હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ : શિયાળા માટે હજી આટલા દિવસ રાહ જોવી પડશે
Gujarat Weather Forecast : હવામાન વિભાગના એક્સપર્ટસના અનુસાર, હજુ 15 દિવસ શિયાળાની રાહ જોવી પડશે. હજુ પંદર દિવસ મિશ્ર વાતાવરણ બની રહેશે
Gujarat Weather Forecast : ગુજરાતમાં મોસમનો મિજાજ એકાએક બદલાયો છે. ચોમાસાની વિદાય બાદ કમોસમી વરસાદ ખાબક્યો હતો. માવઠાને કારણે મોસમ ખુશનુમા બન્યું છે. જોકે, હવે કમોસમી વરસાદ નહિ આવે. પરંતુ ગુજરાતમાં હજુ 15 દિવસ મિશ્ર ઋતુ જોવા મળશે. પરંતુ શિયાળો હવે મોડો આવશે. શિયાળાના આગમનને હજી પંદર દિવસ રાહ જોવી પડશે.
હવામાન વિભાગના એક્સપર્ટસના અનુસાર, હજુ 15 દિવસ શિયાળાની રાહ જોવી પડશે. હજુ પંદર દિવસ મિશ્ર વાતાવરણ બની રહેશે. બપોરનાસમયે ગરમી જ્યારે વહેલી સવારે ઠંડીનો અહેસાસ થશે. આવા સમયે વાદળો પણ છવાશે. હાલ માવઠાની કોઈ શક્યતા દેખાતી નથી.
આવામાં હવામાન વિભાગના એક્સપર્ટસ ખેડૂતોને સલાહ આપી રહ્યાં છે કે, સામાન્ય રીતે કેટલાક વિસ્તારોમાં શિયાળુ પાકનું વહેલુ વાવેતર કરવામાં આવતુ હોય છે. જે ન કરવું જોઈે. યોગ્ય ઋતુ બેસે તે બાદ જ વાવેતર કરવુ યોગ્ય રહેશે. જેથી પાકનો ઉગાવો સારો આવે. આવુ કરવાથી પાકને નુકસાન પણ થતુ નથી.
નવેમ્બર અને ડિસેમ્બરની શરૂઆતમાં શિયાળો હુંફાળો રહેશે
અંબાલાલ પટેલે જણાવ્યું કે, આ વર્ષે નવેમ્બર અને ડિસેમ્બરની શરૂઆતમાં શિયાળો હુંફાળો રહેશે. આ વર્ષે શિયાળો અલ નિનોના કારણે થોડો મોડો શરૂ થશે. 22 ડિસેમ્બર પછી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમ વર્ષા થશે. જેના કારણે ગુજરાતમાં ઠંડી શરુ થશે. પરંતું આ વર્ષે જાન્યુઆરી મહિનો ઠંડો રહેશે. 5 મી ફેબ્રુઆરીથી દેશના ઉત્તરીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થતા કાતિલ ઠંડીને વેગ મળશે. આ દિવસોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી રહેવાની શક્યતા છે. તો ઉત્તર ગુજરાતનાં ભાગોમાં લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી રહેવાની શક્યતા છે. ગુજરાતની વાત કરીએ તો આ વર્ષે નલિયાનું તાપમાન 7 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે. ફેબ્રુઆરીના અંત સુધી અને માર્ચના શરૂઆતમાં ગુલાબી ઠંડી રહેશે. એક પછી એક પશ્ચિમી વિક્ષેભ આવતા દેશના ઉત્તરીય પ્રદેશોમાં હવામાન કથળી જવાથી દિવાળી પહેલા સવારે ઠંડીનો અનુભવ થશે પણ તે શિયાળાની ઠંડી ગણી શકાય નહી. 26 ઓક્ટોબરથી હવામાનમાં ફેરફાર થતા સવારે ઠંડક રહેશે. આ દિવસોમાં રોગિસ્ટ ઋતુનો પ્રભાવ ઘટશે અને સમૃદ્રમાં વરસાદ વધુ થશે. આ શરદ પૂનમે ચંદ્રગ્રહણ છે, જો પૂનમે ચંદ્ર શ્યામ વાદળોમાં ઢંકાયેલો રહેતો વાવાઝોડું રહેવાની શક્યતા રહે છે.