શું આ છે ગુજરાતનું વિકાસ મોડલ? 10 જગ્યાઓ માટે હજારો યુવાનો ઉમટ્યા, અફરા તફરીનો માહોલ
ભરુચની એક હોટેલેમાં યોજાયેલા એક વોક ઇન ઇન્ટરવ્યૂમાં નોકરી મેળવવા માટે યુવાનોએ રીતસર પડાપડી કરી હતી અને ધક્કામુક્કીમાં રેલિંગ પણ તૂટી ગઇ હોવાનું વીડિયોમાં જોવા મળી રહ્યુ છે. તમને જણાવી દઈએ કે અંકલેશ્વરમાં એક ખાનગી કંપનીએ હોટલમાં 10 જગ્યાઓ માટે ઈન્ટરવ્યૂ રાખ્યું હતું. જેમાં આ હાલત થઈ હતી.
Gujarat Job Interview Video: ગુજરાતના ભરૂચ જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જિલ્લાના ઔદ્યોગિક વિસ્તાર અંકલેશ્વરની એક હોટલમાં ખાનગી કંપનીએ 10 જગ્યાઓ માટે ઈન્ટરવ્યુ રાખ્યો હતો. તે વખતે નોકરીનાં ઇન્ટરવ્યુ માટે યુવાનો મોટી સંખ્યામાં એકઠા થઇ ગયા હતા. ભીડ એટલી વધી ગઇ હતી કે તેને કાબુમાં લેવુ મુશ્કેલ બન્યુ હતુ. ઈન્ટરવ્યુ માટે મોટી સંખ્યામાં યુવાનો આવવાના કારણે અરાજકતા સર્જાઈ હતી. ઇન્ટરવ્યુ માટે પહેલા પ્રવેશવાના પ્રયાસમાં યુવાનોના ધક્કામુક્કી કરી મૂકી હતી. આ દરમિયાન ત્યાં રહેલી રેલિંગ પણ તૂટી પડી હતી.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના અંગે ભરૂચ જિલ્લા વહીવટી તંત્રએ હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી. સોશિયલ મીડિયા પર યુઝર્સે આને બેરોજગારી સાથે જોડ્યું છે. ભરૂચ જિલ્લો સુરત અને વડોદરાની વચ્ચે આવેલો છે. વિશાળ આદિવાસી વિસ્તાર માટે ભરૂચ મુખ્ય કેન્દ્ર છે.
નોકરી મેળવવા માટે યુવાનો કરી રહ્યા છે સંઘર્ષ
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં કહેવામાં આવી રહ્યું છે કે અંકલેશ્વરની એક હોટલમાં ખાનગી કંપનીમાં નોકરી માટે ઈન્ટરવ્યુ આપવા આવેલા યુવાનો વચ્ચે તકરાર પણ થઈ હતી. કલ્પના કરો, જો નોકરીનો ઈન્ટરવ્યુ આપવા માટે આટલો સંઘર્ષ કરવો પડે છે, તો નોકરી મેળવવા માટે કેટલો વધુ સંઘર્ષ કરવો પડશે. મળતી માહિતી મુજબ અંકલેશ્વરની લોર્ડ્સ પ્લાઝા હોટલમાં આ ઘટના બની હતી. ત્યાં થર્મેક્સ કંપની દ્વારા વોક ઇન ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવ્યું હતું. કંપનીએ 10 જગ્યાઓ માટે ખાલી જગ્યા જાહેર કરી હતી, પરંતુ તેના હજારો યુવાનો ઇન્ટરવ્યુ માટે આવ્યા હતા.
સ્થળ પર કોઈ વ્યવસ્થા નહોતી
વાયરલ વીડિયોમાં હોટલમાં નોકરીના ઈન્ટરવ્યુ માટે પહોંચેલા યુવાનોની ભીડ જોવા મળી રહી છે પરંતુ સ્થળ પર કોઈ સુરક્ષાકર્મી કે પોલીસ બંદોબસ્ત નથી. મોટી સંખ્યામાં પહોંચેલા યુવાનો સાંકડા દરવાજામાંથી પ્રવેશવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. જેના કારણે ત્યાં લગાવેલી રેલિંગ નમી ગઈ હતી અને જોતજોતામાં તૂટી પડી હતી. જેમાં કેટલાક યુવકો નીચે પડી ગયા, જોકે કોઈને ગંભીર ઈજા પહોંચી નથી. આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
જોકે, આ મામલો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ભાજપના નેતાઓએ ખુલાસો કર્યો હતો કે, આ ઈન્ટરવ્યું એ અનુભવી વ્યક્તિઓ માટે હતા. એટલે બેરોજગારી સાથે જોડીને ગુજરાતને બદનામ કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. જોકે, આ નોકરી માટે યુવાનો મોટી સંખ્યામાં આવ્યા હોવાની બાબત વાસ્તવિક છે. ભલે એ અનુભવી જ હોય પણ 10 જગ્યાઓ માટે ઉમટેલી ભીડના વીડિયો સોશિયલ મીડિયામાં જબરદસ્ત વાયરલ થઈ રહ્યાં છે.