ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાત કુદરતી સૌંદર્યથી ભરપૂર છે. અહી જેટલો લાંબો દરિયો છે, તેટલો જ સમૃદ્ધ ઈતિહાસ અને ભૌગૌલિક ભૂમિ છે. પ્રવાસનની દ્રષ્ટિએ જોઈએ તો ગુજરાત (gujarat tourism) ના ખૂણે ખૂણે એવા સ્થળો આવેલા છે જેનો કોઈ જોટો જડે એવો નથી. જ્યા બારેમાસ પ્રવાસીઓ આવતા રહે છે. ગુજરાતનો નર્મદા (narmada) જિલ્લો પણ સુંદરતાથી ભરપૂર છે. જ્યાં ચોમાસામાં સોળે કળાથી સૌંદર્ય ખીલી ઉઠે છે. ચોમાસામાં નર્મદા જિલ્લામા આવનારા પ્રવાસીઓની સંખ્યા વધી જાય છે. આવામાં નર્મદા જિલ્લામાં એક ગામમાં પ્રવાસીઓ માટે નો એન્ટ્રીનુ બોર્ડ મરાયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માંડણ ગામમાં પ્રવાસીઓના એન્ટ્રી પર પ્રતિબંધ
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં માંડણ ગામ આવેલું છે. આ ગામ એટલે હિલ સ્ટેશન (hill stations) જ સમજો. ગામડામાં પહાડો વચ્ચે કુદરતી સૌંદર્ય ખીલેલુ છે. જેમાં ચોમાસામાં તો વાત જ કંઈ અલગ બની જાય છે. આવામાં માંડણ ગામમાં પ્રવાસીઓની સંખ્યા સતત વધી રહી છે. પંરતુ આ વચ્ચે એક આશ્ચર્યજનક ઘટના બની છે. એકા એક માંડણ ગામમાં પ્રવાસીઓ માટે નો એન્ટ્રી (no entry) નું બોર્ડ મારવામાં આવ્યું છે. જોકે, આ બોર્ડ કોણે માર્યું છે તે માલૂમ પડ્યુ નથી. પરંતુ આ બોર્ડના લગાવવાથી સરકારી અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. 


બોર્ડ પર શુ લખ્યુ છે....
બોર્ડમાં ઉલ્લેખ કરાયો છે કે, માંડણ (ગાડીત) ગામ કરજણ જળાશયનો સંપાદિત વિસ્તાર છે અને વન વિભાગનો વિસ્તાર છે. જેથી પ્રવાસીઓએ પોતાનું વાહન આ ગામમાં લઈ આવવું નહિ. પર્યટક (tourism) સ્થળ બાબતે કોઈ કાયદાકીય મંજૂરી મળી નથી. જેથી કોઈ પણ વ્યક્તિએ પોતાની નાવડી પ્રવાસીઓના હેરફેર માટે ઉપયોગ કરવી નહિ તથા કોઈ પણ પ્રવાસી પાસે આ બાબતે ફી લેવી નહિ. સાથે સાથે પાર્કિંગ ફી પણ કોઈએ ઉઘરાવવી નહિ. આ સૂચનાઓનો ભંગ કરનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.


સરકારે નહિ તો પછી કોણે માર્યું બોર્ડ 
નાંદોદ તાલુકા પ્રાંત અધિકારી કે.ડી.ભગતે જણાવ્યું હતું કે આ બોર્ડ અમે માર્યું નથી, ત્યારે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે આ બોર્ડ માર્યું કોણે હશે. તાજેતરમા જ માંડણ ગામ અને સરકારી અધિકારીઓ વચ્ચે ચકમક ઝરી હતી. માંડણ ગામ દ્વારા પ્રવાસીઓ પાસેથી વાહનનો ચાર્જ વસૂલાતો હતો. ત્યારે પ્રવાસીઓ પાસેથી કરાતી આ ઉઘાડી લૂંટ વિશે સરકારી અધિકારીઓએ ઉધડો લીધો હતો. તેમજ ફી ન ઉઘરાવવા સૂચના આપતા હાજર સરકારી અધિકારીઓ અને ગ્રામજનો વચ્ચે શાબ્દિક ટપા ટપી પણ થઈ હતી.


આ બાદ અચાનક જ ગામમાં પ્રવાસીઓના પ્રતિબંધ મામલે બોર્ડ લગાવાયું છે. આ કારણે અહી આવાનારા પ્રવાસીઓ પણ અટવાયા છે.