અતુલ તિવારી/અમદાવાદ :આજથી ગુજરાત યુનિવર્સિટીની ઓફલાઈન પરીક્ષાઓ શરૂ થઈ છે. લો અને માસ્ટર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાઈ રહી છે. ત્યારે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પરીક્ષા સેન્ટર પર પહોંચ્યા હતા. કોરોના ગાઈડલાઈનનું પાલન કરીને તમામ વિદ્યાર્થીઓને ગેટ પર એન્ટ્રી આપવામાં આવી હતી. સવારે 10થી 12 અને બપોરે 3થી 5 દરમિયાન પરીક્ષા લેવાશે. આજથી શરૂ થતી પ્રથમ તબક્કાની પરીક્ષા 10 સપ્ટેમ્બરે પૂર્ણ થશે. તો બીજા તબક્કાની પરીક્ષા 12 સપ્ટેમ્બરથી શરૂ થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અગાઉ બે વાર પરીક્ષા મોકૂફ કરાઈ હતી 
કોરોના સંક્રમણને કારણે જુદા-જુદા કોર્સના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓની પરીક્ષા બે તબક્કામાં લેવાશે. અંદાજે 1 લાખ જેટલા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાની છે. ઓનલાઈન કે ઓફલાઈન પરીક્ષા લેવી તેના અસમંજસ વચ્ચે 90 હજાર જેટલા વિદ્યાર્થીઓ ઓફલાઈન પરીક્ષા આપવાના છે. બાકીના વિદ્યાર્થીઓએ ઓનલાઈન પરીક્ષા આપવાની તૈયારી દર્શાવી છે. ઓફલાઈન પરીક્ષા માટે પરીક્ષા કેન્દ્રના તમામ વર્ગખંડો સેનેટાઇઝ કરાયા છે, પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓના ટેમ્પરેચરની ચકાસણી કર્યા બાદ જ પ્રવેશ આપવામાં આવ્યો હતો. એક બેન્ચ પર એક વિદ્યાર્થીને બેસાડી સોશિયલ ડિસ્ટનસિંગ સાથે પરીક્ષાનો પ્રારંભ કરાવાયો હતો. 


ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીને કારણે અગાઉ બે વાર ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાઓ મોકૂફ કરાઈ હતી. ત્યારે તમામ તકેદારી સાથે પરીક્ષાના સમય કરતાં 1 કલાક પહેલાં પરિક્ષાખંડમાં વિદ્યાર્થીને પ્રવેશ અપાયો હતો. જેથી તમામ પ્રોસેસ નિયત સમયે પાર થઈ શકે. 


80 લાખ અમદાવાદીઓ માટે ચિંતાના સમાચાર, હજી નથી વિકસી હર્ડ ઈમ્યુનિટી... 


GTU ત્રીજીવાર ઓનલાઈન પરીક્ષાની જાહેરાત
તો બીજી તરફ, GTU એ ઓનલાઈન પરીક્ષા માટે વિદ્યાર્થીઓને ત્રીજી તક આપી છે. 21મી સપ્ટેમ્બરે GTU ત્રીજીવાર ઓનલાઈન પરીક્ષા લેવાશે તેવી જાહેરાત કરવામાં આવી છે. આજથી 8 સપ્ટેમ્બર દરમિયાન ઓનલાઈન પરીક્ષા આપવા ઇચ્છતા વિદ્યાર્થીએ ઓનલાઈન પરીક્ષા માટે સંમતિ આપવાની રહેશે. GTU ની વેબસાઈટ પર સ્ટુડન્ટ પોર્ટલના માધ્યમથી ઓનલાઈન પરીક્ષા આપવા માટે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. અગાઉ બે વાર લેવાયેલી ઓનલાઈન પરીક્ષા ના આપી શકનાર વિદ્યાર્થી ઓનલાઈન પરીક્ષા આપી શકે તે માટે વધુ એક પ્રયાસ કરાયો છે. GTU દ્વારા અગાઉ લેવાયેલી ઓનલાઈન પરીક્ષાના પરિણામ પણ જાહેર કરી દેવાયા છે. ઓફલાઈન પરીક્ષા માટે રજિસ્ટર્ડ થયેલા વિદ્યાર્થીઓ ઈચ્છે તો ઓનલાઈન પરીક્ષા આપી શકે તે માટે આયોજન કરાયું છે. કોરોના મહામારીમાં ઓફલાઈન પરીક્ષાને બદલે GTU એ અત્યાર સુધી વિદ્યાર્થીઓની ઓનલાઈન પરીક્ષા લીધી છે.