Gujarat Cyclone Latest Update : ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો ટળી ગયો છે. ગુજરાતમાં ક્યાંય જાનહાનિ નથી, માત્ર માલહાનિ રિપોર્ટ થઈ છે. વાવાઝોડાએ ઠેર ઠેર નુકસાની સર્જી છે. વાવાઝોડાની આંખ ગુજરાતમાંથી પસાર થઈ છે, પરંતુ તેની અસરના ભાગરૂપે હજી પણ ગુજરાતમાં વરાસદ વરસી રહ્યો છે. વાવાઝોડાના કારણે અનરાધાર વરસાદની સવારી સવારથી યથાવત છે. ગુજરાતમાં સવારથી બપોર સુધીમાં 117 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દ્વારકાના જામખંભાળિયામાં 7.5 ઇંચ વરસાદ નોંધાયો છે. જામનગર શહેરમાં સવારે પણ ભારે વરસાદના કારણે 6-5 ઇંચ વરસાદ નોંધાયો છે. તો કચ્છના અંજાર અને માંડવીમાં પણ ચાર -ચાર ઇંચ વરસાદ નોંધાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

15 તાલુકામાં બે ઇંચ કરતાં વધારે વરસાદ 
હવામાન વિભાગે આપેલા આંકડા અનુસાર, સવારથી ગુજરાતભરમાં વરસાદ પડી રહ્યો છે. સવારથી રાજ્યના 15 તાલુકામાં બે ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે. તો રાજ્યના 32 તાલુકામાં એક ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે. દ્વારકામાં પણ અનરાધાર વરસાદના કારણે ચાર ઇંચ વરસાદ તૂટી પડ્યો. ગાંધીધામમાં પણ વધુ 3.5 ઇંચ વરસાદ પડ્યો. રાજકોટના લોધીકામાં પણ 3 ઇંચ વરસાદ રહ્યો. કચ્છના મુન્દ્રામાં પણ દે ધનાધન ત્રણ ઇંચ વરસાદ તૂટી પડ્યો હતો. આ ઉપરાંત રાજકોટ, વાંકાનેર, જામકંડોણા, અબડાસા અને નખત્રાણામાં પણ 2 ઇંચ વરસાદ આવ્યો હતો. આ આંકડા સવારથી લઈને બપોરે 12 વાગ્યા સુધીના છે. 



પાટણ જિલ્લા ના સાંતલપુર તાલુકાના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદને લઇ ઠેર ઠેર વરસાદી પાણી નીચાણવાળા વિસ્તારમાં ગરકાવ થઇ જવા પામ્યા છે. જેને લઇ વાહન ચલાકો અને રહેદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે મુખ્ય બજાર વિસ્તારમાં ગટર વ્યવસ્થાના અભાવને લઇ વરસાદી પાણીનો કોઈ નિકાલ ન થવાને કારણે પાણી માર્ગો પર ભરાઈ રહેતા ભારે હાલાકી સ્થાનિક લોકોને ભોગવવાનો વારો આવ્યો છે. વરસાદી પાણી નિકાલ માટે કોઈ યોગ્ય વ્યવસ્થા ના હોવા ને લઇ આ પરિસ્થિતિનું નિર્માણ થવા પામતા લોકોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે.



વાવાઝોડા દરમિયાન ફાયરના જવાનો દેવદૂત બન્યા હતા. ફાયરના જવાનોએ માંડવીના નિલકંઠ નગરમાંથી બાળક સહિત 15 લોકોનું રેસ્ક્યુ કર્યુ હતું. માંડવીમાં અમદાવાદ અને ગાંધીનગરનો ફાયર વિભાગની ટીમ મદદે પહોંચી છે. ત્યારે સતત વરસાદ અને ભારે પવન વચ્ચે ફસાયેલા લોકોને આ ટીમે બચાવ્યા હતા. પાણી ભરેલા વિસ્તારમાંથી પસાર થઈને લોકોનું રેસ્ક્યૂ કર્યું હતું. વિપરીત પરિસ્થિતિમાં ફાયરના જવાનોએ બજાવી ફરજ હતી. 



નવલખી બંદરના જુમ્મા વાડીમાં પાણી ભરાયા 
મોરબીના નવલખીના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો. વાવાઝોડું ભલે જતુ રહ્યું, પણ દરિયામાં ભરતી આવતા ઊંચા મોજા ઉછળી રહ્યાં છે.  માછીમારોના રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાયા છે. જુમ્મા વાડીમાં નલલખી દરિયાના પાણી ઘુસી ગયા છે. કિનારે લાંગરેલી હોડીઓ હાલકડોલક થતી જોવા મળી. 


જખૌ પોર્ટ પર રહેલા માછીમારો અને કામદારોના મકાનોને ભારે નુકસાન થયું છે. બિપોરજોય વાવાઝોડાને કારણે કાચા મકાનો ઉપરાંત પાકા મકાનો પણ ધરાશાયી થયા છે. મકાનોની છત પરથી પતરા અને નળિયા વાવાઝોડાના તેજીલા પવનમાં ગાયબ થયા છે. ગઈકાલે પડેલા ભારે વરસાદને કારણે અનેક મકાનોમાં પાણી ભરાયા છે. તો કેટલાક મકાનો પર તાળા જોવા મળ્યા હતા. કારણ કે, તંત્ર દ્વારા અગાઉ જ તમામ મકાનો ખાલી કરાવાયા હતા. જો મકાન સમયસર ખાલી ના થાત તો બિપરજોય વાવાઝોડું મોટી જાનહાની સર્જી શકતું હતું. જો કે તમામના સાથ અને સહકારથી સમગ્ર જખૌ પોર્ટ વિસ્તાર ખાલી કરાવાઈ લેતા સૌ સુરક્ષિત થઈ શક્યા હતા. 



બિપોરજોય વાવાઝોડાના પગલે મીઠું પકવતા અગરીયાઓને ભારે નુકસાન થયુ છે. અગરના રણમાં અગરીયાના મકાનોને ભારે નુકસાની જોવા મળી. તેમના ઘરની છત અને સોલાર પેનેલ ભારે પવનને કારણે ઊડી ગયા છે. વાવાઝોડાના પગલે મીઠું પકવતા અગરિયાઓને સુરક્ષીત જગ્યાએ ખસેડાયા છે. અગરના રણમાં મીઠુ પકવતા ૩૦૦ પરિવારને બોરૂ ગામની સ્કુલમાં આશ્રય અપાયો છે. વહિવટીતંત્ર દ્વારા રહેવાની અને જમવાની વ્યવસ્થા પણ કરાઈ છે. વાવાઝોડાના કારણે બોરૂ મીઠા ઉદ્યોગને મોટાપાયે નુકસાન થયું છે. બોરૂ ગામ મીઠા ઉદ્યોગને અંદાજે ૫૦ લાખ કરતાં વધારેનુ નુકસાન થયું છે.