સમગ્ર ગુજરાતમાં વૈશાખી વાયરા વાયા, ગરમ પવન સાથે લૂ વર્ષા, જાણો હવામાન વિભાગની કાતિલ આગાહી
આ વખતે દર વર્ષ કરતાં વધુ આકરા બની રહેલા તાપમાં આજે તેજ પવન પણ ભળતાં સૌરાષ્ટ્રના ઘણાં ખરા વિસ્તારોમાં બળબળતી લૂ ફૂંકાઈ હતી અને માર્ગો પર સતત ધૂળની ડમરીઓ ઉઠતી રહી હતી. રાજકોટમાં પવનની રફતાર અમુક તબક્કે તો 35 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી જવા પામી હતી. આગામી ત્રણ દિવસમાં ગરમીમાં આંશિક રાહત મળવાની આગાહી છે.
ઝી ન્યૂઝ/અમદાવાદ: ગુજરાતમાં કાળઝાળ ગરમીના કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. રાજ્યમાં વૈશાખી વાયરા લોકોને દઝાડી રહ્યા છે, એટલું જ નહીં તેજ પવન સાથે લૂ વર્ષા અને ધૂળની ડમરીઓ ઉડી રહી છે. અમદાવાદમાં આજે 44 ડિગ્રી તાપમાનનું અનુમાન હવામાન વિભાગ દ્વારા લગાવવામાં આવી રહ્યું છે. અમદાવાદમાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. કચ્છ અને કંડલામાં હવામાન વિભાગ દ્વારા હીટ વેવની આગાહી કરવામાં આવી છે. જ્યારે દરિયાઇ વિસ્તારમાં ગરમીથી આંશિક રાહત લોકોને મળી છે.
બીજી બાજુ અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં જે ફૂડ કોર્ટ બપોરના સમયે શરૂ થતો હતો, જ્યાં શહેરીજનોની ભીડ જુદા જુદા પ્રકારની વાનગીઓ આરોગવા માટે બપોરથી જોવા મળતી હતી. એ ફૂડ કોર્ટ હવે 5 વાગ્યાથી ખૂલવાની શરૂઆત થઈ. કાળઝાળ ગરમીના કારણે વેપારીઓએ એક અથવા બે વાગ્યાના બદલે હવે ગરમીમાં આંશિક રાહત થતા એટલે કે સાંજે ચારથી પાંચ વાગ્યાની આસપાસ ફૂડ કોર્ટમાં આવીને વેપાર કરવાની શરૂઆત કરી. ધમધોકાર ગરમીને કારણે ગ્રાહકો પણ બપોરે ના આવતા હોવાથી વેપારીઓએ ફૂડ કોર્ટનો સમય બદલ્યો.
આ વખતે દર વર્ષ કરતાં વધુ આકરા બની રહેલા તાપમાં આજે તેજ પવન પણ ભળતાં સૌરાષ્ટ્રના ઘણાં ખરા વિસ્તારોમાં બળબળતી લૂ ફૂંકાઈ હતી અને માર્ગો પર સતત ધૂળની ડમરીઓ ઉઠતી રહી હતી. રાજકોટમાં પવનની રફતાર અમુક તબક્કે તો 35 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી જવા પામી હતી. આગામી ત્રણ દિવસમાં ગરમીમાં આંશિક રાહત મળવાની આગાહી છે.
રાજકોટમાં 41.5 ડીગ્રી તાપમાન નોંધાઈ રહ્યું છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં લૂ ઝરતી ગરમી પડી રહી છે. રાજકોટ, ભાવનગર, પોરબંદર, જામનગર, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં 40 ડીગ્રી કરતા વધુ તાપમાનનો પારો ઉંચે ચઢી રહ્યો છે.
રાજ્યમાં મે મહિનો શરૂ થતાં જ અંગ દઝાડતી ગરમી શરૂ થઈ છે. ગરમીથી બચવા લોકો મોં પર કપડું અને આંખ પર ગોગલ્સ પહેરી ઘર બહાર નીકળતા જોવા મળી રહ્યા છે. શેરડીના રસના ચિચોડે લોકોની ભીડ જોવા મળી રહી છે. એટલું જ નહીં, ડી હાઇડેરેશન અને હિટ સ્ટ્રોકના બનાવોમાં વધારો થયો છે. રાજકોટ મનપાએ આજે યલો એલર્ટ જાહેર કર્યું છે. બપોરે 1 થી 4 બિનજરૂરી બહાર ન નીકળવા લોકોને અપીલ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં દિનપ્રતિદિન ગરમીનો પારો વધી રહ્યો છે. ગરમી વધતા લોકો વૉટર પાર્કમાં ઉમટી પડ્યા છે. કાળઝાળ ગરમીમાં વોટર પાર્કમાં લોકો મોજ-મસ્તી કરવા પહોંચી રહ્યા છે અને ત્યાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. કોરોના કાળ બાદ વોટર પાર્ક ફરી ધમધમતા થયાલ છે. મહેસાણામાં આવેલ બ્લીશ વોટર પાર્કમાં લોકોની ભીડ જામી છે. બે વર્ષથી કંટાળેલા લોકો એ વોટર પાર્કની મજા માણી રહ્યા છે. ડી જે ના તાલે વોટર પાર્કમાં લોકો મોજા મસ્તી કરીરહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube