Gujarat Rain: ગુજરાતમાં અનેક ઠેકાણે આભ ફાટ્યા જેવી સ્થિતિ, આ વિસ્તારોમાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather: મધ્યપ્રદેશમાં સર્જાયેલા લો પ્રેશરનાં કારણે ગુજરાતમાં સારા એવા પ્રમાણમાં વરસાદ પડ્યો છે. રાજ્યમાં 24 કલાકમાં 200 તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો. સૌથી વધુ જૂનાગઢના વીસાવદરમાં 15.92 ઈંચ વરસાદ પડ્યો, 20 તાલુકામાં 4 ઈંચથી વધારે વરસાદ પડ્યો છે
Gujarat Weather: મધ્યપ્રદેશમાં સર્જાયેલા લો પ્રેશરનાં કારણે ગુજરાતમાં સારા એવા પ્રમાણમાં વરસાદ પડ્યો છે. રાજ્યમાં 24 કલાકમાં 200 તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો. સૌથી વધુ જૂનાગઢના વીસાવદરમાં 15.92 ઈંચ વરસાદ પડ્યો, 20 તાલુકામાં 4 ઈંચથી વધારે વરસાદ પડ્યો છે. તો 9 તાલુકામાં 4 ઈંચ વરસાદ વરસ્યો. કચ્છ, જામનગર, જૂનાગઢ અને નવસારી જિલ્લામાં ભારે વરસાદથી NDRFની ટુકડીઓએ સંભાળ્યો મોરચો. જૂનાગઢ અને જામનગરમાં SDRFની 1-1 ટીમ તહેનાત કરાઈ છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં બારે મેઘ ખાંગા
સૌરાષ્ટ્રમાં સતત બીજા દિવસે અનરાધાર વરસાદ વરસ્યો, વિસાવદરમાં 15 ઈંચથી વધુ અને જંગલ વિસ્તારમાં તો તેનાથી પણ વધુ વરસાદ, જામનગરમાં 11 ઈંચ વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ થઈ છે. જૂનાગઢમાં ગઈ કાલે વધુ પાંચ ઈંચ વરસાદ ખાબક્યો. જ્યારે ગિરનાર પર બે દિવસમાં 20 ઈંચ વરસાદથી અનેક નદીઓ, નાળા છલકાયા છે.ગાંધીધામ, ધ્રોલ જોડિયામાં ગઈ કાલે પણ આઠ ઈંચ વરસાદ વરસ્યો છે. જામગનરમાં તોફાની વરસાદથી મંદિર, તળાવની દિવાલ ધસી પડી. 22 લોકોનું સ્થળાંતર કરાયું છે. જુદી જુદી દુર્ઘટનાઓમાં 6 લોકો ડૂબ્યા જેમાંથી 4 લોકોના મૃત્યુ થયા છે. અંજારમાં 36 કલાકમાં 17 ઈં અને ગાંધીધામમાં આઠ ઈંચ વરસાદ પડ્યો છે.
વરસાદના પગલે 18 ડેમો હાઈએલર્ટ, એલર્ટ, ચેતવણી જાહેર
વરસાદના પગલે કચ્છના 4 અને સૌરાષ્ટ્રના 3 એમ કુલ સાત ડેમો ઓવર ફ્લો થયા છે. ગુજરાતના 206 ડેમો પૈકી કુલ 18 ડેમ હાઈ એલર્ટ, એલર્ટ અને વોર્નિંગ પર છે. જ્યારે 80થી 90 ટકા ડેમો છલકાયા હો તેવા બે જળાશય પર એલર્ટ અને 70થી 80 ટકા વચ્ચે પાણીનો સંગ્રહ થયો હોવાની માહિતી છે. સરદાર સરોવર સહિતના 207 જળાશયોમાં પાણીનો સંગ્ર વધીને 41.30 ટકાએ પહોંચ્યો છે. સરદાર સરોવર ડેમમાં અત્યારે 53.14 ટકા જળસંગ્રહહ છે. કચ્છના 20 ડેમોમાં 49.75 ટકા, ઉત્તર ગુજરાતના 15 ડેમોમાં 47.10 ટકા, મધ્ય ગુજરાતના 17 ડેમોમાં 31.19 ટકા. દક્ષિણ ગુજરાતના 13 ડેમોમાં 33.73 ટકા જળસંગ્રહ છે. સૌરાષ્ટ્રના 141 ડેમોમાં 26.98 ટકા પાણી છે. ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લામાં 26.85 ટકા પાણી સંગ્રહ છે.
વરસાદથી 11ના મોત
ગુજરાતમાં ભારે વરસાદના કારણે અત્યાર સુધીમાં 11 લોકોનાં મૃત્યુ થયા છે. પંચમહાલમાં 4, આણંદ અને બોટાદમાં 2, જામનગર અમરેલી અને અરવલ્લીમાં 1-1નું મૃત્યુ થયા છે.
અમદાવાદમાં આગામી બે દિવસ હજુ પણ વરસાદની આગાહી
હજુ પણ ગુજરાતમાં 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાનની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. અમદાવાદમાં હજુ પણ આગામી બે દિવસ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાનની આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં શનિવારે 96 ટકા અને રવિવારે 80 ટકા શક્યતા છે કે અતિભારે વરસાદ પડી શકે છે. શુક્રવારની જેમ શનિવારે પણ મોડી સાંજે ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. જો કે હાલની સ્થિતિ આગામી મંગળવારથી ગુરુવાર વચ્ચે વરસાદ પડે તેવી સંભાવના નથી.