Gujarat Weather Report: ગુજરાતમાં ઉનાળાનો સત્તાવાર પ્રારંભ થયાની હવામાન વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. આ વખતે ઉનાળો અત્યંત આકરો રહેવાનું અનુમાન છે અને કેટલાક સ્થળોએ રેકોર્ડબ્રેક ગરમી પડી શકે છે. આજે દિવસ દરમિયાન રાજ્યના ૮ શહેરમાં મહત્તમ તાપમાનનો પારો ૩૬ ડિગ્રીને પાર થયો હતો. જેમાં ૩૮.૭ ડિગ્રી સાથે ભૂજમાં સૌથી વધારે ગરમી નોંધાઇ હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થા સ્કાયમેટના જણાવ્યા પ્રમાણે અલ-નિનોની અસરને પગલે આ વખતે દેશભરમાં આકરી ગરમી પડી શકે છે. મહારાષ્ટ્રમાંથી વિદર્ભ, પૂર્વ ઓડિશા, ગુજરાતમાંથી સૌરાષ્ટ્ર-કચ્છ-ઉત્તર-મધ્ય ગુજરાત, દક્ષિણમાંથી તેલંગાણામાં આ વખતે રેકોર્ડ ગરમી પડી શકે છે. આ પૈકીના મોટાભાગના સ્થળોએ માર્ચના મોટાભાગના દિવસોમાં જ ૪૦ ડિગ્રીથી વધુ ગરમી નોંધાશે. ભૂજમાં ફેબ્રુઆરીમાં જ તાપમાન ૪૦ને પાર થઇ ચૂક્યું છે અને તેવું જવલ્લે જ જોવા મળતું હોય છે.


ક્યાં વધારે ગરમી....


શહેર    તાપમાન


ભૂજ    38.7        


રાજકોટ    37.3


અમદાવાદ    37.0


ગાંધીનગર    36.8


પાટણ    36.8


અમરેલી    36.6


ડીસા    36.6


ભાવનગર    36.0


સુરત    35.8


વડોદરા    35.6


નલિયા    35.4


૮ શહેરમાં ૩૬ ડિગ્રીથી વધુ તાપમાનઃ ભૂજમાં ૩૮.૭ડિગ્રી સાથે સૌથી વધુ ગરમી : અમદાવાદમાં ૩૭ ડિગ્રી


બીજી તરફ હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘આગામી ૪૮ કલાક લઘુતમ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નથી. પરંતુ ત્યારબાદના ૩ દિવસમાં લઘુતમ તાપમાન ૨-૪ ડિગ્રી વધી શકે છે. આગામી ૪૮ કલાક બાદ મહત્તમ તાપમાનમાં પણ ચાર ડિગ્રીનો વધારો થશે, જેના પગલે ગરમીનું પ્રમાણ વધશે. હવામાન નિષ્ણાતોના મતે બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરને પગલે માર્ચના પ્રથમ સપ્તાહમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠું પડી શકે છે. માવઠાની સંભાવનાને પગલે ખેડૂતોને માથે ચિંતાના વાદળો ઘેરાયા છે. દરમિયાન આજે ભૂજમાં આજે ૩૮.૭ ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં ૬ ડિગ્રીનો વધારો નોંધાયો હતો. અમદાવાદમાં ૩૭.૪ ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ચાર ડિગ્રી વધ્યું હતું. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં આગામી ગુરુવારથી મંગળવાર સુધી મહત્તમ તાપમાન ૩૮ થી ૪૦ ડિગ્રી વચ્ચે નોંધાઇ શકે છે. ગત રાત્રિએ અમદાવાદનું સરેરાશ લઘુતમ તાપમાન ૧૭ ડિગ્રી હતું. આગામી પાંચ દિવસ લઘુતમ તાપમાન ૧૭ ડિગ્રીની આસપાસ જ રહેવાની સંભાવના છે.