વાદળો વચ્ચે છુપાયેલા સાપુતારાનું અસલી સૌંદર્ય માણવું હોય તો આ ઉત્સવમાં જરૂર પહોંચી જજો
Saputara Tourism : ચોમાસામાં કુદરતી સૌંદર્યથી સોળે કળાએ ખીલેલા સાપુતારામાં 30 જુલાઈથી શરૂ થશે મેઘ મલ્હાર ઉત્સવ
ધવલ પારેખ/નવસારી :ગુજરાતમાં હાલ સાપુતારાની સુંદરતા સોળે કલાએ ખીલી ઉઠી છે. ગુજરાતના કાશ્મીર કહેવાતા આ હિલ સ્ટેશન પર હાલ ભગવાને છુટ્ટા હાથે સુંદરતા વેરી છે. ચોમાસું આવતા જ સાપુતારા સ્વર્ગ જેવુ લાગલા લાગે છે. ત્યારે ગુજરાત સરકાર આ સ્વર્ગને માણવા માટે ખાસ ઉત્સવનુ આયોજન કરે છે. ચોમાસામાં ઉજવાતા આ ઉત્સવની તારીખ આખરે જાહેર કરી દેવાઈ છે. ચોમાસામાં કુદરતી સૌંદર્યથી સોળે કળાએ ખીલેલા સાપુતારામાં 30 જુલાઈથી મેઘ મલ્હાર ઉત્સવ શરૂ થશે. જે એક મહિના સુધી ચાલશે. પ્રવાસીઓ માટે આ ઉત્સવ ખાસ બની જતો હોય છે.
સરકારે મેઘ મલ્હાર ઉત્સવની જાહેરાત કરી તે પહેલા ગુજરાત પ્રવાસન વિભાગના MD આલોક પાંડેએ દક્ષિણ ગુજરાતના પ્રવાસન સ્થળોની મુલાકાત લઈ અહીંની સુવિધાઓની સમીક્ષા કરી હતી. 30 જુલાઈથી સાપુતારામાં શરૂ થઈ રહેલા મેઘ મલ્હાર ઉત્સવનો મુખ્યમંત્રીના હસ્તે પ્રારંભ થશે. મહિના સુધી ચાલનારા આ ઉત્સવમાં જોડાઈ સાપુતારાના નૈસર્ગિક સૌંદર્યની મજા માણવા આવવા પ્રવાસીઓને આમંત્રણ પણ આપ્યુ છે.
દર વર્ષે ચોમાસામાં પ્રવાસીઓને આકર્ષવા યોજાતા મોનસુન ફેસ્ટિવલની તૈયારીને છેલ્લો ઓપ અપાઈ રહ્યો છે. સાથે જ શ્રાવણના પ્રારંભે એટલે 30 જુલાઈથી સાપુતારા ખાતે મુખ્યમંત્રીના હસ્તે એક માસ માટે મોન્સુન ફેસ્ટિવલનો પ્રારંભ થશે.
આ વખતે મોનસૂન ફેસ્ટિવલ 2022 ને ‘મેઘ મલ્હાર ઉત્સવ’ નામ આપવામાં આવ્યું છે. ચોમાસામાં સોળે કળાએ ખીલી ઉઠતા ડાંગ અને તેમાં પણ ગુજરાતના સ્વર્ગ સાપુતારામાં શરૂ થનારા વર્ષા ઉત્સવમાં અનેકવિધ કાર્યક્રમો થકી પ્રવાસીઓને આકર્ષવામાં આવશે.
ત્યારે સાપુતારાના મેઘ મલ્હાર ઉત્સવનો આંનદ માણવા પ્રવાસન વિભાગ દ્વારા નવસારીના ઐતિહાસિક દાંડી સત્યાગ્રહ સ્મારકથી આમંત્રણ આપ્યું છે.