે. નોંધનીય છે કે, કોરોનાકાળ દરમિયાન ગુજરાત પોલીસ દ્વારા માસ્કને લઈને પણ ઠેર-ઠેર ખાસ ડ્રાઈવ યોજવામાં આવી હતી, જેમાં કરોડો રૂપિયાનો દંડ પોલીસે ઉઘરાવ્યો હતો. ત્યારે હવે આજથી હેલ્મેટ અને સીટબેલ્ટનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી થશે.


આ પણ વાંચો : એક ટુકડો જમીનની લાલચમાં દીકરાએ ભાન ગુમાવ્યું, જે માતાએ રોટલો ખવડાવ્યો એને જ મારી નાંખી 


આજથી શરૂ થતી ટ્રાફિકની ડ્રાઈવ આખા ગુજરાતમાં ચાલશે. જેમાં ટ્રાફિક વિભાગને કડક પણે ટ્રાફિકના નિયમોનો અમલ કરાવવાની સૂચના અપાઈ છે. તેથી આજથી રાજ્યભરમાં ક્યાંય ગાડી લઈને નીકળો તો સાવધાન. સીટબેલ્ટ બાંધીને નીકળજો અને હેલમેટ પહેરીને નીકળજો. જો આજથી રાજ્યમાં હેલમેટ વગર પકડાયા તો પહેલીવાર 500 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે. અને જો કારમાં સીટ બેલ્ટ વગર પકડાશો તો 500 રૂપિયાનો દંડ થશે. પરંતુ બીજીવાર પકડાશો તો આ દંડ બેવડાઈ જશે. બીજીવારમાં તમારી પાસેથી 1000 રૂપિયા વસૂલાશે. 


ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સમયાંતરે ટ્રાફિક ડ્રાઈવ યોજાતી રહે છે. જેમાં ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન થાય છે કે નહિ તેની ચકાસણી કરવામાં આવે છે. આ ડ્રાઈવ અંગે તમામ શહેરોના પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ વડાઓને પત્ર લખીને જાણ કરવામાં આવે છે. જેના બાદ ડ્રાઈવ શરૂ કરવામાં આવે છે.