Gujarat Weather Update: ગુજરાતમાંથી બિપોરજોય વાવાઝોડાનું સંકટ તો હેમખેમ કરતા ટળ્યું. ઘણી નુકસાની પણ થઈ, જોકે, જાનમાલની મોટી નુકસાની ટળી. પણ હવે આગામી સમયમાં જે સ્થિતિ આવવાની છે તેના માટે તૈયાર રહેવું પડશે. આગામી પાંચ દિવસ ગુજરાત પર ભારે છે. ગુજરાતમાં આગામી પાંચ દિવસમાં મેઘરાજા રીતસરના તૂટી પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું છેકે, આ વખતે ચોમાસું બરાબરનું ગૂંચવાયું છે. વરસાદની પેટર્ન પણ બદલાઈ ગઈ છે. એ જ કારણ છેકે, ખેડૂતો પણ ચિંતાતૂર બન્યા છે. ત્યાં બીજી તરફ હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છેકે, 25 થી 30 જૂનની આસપાસ ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઈ જશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી ચાર થી પાંચ દિવસ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્ર માટે વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગે સુરત, તાપી સહિતના ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચોમાસા અને ગુજરાતમાં ભારે વરસાદ અંગે કેટલીક આગાહીઓ કરી છે.



હવામાન વિભાગે શું આગાહી કરી?
હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ રાજ્યમાં પાંચ દિવસ અલગ-અલગ ભાગોમાં વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. આગાહી પ્રમાણે આજે ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગોનો સમાવેશ થાય છે. જેમાં દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપીમાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી ત્રણ દિવસ દરમિયાન સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ તથા સૌરાષ્ટ્રના પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ અને દીવમાં વરસાદ થવાની શક્યતાઓ છે. જોકે, હવામાન વિભાગ દ્વારા આ ચાર દિવસો માટે કોઈ ચેતવણી આપી નથી. આ દિવસોમાં હળવો વરસાદ થવાની શક્યતાઓ છે.  જોકે, ગુજરાતમાં ચોમાસાનું આગમન ક્યારે થશે તેની કોઈ સ્પષ્ટતા કરી નથી. રાજ્યમાં હાલ નોંધાઈ રહેલા તાપમાનમાં પણ કોઈ મોટા ફેરફાર નહીં થવાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.


અંબાલાલ પટેલે શું આગાહી કરી?
સામાન્ય રીતે ગુજરાતમાં 15 જૂનની આસપાસ ચોમાસાની શરુઆત થતી હોય છે પરંતુ આ વર્ષે વાવાઝોડાના કારણે ચોમાસાની સિસ્ટમ પર અસર થઈ છે. ચોમાસું ક્યારે બેસશે તેને લઈને ખેડૂતોને મોટો સવાલ થઈ રહ્યો છે. ત્યારે અંબાલાલ પટેલે ચોમાસું કર્ણાટકમાં ગૂંચવાયું હોવા છતાં ગુજરાતમાં 25-30 જૂનમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. અંબાલાલે જણાવ્યું છે કે, વાવાઝોડા અને ચોમાસાની અસરથી ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે. આ તરફ હવામાન વિભાગે આગામી દિવસમાં રાજ્યના દક્ષિણ ભાગમાં તથા સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. વાવાઝોડાની સંતાકૂકડીના લીધે ભારતમાં ચોમાસું કંઈક નવી જાતનું રહેવાની શક્યતાઓ છે તેમ અંબાલાલ પટેલે જણાવ્યું છે. દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ નથી થયો ત્યાં પણ વરસાદ થવાની શક્યતાઓ છે. અંબાલાલે 25-30 દરમિયાન રાજ્યમાં ભારે વરસાદ થવાની અને નદીઓમાં નવા નીર આવવાની આગાહી કરી છે.