જીવ લેવા આવી છે આ ગરમી! ઉકળાટ, બફારો અને ગભરામણ...તૌબા, જાણો ક્યાં સુધી આવું રહેશે વાતાવરણ
Gujarat Weather Update: રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે. અમદાવાદ સહિત રાજ્યના 6 શહેરોમાં તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર પહોંચતા લોકો ભારે ગરમીથી તોબા પોકારી રહ્યાં છે. ગુજરાતમાં ગરમીનો આંકડો 45 ને પાર! અમદાવાદીઓ પણ હજુ 4 દિવસ શેકાવા તૈયાર રહેજો.
- હજુ પણ 4 દિવસ ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી
- આજે ગુજરાતના 13 જિલ્લામાં ઓરેન્જ અલર્ટની આગાહી
- બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણમાં ઓરેન્જ અલર્ટ
- સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગરમાં ઓરેન્જ અલર્ટ
- આણંદ, રાજકોટ, ભાવનગર, જૂનાગઢમાં ઓરેન્જ અલર્ટ
- પોરબંદર, સુરત અને વલસાડમાં ઓરેન્જ અલર્ટ
- અમરેલી, કચ્છ, મહેસાણા, વડોદરામાં યલો અલર્ટ
- પશ્વિમીથી ઉત્તર પશ્વિમી પવન ફૂંકાશે
Gujarat Weather Forecast: ગુજરાતમાં સતત વધી રહ્યો છે ગરમીનો પારો. તાપમાનનો પારો 45 ને પાર જતા હીટવેવની અસરને કારણે સંખ્યાબંધ લોકોની તબીયત બગડી રહી છે. હીટવેવને કારણે તંત્ર દ્વારા કામ વિના ઘરેથી બહાર ન નીકળવાની સલાહ પણ આપવામાં આવી છે. ખાસ કરીને અમદાવાદીઓએ હીટવેવની અસરના લીધે હજુ ચારથી પાંચ દિવસ સુધી ભારે ગરમી સહન કરવી પડશે.
અમદાવાદમાં ગરમીએ રેકોર્ડ તોડ્યોઃ
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત્ : 45.4 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર સૌથી ગરમ, અમદાવાદમાં 45.2 ડિગ્રીએ પહોંચ્યો છે ગરમીનો પારો. આગામી ચાર દિવસ સુધી અમદાવાદમાં હીટવેવની સ્થિતિ જોવા મળશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને હવામાન વિભાગના મતે હીટવેવ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના ચોપડે અમદાવાદમાં ગરમીના કારણે રેડ અલર્ટ આપવામાં આવ્યું છે. મે મહિનામાં છેલ્લા સાત વર્ષમાં ગરમીનો રેકોર્ડ મંગળવારે તૂટ્યો, અમદાવાદમાં 45.2 ડિગ્રી ગરમી નોંધાઈ હતી.
ગુજરાતમાં 13 જિલ્લામાં હીટવેવની ચેતવણીઃ
રાજ્યમાં આકાશમાંથી જાણે અગનવર્ષા વરસી રહી છે. ગઈકાલે 5 શહેરોનું તાપમાન 45 ડિગ્રીને આંબી ગયું...જેમાં અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, અમરેલી અને કંડલામાં ગરમીએ ભુક્કા કાઢી નાખ્યા...45.4 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર હોટેસ્ટ સિટી રહ્યું...આ બાજુ હવામાન વિભાગે ફરી ધગધગતી આગાહી કરી છે. તારીખ 21, 22 અને 23મી મેએ બનાસકાંઠા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ભાવનગર, સુરત, વલસાડ, જુનાગઢ, પોરબંદર, રાજકોટમાં હીટવેવની ચેતવણી છે.
હીટસ્ટ્રોકના કેસમાં વધારો:
કાળઝાળ ગરમીને કારણે હીટસ્ટ્રોકના કેસમાં પણ એકાએક વધારો થઈ ગયો છે...અત્યાર સુધી 72 જેટલા કેસ હીટ સ્ટ્રોકના નોંધાયા છે...17 એપ્રિલ પછી રોજના 70થી 80 કેસ આવી રહ્યા છે....ગરમીનો પારો રોજ ઉપરને ઉપર જઈ રહ્યો છે, જેના કારણે કેસમાં પણ સતત વધારો થવાની સંભાવના છે...ગુજરાતમાં હજુ પણ 4 દિવસ હીટવેવની આગાહી છે....ક્યારે કેટલાક હીટ સ્ટ્રોકના કેસ નોંધાયા તેની વાત કરીએ તો, 18 મેએ 83 કેસ, 17 મેએ 85 કેસ, 18 મેએ 97 કેસ, 19 મેએ 106 કેસ, 20 મેએ 105 અને 21 મેએ 72 કેસ હીટ સ્ટ્રોકના નોંધાયા છે....
ગરમીને લઈને તંત્રની ચેતવણીઃ
હવામાન વિભાગે સ્પષ્ટ ચેતવણી આપી છે કે કામ સિવાય બપોરના સમયે બહાર ન નીકળવું, તો આરોગ્ય વિભાગે પણ કહ્યું છે કે, ગરમીમાં વધારે પ્રમાણમાં પાણી પીવું જોઈએ, લીંબુ શરબત, જ્યુસ, છાશ સહિતના પીણાનો વધારે આગ્રહ રાખવો જોઈએ.