`પોલીસ પકડે તો મારું નામ આપજો` - ભાજપના ધારાસભ્યના વાણીવિલાસનો વીડિયો વાયરલ
છેલ્લાં કેટલાંક સમયથી વડોદરા જિલ્લાની સાવલી બેઠકના ધારાસભ્ય કેતન ઈનામદાર કોઈકને કોઈક મુદ્દે વિવાદોમાં રહેતા આવ્યાં છે. કે પછી એમ કહો કે નેતાજીને ચર્ચામાં રહેવું પસંદ છે તો પણ અતિશ્યોક્તિ નથી. આજે ફરી એકવાર કેતન ઈનામદાર પોતાના વાણીવિલાસને કારણે વિવાદમાં આવ્યાં છે.
રવિ અગ્રવાલ, વડોદરાઃ જેમ જેમ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે તેમ તેમ રાજનેતાઓના વાણી વિલાસની ઘટનાઓ વધતી જાય છે. આવો જ એક વાણીવિલાસ કરતા ભાજપના ધારાસભ્યનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. વડોદરા જિલ્લાની સાવલી બેઠકથી ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદાર ફરી વિવાદમાં આવ્યા છે. યુવા સંમેલનમાં ઈનામદારે યુવાનોને એવું કહ્યું કે, પોલીસ પકડે તો ચિંતા ન કરતા, કહેજો કેતન ઈનામદારને ત્યાંથી આવ્યો છું.
ચૂંટણી નજીક આવતા જ નેતાઓની સભાઓ અને વચનોનો દોર શરૂ થઈ ગયો છે. ધારાસભ્યો અને નેતાઓ તાબડતોબ સભાઓ કરી રહ્યા છે. આવી જ એક સભા વડોદરાના સાવલીથી ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે કરી અને તેમાં આપેલું નિવેદન ચર્ચાનો વિષય બની ગયું છે. કેતન ઈનામદારે યુવા સંમેલનમાં યુવાનોને કહ્યું કે, પોલીસ પકડે અને લાયસન્સ ન હોય તો ચિંતા ન કરતા.
કેતન ઈનામદારે યુવાનોને એવું પણ કહ્યું કે, પોલીસ પકડે તો કહી દેજો કે સાવલીના કેતન ઈનામદારને ત્યાંથી આવ્યો છું. સાથે જ એવું કહ્યું કે, માત્ર સાવલી જ નહીં રાજ્યના કોઈ પણ પોલીસ સ્ટેશનની પોલીસ પકડે તો મારું નામ આપી દેજો. તમારે લાયસન્સની જરૂર નહીં પડે. કેતન ઈનામદારોનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સાથે જ કેતન ઈનામદારે સાવલી પોલીસ સ્ટેશન જઈને યુવાનોના ડીટેઈન કરવામાં આવેલા વાહનો પણ છોડાવ્યા.જે બાદ ચર્ચા જાગી છે કે ધારાસભ્ય આવું કહીને યુવાનોને કાયદાનું ઉલ્લંઘન કરવા માટે ઉશ્કેરી રહ્યા છે.
આ મામલે જ્યારે ZEE 24 કલાકે ધારાસભ્ય કેતન ઈનામદારને સવાલ કર્યો તો તેઓ બચાવ કરવા લાગ્યા. ઈનામદારે કહ્યું કે, યુવાનોને નિયમો તોડવા માટે ઉશ્કેરવાનો તેમનો કોઈ હેતુ નહોતો. તેમનું નિવેદન ઈરાદાપૂર્વક નહોતું. તેઓ માત્ર યુવાનોને સંબોધન કરી રહ્યા હતા. અને તેમનો ઉત્સાહ વધારી રહ્યા હતા. જો કે, ઈનામદારના આ નિવેદને ચર્ચાઓ જરૂરથી જગાવી છે. આ પહેલીવાર નથી કે કેતન ઈનામદારના નિવેદનના કારણે વિવાદ થયો હોય. આ પહેલા પણ વડોદરા ડેરીની સામે ઈનામદારે મોરચો માંડ્યો હતો.
સાથે જ વધુ સ્પષ્ટતા કરતા કેતન ઈનામદારે કહ્યું કે, કોઈ જગ્યા પર ફસાય તો તેને સાવલીથી કેતન ઈનામદારના ત્યાંથી આવ્યો છું એવો કહેજો એમ કહ્યું હતું. આ યુવાનો માટે આઇડી પ્રૂફ છે. કાયદાનું પાલન સૌએ કરવું જોઈએ. સાવલી પોલીસે પકડેલી બાઈક કાયદેસરની પ્રક્રિયા પૂરી કર્યા બાદ છોડાવી હતી.