દ્વારકાથી વાવાઝોડાનો લાઈવ રિપોર્ટ : ટ્રેન-બસ બંધ થતા બહારથી દર્શન કરવા આવેલા મુસાફરો અટવાયા
Gujarat Weather Forecast : આજે સવારથી જ બજારો સ્વયંભૂ બંધ જોવા મળી. તો ભારે ફૂંકાતા પવન વચ્ચે દ્વારકાધીશને પૂજારી દ્વારા તમામ પહોરની આરતી અને ભોગ ધરવામાં આવશે
Live Report From Dwarka : આજે સાંજે 4 વાગ્યે કચ્છના જખૌ બંદરે બિપોરજોય વાવાઝોડું ટકરાશે. આ સમયે 125થી 135 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી છે. દર કલાકે બિપરજોય નામની આફત પાંચ કિલોમીટર નજીક આવી રહી છે. ગુજરાતના દરિયાકિનારાથી હાલ 200 કિલોમીટર દૂર છે વાવાઝોડું. તેથી ગુજરાત માટે આજનો દિવસ સૌથી ભારે છે. આવામાં કૃષ્ણની દ્વારિકા નગરી સંકટમાં છે. વાવાઝોડું કચ્છની સાથે દ્વારકાની પણ નજીક આવી રહ્યું છે. ત્યારે હવે દ્વારકામાં ગઈકાલ રાતથી જ તેની અસર દેખાવાની શરૂઆત થઈ ગઈ છે. લોકોએ બજારો બંધ કરી છે. તો દ્વારકાના મંદિરોમાં દર્શન બંધ કરાયા છે. આવામાં સૌથી કફોડી હાલત પ્રવાસીઓની છે, જે દર્શન કરવા દ્વારકા આવ્યા હતા અને વાવાઝોડામા ફસાયા છે. ગોમતી ઘાટ ખાતે હાલ ઉલાળા લેતા મોજા ઉછળી રહ્યાં છે. તેથી દ્વારકા ખાતે કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ વૈદિક મંત્રોચાર સાથે શ્રીફળ હોમીને દરિયા દેવને બિપરજોય ચક્રવાત સામે રક્ષણ કરવા પ્રાર્થના કરી હતી.
દ્વારકામાં વાવાઝોડાની અસર વધી
દેવભૂમિ દ્વારકામાં વાવાઝોડાની અસર વધી છે. દરિયાકાંઠા વિસ્તાર માં ભારે પવન સાથે વરસાદી માહોલ સર્જાયો છે. દ્વારકા , ઓખા , બેટ દ્વારકા સહિત ના દરિયાઈ વિસ્તારોમાં દરિયાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. ઓખાના દરિયાના પાણી રોડ પર પહોંચ્યા. ઓખા ગુજરાત મેરિટાઈમ બોર્ડ પાસેના વિસ્તારમાં દરિયાના મોજા ઉછળતા રોડ પર પાણી પહોંચ્યા.
બહારથી આવેલા મુસાફરો અટવાયા
વાવાઝોડાના સંકટને પગલે દ્વારકાધીશના દર્શને ન આવવા શ્રદ્ધાળુઓને અપીલ તંત્ર દ્વારા કરાઈ છે. જેથી ગુજરાત બહારથી આવેલા લોકો દ્વારકામાં અટવાયા છે. ટ્રેન અને બસ સેવા રદ થતાં શ્રદ્ધાળુઓ મુશ્કેલીમાં મુકાયા છે. બહારથી આવેલા લોકોને પરત જવામાં ભારે તકલીફ પડી રહી છે. ટ્રેન અને બસ ન મળતાં અનેક શ્રદ્ધાળું ચિંતામાં મુકાયા છે. જોકે, સંકટનો સામનો આ મુસાફરો પણ હાલ કરી રહ્યાં છે.
રુક્ષમણી મંદિર વહેલું બંધ કરાયું
દ્વારકાની સ્થિતિ ગમે ત્યારે બગડે એવી છે. તેથી અગમચેતીના ભાગરૂપે બિપરજોયને કારણે દ્વારકાનું રુક્ષમણી મંદિર વહેલું બંધ કરાયું છે. રાત્રે 8 વાગ્યા બંધ થતું મંદિર 5 વાગ્યે જ બંધ કરી દેવાયું છે. મંદિરના પૂજારી સહિત લોકોને બહાર નીકળી જવા કહેવાયું છે. ભારે પવન અને તોફાની વરસાદને કારણે તંત્રનો નિર્ણય લેવાયો છે.
તો બીજી તરફ, વાવાઝોડાના લેન્ડફોલ પહેલા જ દ્વારકામાં તંત્ર દ્વારા બધી તૈયારીઓ કરી લેવાઈ છે. દ્વારકાધીશ મંદિરની સામે ગોમતી નદી અને સમુદ્રના સંગમના કિનારે તમામ દુકાનો બંધ કરી દેવાઈ છે. ગોમતી નદીમાં ચાલતી બોટને કિનારે લાંગરી દેવાઈ છે. તમામ બોટ માલિકોને 16 જુન સુધી બોટ ન કાઢવાનો આદેશ કરાયો છે. તો પ્રવાસીઓને પણ મંદિરથી દૂર કરાયા છે. સાથે જ, મંદિરના આસપાસના રહેનારાઓનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું છે.