દરિયા દેવને રીઝવવા પહોંચ્યા ધારાસભ્ય, બે હાથ જોડી કચ્છ પરનું સંકટ ટાળવા પ્રાર્થના કરી
Biporjoy Cyclone Hit Kutch : વાવાઝોડું શાંત થાય અને કોઇને નુકસાન ન થાય તે માટે પૂજા કરી મા આશાપુરાને ચુંદડી અને શ્રીફળ ચઢાવ્યા હતા. હાલ તેમની આ તસવીર સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી રહી છે
Gujarat Weather Forecast : બિપોરજોય વાવાઝોડાથી ગુજરાતના જે પ્રદેશને સૌથી વધુ ખતરો છે એ છે કચ્છ જિલ્લો. આ જિલ્લો માંડ માંડ કુદરતી આપદાઓમાઁથી ઉગારીને બેઠો થવાનો પ્રયાસ કરે ત્યાં ફરી નવી આફત આવી જાય. હાલ વાવાઝોડુ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડું 15 તારીખે બપોરે દરિયાકાંઠે ટકરાવવાનું અનુમાન છે. તેની ગતિ 125થી 135 કિમી પ્રતિ કલાકની રહેશે. જ્યારે તે ટકરાશે ત્યારે તેની ગતિ 150 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની સંભાવના છે. પરંતુ આ વાવાઝોડુ કચ્છને વધુ અસર કરે તેવી શક્યતા છે. આવામાં કચ્છવાસીઓ પ્રાર્થના કરી રહ્યા છે કે નુકસાની ન થાય. આવામાં કચ્છના અબડાસાના ધારાસભ્ય ચર્ચામાં આવ્યા છે. સંકટ આવે ત્યારે લોકો પહેલા ભગવાનને યાદ કરે છે. ત્યારે કચ્છના ધારાસભ્યએ પણ સંકટ સામે દરિયા દેવને પગે લાગી દર્શન કર્યા હતા.
માછીમારોની હોડીને નુકસાન થશે
વાવાઝોડાથી કચ્છને નુકસાન ન થાય તે માટે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા દરિયા દેવના શરણે પહોંચ્યા છે. તેમની સાથે અનેક લોકો દરિયા દેવને પ્રાર્થના કરવા પહોચ્યા હતા. કચ્છ પણ આવનારા સંકટને ટાળવા શ્રદ્ધાળુઓએ મહાદેવને પ્રાર્થના કરી છે. હાલ માછીમારી રૂપી રોટી નથી, પણ વાવાઝોડું આવશે તો રોજી રળી આપતી હોડીને પણ વ્યાપક નુક્સાન થવાની ચિંતા માછીમારોને સતાવી રહી છે.
ધારાસભ્યએ દરિયાની પૂજા કરી
વાવાઝોડાના ખતરા સામે કચ્છમાં આસ્થાના દર્શન થયા હતા. વાવાઝોડું શાંત થાય તે માટે અબડાસાના MLA પ્રદ્યુમસિંહ જાડેજાએ દરિયાની પૂજા-પ્રાર્થના કરી હતી. ધારાસભ્યએ જખૌના દરિયા કિનારે પૂજા કરી છે. વાવાઝોડું શાંત થાય અને કોઇને નુકસાન ન થાય તે માટે પૂજા કરી મા આશાપુરાને ચુંદડી અને શ્રીફળ ચઢાવ્યા હતા. હાલ તેમની આ તસવીર સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી રહી છે.
કચ્છમાં 25 વર્ષ બાદ વાવાઝોડું ત્રાટકશે
૧૯૯૮ બાદ ફરી એક વાર કચ્છ પર વાવાઝોડાનો ખતરો મંડરાયો છે. ૨૫ વર્ષ બાદ કચ્છ પર બિપોરજોયને લઈને ખતરો મંડરાઇ રહ્યો છે. ૯ જુન ૧૯૯૮ ના રોજ કંડલામાં વાવાઝોડું ત્રાટક્યુ હતું. જે એક્સ્ટ્રીમ સિવિયર સાયક્લોન સ્વરૂપે ટકરાયું હતું. અનેક લોકોના આ વાવાઝોડામાં મોત હતા. તો કચ્છની અબજોની સંપત્તિને નિકસાન થયુ હતું. તે સમયે વીજળીના 40 હજારથી વધારે થાંભલા ધરાશાયી થયા હતા. મોટી સંખ્યાના ટ્રાન્સફોર્મર ક્ષતિગ્રસ્ત થતાં લાંબા સમય સુધી વિજપુરવઠો ખોરવાયો હતો. તે સમયે કંડલા પોર્ટને કરોડોનું નુકસાન થયું હતું. તો મીઠા ઉદ્યોગની નુકસાનીનો અંદાજ 15૦ કરોડ કરતાં વધારેનો હતો. ઓઇલ કાર્ગો, ક્રેઇન, આગબોટ, વે-બ્રીજ બાર્જીસ ઉપરાંત હજારો ટન ઘઉં, સેંકડો ટન ખાંડ, ૧૧૦૦૦ કરતાં વધારે ટન તેલીબિયા નષ્ટ થયા હતા. કચ્છના બાગાયતી પાકને મોટાપાયે નુકસાન થયુ હતુ. ભચાઉના કાંઠાળ વિસ્તારમાં અનેક ઊંટ મૃત્યુ પામ્યા હતા. પાટા ધોવાઇ જવાથી રેલવે અને ઇફકોને મોટું નુકસાની થઈ હતી. ફરી વાર વર્ષ ૧૯૯૮નું પુનરાવર્તન થવાનો ડર કચ્છવાસીઓને સતાવી રહ્યો છે.
કચ્છમાં વાવાઝોડાની અસર વધુ રહેશે
રાહત કમિશનર અશોક પાંડેએ વાવાઝોડાની માહિતી આપતા જણાવ્યું કે, ૧૪ અને ૧૫ તારીખે કચ્છની આસપાસ વાવાઝોડાની વધારે અસર રહેશે. કચ્છ અને કરાંચી વચ્ચે બિપોરજોય ટકરાવાની શક્યતા સૌથી વધુ છે. વાવાઝોડા દરમિાયન કચ્છ, જામનગર, મોરબી, દ્વારકા અને ગીરરસોમનાથમાં ભારે અસર થશે. અને જો વાવાઝોડું વધારે ઉપર જાય તો બનાસકાંઠા અને પાટણને પણ અસર કરી શકે છે.