આ કેવું ગુજરાત મોડેલઃ રાજ્યનાં 14 નિગમ ખોટ કરી રહ્યા છે!
દેશભરમાં વિકસિત ગુજરાતની ગુલબાંગો પોકારવામાં આવે છે ત્યારે કેગના અહેવાલ મુજબ રાજ્યનાં કેટલાક જાહેર સાહસો એવા છે જે કરોડોની ખોટ કરી રહ્યા છે અને ધોળા હાથી સમાન પુરવાર થયા છે
ગાંધીનગરઃ ગુજરાત રાજ્ય વિકાસની હરણ ફાળ ભરી રહ્યું છે ત્યારે રાજ્યમાં 77 નિગમ કાર્યરત છે, જે પૈકીના 14 નિગમ કરોડોની ખોટ કરી રહ્યા છે. આ નિગમોની કુલ ખોટ રૂ.18,412.39 કરોડ જેટલી છે. એટલે કે, પ્રજાના પૈસા પાણીમાં જઈ રહ્યા છે. બુધવારે રાજ્ય સરકાર દ્વારા વિધાનસભામાં રજૂ કરાયેલા કેગના અહેવાલમાં આ આંકડા આપવામાં આવ્યા છે.
રાજ્ય સરકાર માટે ધોળા હાથી સમાન સાબિત થયેલા 14 નિગમમાં જીએસપીસી, સરદાર સરોવર નર્મદા નિગમ અને જીએસઆરટીસી મુખ્ય છે. આ નિગમોને સરકાર દ્વારા દર વર્ષે નિયત કરેલી રકમો ચુકવવામાં આવે છે, છતાં પણ આ નિગમો નફો કરી શકતા નથી. જેનું મુખ્ય કારણ અણઆવડત અથવા તો ખોટા નિર્ણયો છે. સરકાર દ્વારા આ બાબતે હજુ કોઈ ખુલાસો જાહેર કરાયો નથી.
ચોંકી જવાય એવા ખોટના આંકડા
17 નિગમની કુલ ખોટ - રૂ.18,412.39 કરોડ
GSPCની ખોટ - રૂ.17,610.20 કરોડ
સરદાર સરોવર નર્મદા નિગમ - રૂ.973.50 કરોડ
GSRTC (એસટી નિગમ) - રૂ.184.54 કરોડ
નાણા નિગમ - રૂ.117.18 કરોડ
આ તમામ નિગમોમાં ખોટ કરવાના કારણો જુદા-જુદા છે, પરંતુ જીએસપીસીની રૂ.17,610.20 કરોડની ખોટનો જે આંકડો છે તે ઘણો જ ચોંકાવનારો છે. સરકાર દ્વારા આ ખોટ દૂર કરવા અને નિગમને નફો કરતું કરવા માટે અનેક પ્રયાસ કરાયા છે, પરંતુ આ નિગમ હજુ ખોટમાંથી બહાર આવી શક્યું નથી.
GSRTC ની ખોટનું કારણ તો ઉડીને આંખે વળગે એવો તેનો અણઘડ વહીવટ છે. તેમાં પણ સરકાર દ્વારા જે વોલ્વો બસ ચલાવવામાં આવે છે તે ધોળા હાથી સમાન છે. કેમ કે, સરકારે તેને ખાનગી એજન્સીઓ પાસેથી ભાડે લીધી છે અને તેની સામે ખાનગી ઓપરેટરો સરકારી બસના વોલ્વોના ભાડા કરતા સસ્તા ભાડામાં શ્રેષ્ઠ સુવિધાઓ પુરી પાડે છે. એટલે લોકો સરકારી વોલ્વોને બદલે ખાનગી બસ સેવાનો લાભ લે છે.