Gujarat Hill Station: ગુજરાતીઓ આમ પણ ફરવા માટે ખુબ જાણીતા છે. ગુજરાતમાં પણ અનેક એવા પ્રવાસન સ્થળો છે જે પર્યટકોને  ખુબ આકર્ષે છે. પરંતુ હાલ તો ચોમાસાની સીઝન ચાલુ છે અને ચોમાસામાં જો વરસાદ અને આહલાદક વાતાવરણની મજા માણવી હોય તો ફરવા માટે ક્યાં જવું એ દરેકને સતાવતો પ્રશ્ન છે. ગુજરાતમાં અનેક એવા પ્રવાસન સ્થળો છે જે ચોમાસાની મજા મણાવે છે. જ્યાં તમે વરસાદ અને કુદરતના સમન્વયને માણી શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આવું જ એક સ્થળ છે ગુજરાતનું હીલ સ્ટેશન સાપુતારા. આ સ્થળ ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલુ છે. જે મહારાષ્ટ્ર રાજ્યની સરહદ પર સહ્યાદ્રી પર્વતમાળામાં જંગલ વચ્ચે આશરે 1000 મીટર જેટલી ઊંચાઈ પર આવેલુ છે. આ વિસ્તાર ડુંગરાળ છે. ઉનાળામાં પણ અહીં તાપમાન લગભગ 30 ડિગ્રીથી ઓછું રહેતું હોય છે. સાપુતારામાં મોટાભાગે આદીવાસી વસ્તી છે. જો કે સરકારે વિનંતી કરતા સાપુતારાનું પરંપરાગત મકાન છોડી તેઓ નવાનગર રહેવા ગયા છે.


સાપુતારાનો અર્થ જોઈએ તો સાપનું ઘર એમ થાય છે. પહેલાના વખતમાં સાપુતારામાં ઢગલો સાપ જોવા મળતા હતા. અહીં આદિવાસીઓનું પરંપરાગત નૃત્ય પણ ખુબ જાણીતુ છે. એવી માન્યતા પણ છે કે ભગવાન રામે વનવાસ દરમિયાન સાપુતારામાં પણ થોડો સમય વિતાવ્યો હતો. તે સમયે શબરી સાથે મુલાકાત થઈ હતી અને શબરીએ તેમને બોર ખવડાવ્યા હતા. 



 


(તસવીર- ડાંગ  નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર)


ચોમાસામાં ખીલે ઉઠે છે સૌંદર્ય
સાપુતારાની વાત કરીએ તો આમ તો દરેક ઋતુમાં તેની મજા અલગ હોય છે પરંતુ ચોમાસામાં અહીં કુદરત સોળે કળાએ ખીલી ઉઠે છે. ત્યારે આવા સમયે જ ગુજરાતીઓ માટે અને ગુજરાતની આજુબાજુના રાજ્યોના લોકો માટે સાપુતારા એ ધરતી પરનું સ્વર્ગ બની જતું હોય છે. અમિતાભ બચ્ચને જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ખુશ્બુ ગુજરાત કી કાર્યક્રમ ગુજરાતના પ્રવાસન સ્થળોને પ્રમોટ કરવા માટે કર્યો હતો ત્યારે તેમણે સાપુતારા વિશે પણ જે કહ્યું હતું તે જાણવા જેવું છે. અમિતાભ બચ્ચને સાપુતારાને ગુજરાતની 'આંખો કા તારા' ગણાવ્યું હતું. 



સાપુતારામાં જોવા લાયક સ્થળો
સાપુતારા તળાવ, સનરાઈઝ પોઈન્ટ, નવાનગર (ડાંગી સંસ્કૃતિનું દર્શન), રોપ વે, સાપુતારાનો સાપ, સનસેટ પોઈન્ટ, ઋતુંભરા વિદ્યાલય વગેરે અહીં જોવા લાયક સ્થળોમાં સામેલ છે. સાપુતારા સંગ્રહાલય આદિવાસી કળા અને સંસ્કૃતિ માટે પ્રખ્યાત છે. આદિવાસી સંગીત વાદ્યો, વસ્ત્રો, દાગીના, ડાંગ વિસ્તારના પૂર્વ ઐતિહાસિક સાધનોને તેમાં સમાવાયા છે. લગભગ 420 જેટલા આ સંગ્રહાલયમાં પ્રદર્શન છે. બગીચાની વાત કરીએ તો  અહીં રોઝ ગાર્ડન અને સ્ટેપ ગાર્ડન છે. 



(તસવીર- ડાંગ  નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર)


આ ઉપરાંત ગવર્નરહિલ/ ટેબલ વ્યૂ પોઈન્ટ પણ છે. ત્યાં તમે  હોર્સ રાઈડિંગ, કેમલ રાઈડિંગ, ઝિપ લાઈન, રોપ વે, બાઈક રાઈડિંગ વગેરેનો આણંદ માણી શકાય છે. સાપુતારાથી 49 કિમી દૂર સાપુતારા-વઘઈ માર્ગ પર ગિરા ધોધ પણ આવેલો છે. જેનું એક અલગ જ સૌંદર્ય છે. આશરે 300 ફૂટ જેટલા ઊંચેથી તે સીધો નીચે પડે છે. ચોમાસામાં પાણી ઘણુ વધારે હોવાથી આ ધોધ ખુબ ભવ્ય લાગે છે. એટલે તે ગુજરાતનો નાયગ્રા ધોધ પણ કહેવાય છે. 



(તસવીર- ડાંગ  નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર)


કેવી રીતે જવાય
સાપુતારા અમદાવાદથી 420 કિમી દૂર છે જ્યારે ભાવનગરથી 589 કિમી, રાજકોટથી 603 કિી, સુરતથી 172 કિમી, વઘઈથી 49 કિમી, નાસિકથી 80 કિમી અને મુંબઈથી 185 કિમીના અંતરે આવેલું છે. 



વિમાન માર્ગ જોઈએ તો સૌથી નજીકનું એરપોર્ટ સુરત 172 કિમી છે જ્યારે મુંબઈ 225 કિમી છે. નેરોગેજ રેલવે સ્ટેશન વઘઈ છે. બ્રોડગેજ રેલવે સ્ટેશન બીલિમોરા છે. 



(નરેન્દ્ર મોદી વેબસાઈટ)


સાપુતારાથી આહવા વઘઈ, સુરત, વલસાડ, અમદાવાદ, પાટણ વગેરે સ્થળોએ જવા માટે રાજ્ય પરિવહનની બસો ઉપલબ્ધ છે.